સીરિયાના બરતરફ નેતા બશર અલ-અસદ અને પૂર્વ સુરક્ષા વડાને માનવતા વિરૂદ્ધના ગુનાઓ બદલ ફાંસીની સજા

દમાસ્કસની કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ અલ-અસદ, તેમના ભાઈ માહેર અને પૂર્વ સુરક્ષા અધિકારી આતિફ નજીબને મૃત્યુદંડ ફટકાર્યો; સીરિયાની સંક્રમણકાલીન ન્યાય પ્રક્રિયા માટે આ નિર્ણય ઐતિહાસિક ક્ષણ

(એજન્સી) દમાસ્કસ, તા.૧૧
સીરિયાની દમાસ્કસ સ્થિત ‘ફોર્થ ક્રિમિનલ કોર્ટ’ દ્વારા એક અતિ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. દેશના બરતરફ કરાયેલા પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ, તેમના ભાઈ માહેર અલ-અસદ અને પૂર્વ વરિષ્ઠ સુરક્ષા અધિકારી આતિફ નજીબને માનવતા વિરૂદ્ધના ગુનાઓ માટે ફાંસી (મૃત્યુદંડ)ની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે વર્ષ ૨૦૧૧માં દરઆ (Deraa) પ્રાંતમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકો પર કરવામાં આવેલો હિંસક કચડાટ અને અત્યાચારો ‘માનવતા વિરૂદ્ધના ગુના’ની શ્રેણીમાં આવે છે.આતિફ નજીબ કોણ છે ? ૬૬ વર્ષીય આતિફ નજીબ પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના પિતરાઈ ભાઈ છે અને તેઓ સીરિયાના દક્ષિણી પ્રાંત દરઆમાં ‘પોલિટિકલ સિક્યુરિટી’ના વડા તરીકે કાર્યરત હતા. માર્ચ ૨૦૧૧માં જ્યારે કેટલાંક સગીરોએ શાળાની દીવાલ પર સરકાર વિરોધી ગ્રાફિટી (સૂત્રો) લખી હતી, ત્યારે નજીબના નેતૃત્વ હેઠળ તેમની ધરપકડ કરીને અમાનુષી ટોર્ચર કરવામાં આવ્યું હતું. આ ઘટના જ સીરિયામાં સરકાર વિરોધી વ્યાપક આંદોલનનું કારણ બની હતી, જે પાછળથી ૧૪ વર્ષ લાંબા ભયાનક ગૃહયુદ્ધમાં ફેરવાઈ ગઈ હતી. ડિસેમ્બર ૨૦૨૪માં સશસ્ત્ર વિપક્ષી જૂથોના ઘેરાવાને કારણે અસદ શાસનનો અંત આવ્યો હતો અને બશર અલ-અસદ પોતાના પરિવાર સાથે રશિયા ભાગી ગયા હતા. જોકે, નજીબ જાન્યુઆરી ૨૦૨૫માં સીરિયા પરત ફરતાં સુરક્ષા દળોએ લતાકિયા પ્રાંતમાંથી તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં નજીબ જ માત્ર એક એવા મુખ્ય આરોપી છે જેઓ ભૌતિક રીતે સીરિયાની જેલમાં હાજર રહીને ટ્રાયલનો સામનો કરી રહ્યા હતા, જ્યારે અસદ અને તેમના ભાઈને તેમની ગેરહાજરીમાં (in absentia) સજા સંભળાવવામાં આવી છે.કોર્ટનો નિર્ણય અને અદાલતી કાર્યવાહી : ચોથી ક્રિમિનલ કોર્ટમાં એપ્રિલ ૨૬થી શરૂ થયેલી અદાલતી કાર્યવાહી દરમિયાન નજીબ સામે ૧૦થી વધુ ગંભીર ગુનાઓ હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ-નિયોજિત હત્યા, અમાનુષી ટોર્ચર અને માસ શૂટિંગ જેવા ગંભીર આરોપો સામેલ હતા. સુનાવણી દરમિયાન લગભગ ૭૫ જેટલા પીડિતો અને સાક્ષીઓએ કોર્ટ સમક્ષ પોતાની આપવીતી અને પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે નજીબ કસ્ટડી દરમિયાન અનેક નાગરિકોને આપવામાં આવેલા ક્રૂર ત્રાસ અને તેમના મૃત્યુ માટે સીધા જવાબદાર હતા.આ ચુકાદાનું વૈશ્વિક અને સ્થાનિક મહત્ત્વ : અસદ શાસનના પતન બાદ અહમદ અલ-શારાના નેતૃત્વ હેઠળની નવી વચગાળાની સરકાર માટે આ ટ્રાયલ પોતાની સંક્રમણકાલીન ન્યાય પ્રક્રિયા (Transitional Justice) સાબિત કરવાનું એક મોટું પરીક્ષણ હતું. ૧૪ વર્ષ ચાલેલા આ ગૃહયુદ્ધમાં અંદાજે ૫ લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૧,૮૧,૦૦૦થી વધુ લોકોને ગાયબ કે ગેરકાયદેસર રીતે કેદ કરવામાં આવ્યા હતા. અદાલત દ્વારા સજાની ઘોષણા થતાં જ દમાસ્કસમાં કોર્ટ ભવન બહાર એકત્રિત થયેલા હજારો સીરિયન નાગરિકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને લોકોએ શેરીઓમાં ઉતરીને ઉત્સવ મનાવ્યો હતો. માનવતાવાદી સંગઠનો અને કાનૂની નિષ્ણાતોના મતે, આ ચુકાદો ભવિષ્યમાં અસદ શાસનના અન્ય ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવા માટે એક મજબૂત આધાર અને નઝીર (પ્રીસિડન્ટ) પૂર પૂરો પાડશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks