(એજન્સી) તા.૧ર
રવિવારે સીરિયાની સેનાએ નાકાબંધી હેઠળના અને બળવાખોરોના કબજા હેઠળના પૂર્વ ઘૌતામાં બેરલ બોમ્બ ઝીંક્યા હતા. જોકે આ હવાઇ હુમલા પૂર્વ ઘૌતાના અનેક વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા જેમાં લગભગ ડઝનેક નાગરિકોનાં મોત નીપજ્યાના અહેવાલો મળ્યાં છે. તેની સાથે જ નાગરિકોનો મૃતાંક હવે ૧૧૧૧ને પણ વટાવી ગયો છે. નોંધનીય છે કે સીરિયાની સેના છેલ્લે ૧૮ ફેબ્રુઆરીથી સીરિયાના પૂર્વ ઘૌતામાં બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. જોકે આ મામલે તેના સહયોગી રશિયાના કહેવા પ્રમાણે જ યુએનએસસીએ સીરિયામાં ૩૦ દિવસ માટે યુદ્ધવિરામ લાગુ કરવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો છતાં સીરિયાની સેના પોતે જ આ ઠરાવનું પાલન કરી રહી ન હોવાનો દાવો કરાઇ રહ્યો છે. છેલ્લા ૩ અઠવાડિયાથી રશિયા, સીરિયાની સેના સાથે મળીને આ કાર્યવાહી કરી રહી છે પરંતુ લાગે છે કે જ્યારથી સીઝફાયર લાગુ કરાયું છે ત્યારથી રશિયાની સેના કદાચ શાંત બેસી ગઇ છે અને તેના પર કોઇપણ પ્રકારના હુમલા કરવાનો આરોપ લાગ્યો નથી. જોકે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદની સમર્થક સેના ધીમે ધીમે બળવાખોરોના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં આગળ વધી રહી છે અને નાગરિકોને મુક્ત કરાવવાનો પ્રયાસ કરી રહી છે. આ વિસ્તારોમાં બળવાખોરોના નિયંત્રણ હેઠળ લગભગ ચાર લાખથી વધુ નાગરિકો ફસાયેલા છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ઓફ હ્યુમન રાઇટસે રવિવારે જણાવ્યુંં કે સીરિયાની સેનાએ જુદા જુદા વિસ્તારોમાં બળવાખોરોને નિશાને લેતાં હવાઇ હુમલા કરી બેરલ બોમ્બ ઝીંક્યા હતા અને રોકેટ હુમલા પણ કર્યા હતા. ઓબ્ઝર્વેટરીના વડા રામી અબ્દેલ રહેમાને કહ્યું હતુંં કે મદેરા શહેરમાં વહેલી સવારે આ હુમલા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેટ રન ન્યૂઝ એજન્સી સનાએ આપેલી માહિતી અનુસાર સીરિયાની સેનાના સૈનિકો હવે પૂર્વ ઘૌતામાં વિપક્ષના કોઈપણ નેતા કે સભ્ય ના જઇ શકે તેવી તૈયારી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જોકે તમને જણાવી દઇએ કે આ હવાઇ હુમલાને કારણે અનેક નાગરિકોના શબ કાટમાળ નીચે દટાયેલા છે. હુમૈરાહ, સકબા અને મિસરબા શહેરમાં પણ હજુ પણ અનેક નાગરિકો ફસાયેલા છે. લોકો એકબીજાના પરિજનને શોધી રહ્યાં છે. એક રાહતકર્મી હસને કહ્યું કે લગભગ ર૦થી વધુ પરિવારો બેરલ બોમ્બને કારણે કાટમાળ હેઠળ દટાઇ ગયા છે અને તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે.