
અન્ય બે આરોપીઓની પણ શોધખોળ શરૂ કરાઈ છે : ડીસીપી
(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.ર૦
રાજ્યમાં મુસ્લિમ સમાજ સામે પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે. પણ આ મામલે સુરત પોલીસ અપવાદરૂપ સાબિત થઈ છે. કારણ કે સુરતમાં નમાઝ પઢી બહાર નીકળેલા બે યુવાનો પર ટોપી પહેરવા મુદ્દે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે તાત્કાલિક પગલાં લઈ બે શખ્સોને ઝડપી ઘટના સ્થળે તેમનું સરઘસ કાઢ્યું હતું. પોલીસની નિષ્પક્ષ કાર્યવાહીથી મુસ્લિમ સમાજમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
સુરતમાં સલાબતપુરા વિસ્તારની અંદર ખ્વાજાનગરની મસ્જિદમાંથી બહાર આવી રહેલા બે મુસ્લિમ યુવકો સાથે ટોપી પહેરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને ચાર ઈસમો દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
ખ્વાજાનગરની અંદર ચીયા ગેંગ દ્વારા આતંક મચાવી દેવામાં આવ્યો હતો. બે યુવાનો મસ્જિદમાંથી નમાઝ પઢીને બહાર આવ્યા ત્યારે ચાર યુવકો દ્વારા શેખ અસલમ નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરતા CCTV ના આધારે ૪ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો, તેમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે પોતાનો રૌફ જમાવવા ઈચ્છતા યુવકોની ધરપકડ કરીને ઘટનાસ્થળે રાઉન્ડ ફેરવ્યા હતા. ડ્ઢઝ્રઁ ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, ખ્વાજા નગરમાંથી નીકળતા યુવક સાથે ટોપી પહેરવા બાબતે થયેલા ઝઘડામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અસલમ શેખ રમઝાન ચાલતો હોવાથી મસ્જિદમાંથી નમાઝ પઢી પોતાના ઘરે જતો હતો થોડો સામાન પણ તેની સાથે હતો. આ યુવકોએ મસ્જિદમાંથી ટોપી પહેરીને કેમ જાય છે એ બાબતને લઈને હુમલો કરી દીધો હતો. પોલીસે બેની ધરપકડ કરી લીધી છે. અન્ય બે આરોપીઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.