મધ્યપ્રદેશમાં એક મંદિરમાં કથિત બળાત્કારની ઘટના અંગેની એક પોસ્ટ પછી જ્યાં શિવાજીની પ્રતિમાના અપમાનની કહેવાતી ઘટનાથી પહેલેથી ભારે તણાવ હતો એવા યવત ગામમાં હિંસા શરૂ થઈ ગઈ અને તોફાની ટોળાએ વાહનોને આગ લગાડી તથા મિલકતો પર હુમલા શરૂ કર્યા; પોલીસે અશ્રુવાયુનો મારો ચલાવ્યો અને કર્ફ્યું ફરીથી લાગુ કરાયો, પોલીસે સામૂહિક અટકાયતો શરૂ કરી અને અનેક એફઆઈઆર દાખલ કરી
(એજન્સી) પુણે, તા.૪
શુક્રવારે પુણે જિલ્લાના ડોંડ તાલુકાના યવત ગામમાં થોડા સમયથી ચાલી રહેલી તણાવની સ્થિતિ વ્યાપક પ્રમાણના કોમવાદી તોફાનોમાં પરિણમી હતી. મધ્યપ્રદેશના એક મંદિરમાં કથિત બળાત્કારની ઘટના અંગેની પોસ્ટને લઈને ગામમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. ધ હિન્દુ અખબારના અહેવાલ મુજબ અને તેનો ઉલ્લેખ કરીને પોસ્ટમાં લખ્યું હતું કે, મંદિરની અંદર એક ૬૦ વર્ષના પૂજારીએ બે સગીર બાળાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પોસ્ટ પછી લોકોમાં રોષ ફેલાયો હતો અને નાના એવા ગામમાં છેલ્લા થોડા સમયથી ફેલાયેલી તંગદિલીએ તોફાનોનું રૂપ લઈ લીધું હતું. તોફાની ટોળાએ ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો અને વાહનોને આગ ચાંપવાનું તથા ખાનગી તથા જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું. જોકે કોઈને ઈજા થઈ નથી. પોલીસે તોફાની ટોળાને વિખેરવા અશ્રુવાયુનો મારો ચલાવ્યો હતો. બે મોટર અને એક મોટરસાયકલને આગ લગાડી દેવાઇ હતી અને એક બેકરી તથા એક ધર્મસ્થાનને પણ આગ લગાડવામાં આવી હતી તેમ કોલ્હાપુર રેંજના સ્પેશિયલ આઈજીપી સુનિલ ફુલારીએ હિન્દુ અખબારને જણાવ્યું હતું. આ પ્રકારની પોસ્ટ મૂકનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી લીધી હતી પરંતુ પોલીસે ચોખવટ કરી હતી કે આ વ્યક્તિ યવત ગામનો નથી. પોસ્ટ મૂકનાર આરોપીને કયા જૂથ સાથે સંપર્ક છે એ અંગે તપાસ ચાલી રહી છે. પુણે ગ્રામ્ય પોલીસવાળા સંદીપ સિંહ ગિલ્લે જણાવ્યું હતું કે, પહેલી ઓગસ્ટે શુક્રવારે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાના સુમારે અમને પોસ્ટ અંગે એલર્ટ મળ્યું હતું એટલે અમે તરત જ એ વ્યક્તિની અટકાયત કરી દીધી હતી પરંતુ ત્યાં સુધીમાં પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી અને પોલીસ મથકની બહાર ગ્રામજનોનું ટોળું ભેગું થવા લાગ્યું હતું. પોલીસે ગામના આગેવાનો સાથે સમજાવટની વાતચીત શરૂ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં અનેક વિસ્તારોમાં તોફાનો શરૂ થઈ ગયા હતા અને મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. પોસ્ટ લખનાર આરોપીના મકાનને પણ આગ લગાડી દેવામાં આવી હતી. માત્ર સ્થાનિક નહીં પણ બહારના લોકો પણ તોફાનોમાં સામેલ હતા એટલે પોલીસે તુરત જ કાર્યવાહી શરૂ કરી હતી.ગત ૨૬ જુલાઈના રોજ આ ગામમાં શિવાજી મહારાજની પ્રતિમાની તોડફોડ થયાની કહેવાતી ઘટનાને પગલે પણ તણાવની સ્થિતિ પેદા થયેલી હતી અને એવામાં આ પોસ્ટથી વધુ ભડકો થયો હતો. તમામ સમુદાય અને સમાજના લોકોએ તોફાની અને હિંસાની ઘટનાઓને વખોડી કાઢી હતી. પ્રતિમાની તોડફોડની ઘટનાના વિરોધમાં હિન્દુત્વ જૂથોએ રેલી પણ કાઢી હતી અને બેઠક બોલાવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, એ બેઠક અને શુક્રવારની હિંસા વચ્ચે કોઈ સંબંધ નથી. એક બહારની વ્યક્તિએ પોસ્ટ મૂકી તેના કારણે હિંસા થઈ હતી. એક પૂજારી વિશે એ પોસ્ટ મૂકવામાં આવી હતી એટલે લોકો રસ્તા પર આવી ગયા હતા. તપાસ ચાલી રહી છે. કેટલાક લોકો આ પ્રકારની પોસ્ટ મૂકતા રહે છે જેના કારણે તણાવ થઈ જાય છે પરંતુ આવા લોકો સામે જે હિંસા જન્માવે છે એવી પોસ્ટ મૂકનારા સામે કડક પગલાં લેવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ યવત ગામ ગયા હતા અને કહ્યું હતું કે, પોલીસ અને એસઆરપીની ટુકડીઓ મોટા પ્રમાણમાં ગોઠવવામાં આવી છે અને પરિસ્થિતિ કાબૂ હેઠળ છે. અત્યારે ગામમાં ૧૪૪મી કલમ લાગુ કરવામાં આવી છે જેથી કરીને ટોળા ભેગા ન થાય. પોલીસ અને સ્થાનિક તમામ સમાજના આગેવાનોએ શાંતિ માટે અપીલ કરી છે.
પોલીસે ૫૦૦થી વધુ લોકો સામે હિંસા બદલ એફઆઇઆર દાખલ કરી છે અને ૧૭થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. તોફાનીઓની ઓળખ કરીને બાકીનાઓની પણ અટકાયત કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.