ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે

ઈસ્લામી શિક્ષાનું સાર ઈસ્લામની ચોથી અનિવાર્ય ઈબાદત હજ છે. આ જીવનમાં ફક્ત એક વખત તે ઉંમરલાયક વ્યક્તિઓ પર અનિવાર્ય કે ફરજિયાત છે, જે શારીરિક અને આર્થિક રીતે મક્કા અને મદીના જઈને પરત ફરવાની યોગ્યતા ધરાવતા હોય.
જ્યાં સુધી હજના ઇતિહાસનો પ્રશ્ન છે તો વિશ્વ માનચિત્ર પર જ્યાં વર્તમાન યુગમાં મક્કા શહેર આવેલું છે, તે સ્થળે અત્યારથી હજારો વર્ષ પૂર્વે અલ્લાહના એક પ્રિય પયગમ્બર હઝરત ઈબ્રાહિમ (અ.સ.)એ ઈશ્વરીય આદેશનું પાલન કરતા અલ્લાહની ઈબાદત માટે એક ઘર બનાવ્યું હતું, તે ઘરને અલ્લાહે પોતાનું ઘર ઘોષિત કર્યું અને માનવજાતિને એ સંદેશ આપ્યો કે, જેણે મારી ઈબાદત કરવી હોય, તે આજ ઘરની તરફ દિશા કરીને (મોઢું રાખીને) મારી ઈબાદત કરે. આ જ રીતે આ પણ આદેશ આપ્યો કે, પ્રત્યેક ઉંમરલાયક મુસલમાન પછી તે સંસારના કોઈપણ ખૂણાનો રહેવાસી હોય, જો શારીરિક અને આર્થિક રીતે અત્રે આવવાની યોગ્યતા ધરાવતા હોય, તે જીવનમાં ઓછામાં ઓછું એક વખત આ ઘરને જોવા તથા અહિંયા અલ્લાહની ઈબાદત માટે અવશ્ય ઉપસ્થિત થાય.
હજ ઈસ્લામી કેલેન્ડરના અંતિમ મહિના અર્થાત્‌ જીલહજના મહિનાની આઠવી, નવમી અને દસમી તિથિ તારીખે થાય છે. હજ એક એવી ઈબાદત છે. જેમાં પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવનને હઝરત ઈબ્રાહિમ (અ.સ.)ના જીવનને અનુરૂપ બનાવવા અને સજાવવાનો પ્રયત્ન કરે છે. ઈસ્લામમાં હઝરત ઈબ્રાહિમ (અ.સ.)ના જીવનને એક ઉચ્ચ આદર્શ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
અલ્લાહે જ્યારે હઝરત ઈબ્રાહિમ (અ.સ.)ની પ્રત્યેક પ્રકારની પરીક્ષા લઈ લીધી અને તેઓ પોતાની તમામ પરીક્ષાઓ અર્થાત જાન, માલ અને સંતાનના બલિદાન આપવામાં સફળ રહ્યા તો અલ્લાહે તેમને પોતાના મિત્ર કહ્યા અને તેમના જીવનને ત્યારપછીના લોકો માટે એક ઉચ્ચ આદર્શ બનાવી દીધો. આજ આદર્શનું અનુસરણ પ્રત્યેક વ્યક્તિ હજના પ્રત્યે કરે છે.
જો હજ અને તેના કૃત્યોનું અધ્યયન કરવામાં આવે તો આ જ્ઞાત થાય છે કે, હજ ઈસ્લામની સૌથી મોટી ઈબાદત છે. જો મનુષ્યના હૃદયમાં અલ્લાહ પ્રત્યે પ્રેમ ન હોય તો તે પોતાનું ઘરબાર છોડીને સંબંધીઓ અને મિત્રોથી વિખુટા પડીને આટલી લાંબી યાત્રાનું કષ્ટ જ કેમ ઉઠાવશે ? તેથી સ્વયં હજનો ઈરાદો જ અલ્લાહ પ્રત્યેનો પ્રેમ તથા તેના આદેશોના પાલનનો પુરાવો છે. હજની યાત્રામાં મનુષ્યના ધ્યાનનું કેન્દ્ર અલ્લાહ હોય છે. આ રીતે તેનું હૃદય અવજ્ઞા અને પાપથી સ્વયં ઘૃણા કરવા લાગે છે. તેના અગાઉના ગુનાહો (પાપ) ઉપર લજ્જા આવે છે તે ભવિષ્ય માટે અલ્લાહ સમક્ષ દુઆ માંગે છે કે, અલ્લાહ તેને બુરાઈઓ કે બદીઓથી બચાવે.
હજથી વ્યક્તિને એકતા અને સમાનતાનો પાઠ શીખવા મળે છે. કેમ કે, આપણે જોઈએ છીએ કે હજના કારણે જ સમગ્ર વિશ્વમાંથી મુસલમાન એક જ સમયે મક્કામાં એકત્રિત થાય છે, એકબીજાને હળે-મળે છે. આંતરિકપણે પ્રેમ અને એકતાની ભાવના તેઓમાં જન્મે છે. આનાથી તેઓને આ સંદેશો પણ મળે છે કે, તમામ મનુષ્ય ભાઈ-ભાઈ છે. ભલે પછી તે કોઈપણ દેશ, જાતિ અને વંશ સાથે સંબંધ ધરાવતો હોય.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts