પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ
(ગતાંકથી ચાલુ)
ઇમામ શાફિઈ ખૂબ જ મુત્તકી, સંયમી, પરહેઝ્ગાર ,અલ્લાહથી ભય રાખનાર, ખૂબ જ ઇબાદત કરનાર, પરલોકની ચિંતા કરનાર, ખૂબ જ શિષ્ટાચારી, નમ્ર અને ધૈર્યવાન હતા. તેઓ રાત્રીના પ્રથમ પહોરમાં લેખન-અધ્યયન, બીજા પહોરમાં નફીલ નમાઝ પઢતા અને ત્રીજા પહોરમાં આરામ કરતા. હ.રબી બિન સુલેમાન રહ.ફરમાવે છે કે ઇમામ શાફિઈ દરરોજ એક કુર્આન અને રમઝાનમાં નફીલ નમાઝમાં ૬૦ કુર્આન પઢતા હતા. છેલ્લી ઉમરમાં એમણે ખૂબ લખ્યું અને લખાવ્યું હતું. એમણે ૧૦૦થી વધુ પુસ્તકો લખ્યા હતા.
રસુલલ્લાહ (સ.અ.વ.) સાહેબએ ઈર્શાદ ફરમાવ્યું હતું ‘એ અલ્લાહ, તું કુરેશને માર્ગદર્શન આપ, કેમ કે એમનામાંથી એક વિદ્વાન ધરતીને જ્ઞાનથી ભરી દેશે’. અલ્લાહમાં અબુ નઈમ અબ્દુલ માલિક બિન મુહમ્મદે આ હદીસથી ઇમામ શાફિઈ શય છે એવું જાણાવ્યું છે.
હ.ઇમામ શાફિઈએ પહેલાં બગદાદમાં વિદ્યાર્થીઓને દર્સ આપ્યું અને પછી મક્કા પધાર્યા અને ત્યાંથી મિસર (ઈજિપ્ત) ચાલ્યા ગયા, ત્રણે જગ્યાએ એમણે પોતાના શિષ્યોને જ્ઞાન આપ્યું. એમના દર્સમાં એકસાથે ૭૦૦થી વધારે વિદ્યાર્થીઓ હાજરી આપતા હતા. બગદાદમાં તો માત્ર એમનું જ દર્સ ચાલતું, ત્યાં તેઓ ‘નાસિરૂલ હદીસ’ના ઉપનામથી પ્રસિદ્ધ થઇ ગયા હતા. અહીં જ ઇમામ એહમદ બિન હમ્બલ રહ. પણ એમના શિષ્ય તરીકે હાજરી આપી જ્ઞાન પ્રાપ્ત કરતા. ઇબ્ને હજર અસ્કલાનીએ એમના શિષ્યોની સંખ્યા ૧૬૦૦ બતાવી છે. એમના અસંખ્ય વિદ્યાર્થીઓમાંથી ઘણાં પ્રસિદ્ધ થયા. એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ આ મુજબ હતા.
હ. અબુ બકર હમીદી પ્રસિદ્ધ મોહદ્દીસ અને હદીસના હાફીઝ હતા.
અબુ ઇશાક ઇબ્રાહીમ બિન અબ્દુલ્લાહ બિન મુહમ્મદ બિન અબ્બાસ બિન શાફે મુત્તલબી : તેઓ ઇમામ શાફિઈના ભત્રીજા હતા. હદીસના હાફિઝ હતા.
અબુલ વલીદ મુસા બિન અબુલ જારૂદ બિન ઇમરાન : ઇમામ શાફિઈની સંગતમાં રહ્યા, એમના પુસ્તકો લખ્યા અને એમનાથી ફિકહનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
અબુલ હસન બિન મુહમ્મદ બિન સબાહ બઝ્ઝાર જાફરાની : અરબી સાહિત્યમાં પ્રભુત્વ ધરાવતા હતા, તેઓ બગદાદમાં ઇમામ શાફિઈના પુસ્તકો પઢાવતા હતા.
અબુ સોર ઈબ્રાહીમ બિન ખાલિદ કલ્બી : પહેલાં ફિકહ હનફીમાં માનતા હતા પછીથી ઇમામ શાફિઈની સેવામાં પહોંચી એમનાથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને ઘણા પુસ્તકો લખ્યા હતા. શાફઇ સંપ્રદાયથી પ્રભાવિત થયા હતા.
અબુ અબ્દુલ્લાહ એહમદ બિન હમ્બલ (રદી.). તેઓ હમ્બલી સંપ્રદાયના સ્થાપક છે. ઘણા જ્ઞાની, ઉચ્ચ કક્ષાના હદીસના ઈમામ, ઇબાદત ગુઝાર, સંયમી અને ફિકહમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. હિસ.૨૪૧માં એમનું બગદાદમાં અવસાન થયું હતું.
મિસરના બીજા પ્રસિદ્ધ શિષ્યો કે, જેમણે શાફઇ ફિકહના પ્રચાર અને પ્રસારમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો એ છ હતા : મઝાની, રબીઅ જીઝી, રબી મુરાદી, બુયુતી, હરમલા, યુનુસ બિન અબ્દુલ આલા. આ ઉપરાંત બીજા પણ ઘણા શિષ્યો પ્રસિદ્ધ થયા હતા, સુલેમાન બિન દાઉદ હાશમી, અબુ બકર અબ્દુલ્લાહ બિન ઝુબેર હમીદી મક્કી, ઈબ્રાહીમ બિન મંઝર હઝામી, ઈબ્રાહીમ બિન ખાલિદ, અબુ તાહિર બિન સિરાજ, અમરૂ બિન સવાદ આમીરી, અબુલ વલીદ મુસા બિન અબીલ જારૂદ મક્કી, અબુ યાહ્યા મુહમ્મદ બિન સઈદ બિન ગાલિબ અત્તાર, અબુ ઉબેદ, એહમદ બિન સનાન વાસ્તી, મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ હકીમ અને હારૂન એલી ઉલ્લેખનીય છે.
હ.ઇમામ શાફિઈના સમકાલીન વિદ્વાનો એમના વિષે શું મંતવ્ય ધરાવતા હતા એ પણ જોઈએ.
સુફિયાન બિન ઐનીયાહએ કહ્યું શાફઇ રહ, પોતાના યુગના યુવાનોમાં સૌથી શ્રેષ્ટ છે. જો કોઈ સુફિયાન પાસે આવતું અને તફસીર અને ફતવા વિષે પૂછતું તો આપ એને કહેતા કે ઈમામ શાફ્ફીથી પૂછો.
મુસ્લિમ બિન ખાલિદ ઝંજી મક્કાના પ્રસિદ્ધ ફકીહ હતા અને ઇમામ શાફિઈના ગુરૂ હતા. જ્યારે ઈમામ શાફી પંદર વર્ષનાં થયા તો એમના ગુરૂએ કહ્યું ફતવા આપો, હવે તમારા ફતવા આપવાનો સમય આવી ગયો છે.
યાહયા બિન સઈદ કતાન નમાઝ પછી ઇમામ શાફિઈ માટે ખાસ દુઆ કરતા અને કહેતા કે હું એમના માટે દુઆ કરૂં છું કેમ કે તેઓ જે વાત કરે છે એ અલ્લાહના રસુલ ?ની સાચી હદીસને રજૂ કરે છે.
અબ્દુલ્લાહ બિન અબ્દુલ હકીમ કહેતા કે મુહમ્મદ બિન ઈદ્રીસ શાફ્ફીની સંગતમાં રહો કેમ કે મેં ઉસૂલે ઇલ્મ અથવા ઉસૂલે ફિકહમાં એમનાથી વધારે જ્ઞાની અને જાણકાર નથી જોયો.
હ.ઈમામ અહમદ બિન હમ્બલ ઇમામ શાફિઈ વિશે કહેતા કે મને જાણકારી મળી છે કે નબી (સ.અ.વ.) સાહેબએ ફરમાવ્યું ‘નિશંક અલ્લાહ તાલાએ આ ઉમ્મત માટે દરેક સદીના છેડા પર એવી વ્યક્તિને મોકલશે જે એના ધર્મના મામલાઓને પુખ્ત કરશે (પુનર્જીવિત કરશે). પછી ઈમામ એહમદ બિન હમ્બલે ફરમાવ્યું મને આશા છે કે પહેલી સદીના અંતે ઉમર બિન અબ્દુલ અઝીઝ (મુજદ્દીદ) થઈ ગયા અને બીજી સદીના અંતમાં ઈમામ શાફ્ફી (મુજદ્દીદ) થયા.
એમનું સૌથી મહત્વનું કાર્ય કિતાબ અરરીસાલા ફિ ઉસૂલ અલ ફિકહ કે જે અરરીસાલાના ટૂંકા નામે પણ ઓળખાય છે. આ ગ્રંથ ફિકહ (ધર્મ ન્યાય શાસ્ત્ર) બાબતે છે.
એમનું બીજું મહત્વનું કાર્ય કિતાબ અલ ઉમ્મ છે. આ પણ શાફઇ ધર્મ ન્યાય શાસ્ત્ર બાબતે છે.
મુસનદ અસ શાફઇ : હદીસ સંગ્રહ છે. ઈમામ સાહેબે પોતે નથી લખ્યું પરંતુ એમના શિષ્ય અર રબીએ આ હદીસોનું સંકલન કર્યું હોવાનું મનાય છે.
એમણે ‘ઇખ્તીલાફુલ હદીસ’ (પ્રકાશક : દારૂલ ફિક્ર, બૈરૂત), કિતાબુલ ઇસ્તીહ્સાન અને કિતાબુલ જિમાઅ અલ ઇલ્મ પણ લખી હતી.
એમના કેટલાક અવતરણો ઘણા પ્રસિદ્ધ છે.
- કોઈ વ્યક્તિ માલદારી અને મનની ઈજ્જતથી ઈલ્મે દીન(ધાર્મિક જ્ઞાન) પ્રાપ્ત કરી સફળ નથી થઇ શકતી, જે વ્યક્તિ મનની વિનમ્રતા, ફકીરી, મોહતાજી અને જ્ઞાનની પ્રતિષ્ઠા સાથે પ્રાપ્ત કરશે એ સફળ થશે.
- વાતચીત માટે ખામોશી ( ચુપકીદી)થી મદદ લો અને મસાઈલ જાણવા માટે વિચાર અને ચિંતનથી લો.
- જે વ્યક્તિ પોતાના ભાઈને એકલતામાં નસિયત કરે છે એ એની સાથે ભલાઈ કરે છે અને જે જાહેરમાં નસિયત કરે છે એ એને અપમાનિત કરે છે.
• જે વ્યક્તિ થોડામાં સંતોષી હશે એને બીજા સામે અપમાનિત થવાનો કે મજબૂર થવાનો વારો નહીં આવે. - જે વ્યક્તિમાં ત્રણ વાતો હશે, એનો ઈમાન પૂર્ણતા પ્રાપ્ત કરી લેશે. (૧) નેકી (ભલાઈનો) આદેશ આપે અને પોતે આચરણ કરે (૨) બુરાઈ (અનિષ્ટ)થી રોકે અને પોતે પણ રોકાઈ જાય અને (૩) અલ્લાહ તાલા આદેશોનું પાલન કરે.
- જે વ્યક્તિ ઈચ્છે કે અલ્લાહ તાલા ડહાપણનો પ્રકાશ એના હૃદયમાં અજવાળી દે એને જોઈએ કે એકલતામાં રહે, ઓછું જમે અને મૂર્ખાઓની સંગત છોડી દે અને એ વિદ્વાનોથી બચે જેમની પાસે ન સાહિત્ય છે ન શિષ્ટાચાર ન જ સભ્યતા છે.