(એજન્સી) તા.ર૪
પેલેસ્ટીની પ્રતિકાર ચળવળ હમાસે કહ્યું કે ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવતા દરરોજના હુમલાઓની જવાબી કાર્યવાહીમાં હમાસે શુક્રવારે રાત્રે ઈઝરાયેલ ઉપર ઘણી મિસાઈલો વરસાવી એક પ્રેસ જાહેરાતમાં, હમાસના પ્રવકતા ફવઝી બરહુમે કહ્યું કે તેની ચળવળે ઈઝરાયેલી હુમલાઓ રોકવા માટે મિસાઈલો વરસાવી, બરહુમે કહ્યું : પેલેસ્ટીનીઓ ઉપર થતા કોઈપણ પ્રકારના ઈઝરાયેલી આક્રમણને રોકવા હમાસ સક્ષમ છે. તેમણે કહ્યું : ઈઝરાયેલે ઉલ્લંઘન કરવાનું અંત લાવવું જોઈએ અને વધતા હુમલાઓ રોકીને ગાઝા ઉપર કરવામાં આવેલા ૧૪ વર્ષ જૂના ઘેરાને ખતમ કરી દેવું જોઈએ. હમાસના પ્રવકતાએ ગાઝાની પૂર્વી સરહદ ઉપર ચાલી રહેલી તંગદિલી માટે ઈઝરાયેલી કબજાને દોષિત ગણાવ્યો છે અને ઈઝરાયેલી ઘેરા અને દરરોજ ખેતરોમાં અને પ્રતિકાર સ્થળો ઉપર થતી બોમ્બિંગ તરફ ઈશારો કર્યો છે. બરહુમે કહ્યું : પેલેસ્ટીનીઓની ઈચ્છાશકિતને તોડવા અને પેલેસ્ટીની પ્રતિકારનો અંત લાવવામાં ઈઝરાયેલી કબજો કદી પણ સફળ નહીં થાય, આ પ્રતિકાર એ આપણા લોકો પ્રત્યે ચાલી રહેલા આક્રમકતાને જવાબદારીપૂર્વક જવાબ આપી રહ્યો છે. ઈઝરાયેલી કબજાવાળા દળો છેલ્લા ૧૦ દિવસથી ગાઝામાં હુમલા કરી રહ્યા છે. એ દાવો કરીને કે આ હુમલા ઈઝરાયેલી વસાહતો તરફ છોડવામાં આવેલા આગ લગાડનાર ઉશ્કેરણીજનક બલુન્સના જવાબમાં છે. ગાઝાવાસીઓએ આ બલુન્સ (ફુગ્ગાઓ) ત્યારે મોકલ્યા જયારે ઈઝરાયેલ તેના દ્વારા કરાયેલા ગાઝા પ્રત્યેના વચનબદ્ધતામાંથી પાછુ ફરી ગયું. ગાઝામાં પેલેસ્ટીની પ્રતિકાર, ઈઝરાયેલ સાથે એક સમાધાન સુધી પહોંચ્યું હતું જેમાં યુએન, ઈજિપ્ત અને કતાર દ્વારા કરાયેલી મધ્યસ્થિના કારણે ગાઝા ઉપર લદાયેલા ઈઝરાયેલી ઘેરાને સરળ બનાવવું સામેલ હતું અને આ સમાધાન દ્વારા આંતરરાષ્ટ્રીય દાતાઓને મહત્વપૂર્ણ પ્રોજેકટસ હાથ ધરવા અને નોકરી રચના કાર્યક્રમોને યોજવાની મંજૂરી મળી હતી.