હમાસે ૭ ઓક્ટોબરે તમામ બંધકોને મુક્ત કરવાની ઓફર કરી હતી : હારેત્ઝનો અહેવાલ

 

આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે હારેત્ઝે અગાઉ જણાવ્યું હતું કે,UAEના રાષ્ટ્રપતિએ ૭ ઓક્ટોબર પહેલાં હમાસના આયોજિત ઓપરેશન વિશે નેતાન્યાહુને ચેતવણી આપી હતી

 

(એજન્સી) તા.૧૨
બ્રિટિશ-અમેરિકન પત્રકાર મેહદી હસને હારેત્ઝના ૮ સપ્ટેમ્બરના તપાસ અહેવાલમાં દર્શાવવામાં આવેલી બંધકોની મુક્તિની ઓફર પર પ્રકાશ પાડ્યો છે. આ તપાસમાં એ બાબતની સમીક્ષા કરવામાં આવી હતી કે હમાસ દ્વારા ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ કરવામાં આવેલા હુમલા પહેલાં ઇઝરાયેલી નેતાઓ શું જાણતા હતા અને ત્યારબાદ બંધકો અંગેની વાટાઘાટો કેવી રીતે હાથ ધરવામાં આવી હતી. શનિવારે, ૧૨ સપ્ટેમ્બરના રોજ ‘ઝેટિયો’ (Zeteo) દ્વારા પ્રકાશિત “ધ ટ્રુથ અબાઉટ હમાસ એન્ડ ધ હોસ્ટેજીસ” (હમાસ અને બંધકો વિશેનું સત્ય) શીર્ષકવાળા વીડિયોમાં હસને તપાસ અહેવાલની તે વિગત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે હમાસ ૭ ઓક્ટોબરે તમામ નાગરિક બંધકોને મુક્ત કરવા તૈયાર હતું. હારેત્ઝના અહેવાલ મુજબ કતારના વડાપ્રધાને ૭ ઓક્ટોબરે સાંજે લગભગ ૭ વાગ્યે તત્કાલીન મોસાદ ચીફ ડેવિડ બાર્નિયાનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, હમાસ તમામ નાગરિક બંધકોને મુક્ત કરવા તૈયાર છે. અહેવાલમાં જણાવાયું છે કે, કતાર મધ્યસ્થી કરવા માટે પણ તૈયાર હતું. આ તપાસમાં હમાસના નેતા યાહ્યા સિનવાર સાથે જોડાયેલા એક સંદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વાટાઘાટો શરૂ કરવા સિવાય “કોઈપણ બદલાની અપેક્ષા રાખ્યા વિના” નાગરિકોને મુક્ત કરી શકાય છે. હસને કહ્યું કે, આ વિગત ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે કારણ કે, ઇઝરાયેલી અને અમેરિકી અધિકારીઓએ વારંવાર ભારપૂર્વક કહ્યું હતું કે, બંધકોની મુક્તિ એ યુદ્ધનો અંત લાવવા માટે મુખ્ય બાબત છે. તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને અમેરિકી અધિકારીઓના અગાઉના નિવેદનોનો ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો હમાસ બંધકોને મુક્ત કરે તો સંઘર્ષનો અંત આવી શકે છે. હસને દલીલ કરી હતી કે આ ઓફરથી બંધકો અંગેની વાટાઘાટો પ્રત્યે ઇઝરાયેલના અભિગમ અને તે વારંવારના દાવા પર સવાલો ઊભા થાય છે કે બંધકોની મુક્તિ સાથે યુદ્ધનો અંત આવી શકે છે. તેમણે ‘ઝેટિયો’ના અગાઉના એક વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેમણે તે દાવાઓની ચર્ચા કરી હતી કે જો ઇઝરાયેલે ગાઝા પર જમીની આક્રમણ શરૂ ન કર્યું હોત, તો હમાસે ૭ ઓક્ટોબરના થોડા સમય બાદ જ નાગરિક બંધકોને મુક્ત કરવાની ઓફર કરી હતી. ઇઝરાયેલના આંકડા મુજબ ૭ ઓક્ટોબરના હુમલામાં ઇઝરાયેલમાં લગભગ ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૫૧ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇઝરાયેલે ગાઝામાં તેની સૈન્ય કાર્યવાહી શરૂ કરી, જ્યારે બંધકોને મુક્ત કરાવવાના પ્રયાસો વાટાઘાટોમાં મુખ્ય મુદ્દો બની ગયા. ૮ સપ્ટેમ્બરના ‘હારેત્ઝ’ના તપાસ અહેવાલનું શીર્ષક હતું : “ખુલાસો : નેતાન્યાહુને ૭ ઓક્ટોબરના થોડા દિવસો પહેલાં સ્પષ્ટ ચેતવણી મળી હતી. તેમણે ઇઝરાયેલના સુરક્ષા વડાઓને આ અંગે જાણ કરી ન હતી.” તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, હુમલાના લગભગ ૧૦ દિવસ પહેલાંUAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદે નેતાન્યાહુને ચેતવણી આપી હતી કે હમાસના નેતા યાહ્યા સિનવાર એક મોટી કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે, જેનાથી ભારે ખુવારી થઈ શકે છે અને પ્રદેશમાં અસ્થિરતા સર્જાઈ શકે છે. તપાસ અહેવાલ મુજબ નેતાન્યાહુએ શાંતિપૂર્વક જવાબ આપ્યો હતો અને બિન ઝાયેદને ખાતરી આપી હતી કે ઇઝરાયેલ તૈયાર છે. તેમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેમણે આ ચેતવણી વિશે ઇઝરાયેલના સુરક્ષા વડાઓને જાણ કરી ન હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks