ખટ્ટરના બફાટથી છેડો ફાડતો ભાજપ
ભાજપે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની તે ટિપ્પણીથી પોતાને અલગ કરી લીધું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, મુસ્લિમોને ગૌમાંસનું સેવન છોડવું પડશે. કાં તો તેમને પાકિસ્તાન જવું પડશે. ભાજપે કહ્યું કે, પાર્ટીનું આ વલણ નથી. આ સાથે ભાજપ તેમના જ મંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે સમર્થનમાં રહેવાનો છેડો ફાડી દીધો હતો. સાંસદના કાર્યમંત્રી એમ.વેકૈંયા નાયડુએ કહ્યું કે, ખટ્ટર દ્વારા વ્યકત વિચાર પાર્ટીના નથી. હું તેમની સાથે વાત કરીશ અને તેમને સલાહ આપીશ. આવી વાત કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, ભોજન સંબંધિત આદતોને ધર્મ સાથે જોડવી યોગ્ય નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ ભાજપનું વલણ નથી. કોઈપણ ખાવાની આદતને ધર્મ સાથે જોડવું યોગ્ય નથી.
(એજન્સી) ચંદીગઢ, તા.૧૬
દાદરીમાં ભીડ દ્વારા મોહમ્મદ અખલાકની ઢોર મારમારી હત્યા કરવાની ઘટનાને ‘ખોટું’ અને ‘ગેરસમજના પરિણામ’ બતાવતા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ગુરૂવારે જણાવ્યું કે ‘મુસ્લિમો આ દેશમાં રહી શકે છે પરંતુ તેમણે બીફ ખાવાનું છોડવું પડશે.’ વર્તમાન પત્રને આપેલા ઈન્ટરવ્યુમાં મુખ્યમંત્રી તરીકે એક વર્ષ પુરૂં કરવા જઈ રહેલા ખટ્ટરે જણાવ્યું કે ભારતની બહુસંખ્યક વસ્તી માટે ગાય, ગીતા અને સરસ્વતી આસ્થા સાથે જોડાયેલી છે અને મુસ્લિમો બીફ ખાવાનું છોડીને પોતાના ધાર્મિક વિશ્વાસને તોડશે નહીં. તેમણે જણાવ્યું કે ‘મુસ્લિમો રહે પરંતુ આ દેશમાં બીફ ખાવાનું છોડવું જ પડશે. આ જ અહીંની માન્યતા છે.
ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આ પૂછવા પર કે દાદરીમાં થયેલી ઘટનાને તેઓ કઈ રીતે જુએ છે અને શું આવી ઘટનાઓ દેશનું સાંપ્રદાયીક ધ્રુવીકરણ કરવા દેશે નહીં, ખટ્ટરે જણાવ્યું કે મુસ્લિમોએ બીફ ખાવાનું છોડવું જ પડશે. હરિયાણાની રાજનીતિમાં બહારના ગણાતા ખટ્ટરને પાછલા વર્ષે રાજ્યમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના વિજય સમય સુધી વધુ પડતા લોકો ઓળખતા પણ ન હતા.
સંઘના સંગઠન સ્તર પર ઘણું ઊંચું કદ ધરાવનારા ખટ્ટરનો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે લગભગ ૪ દશકા જૂનો સંબંધ છે. વર્તમાનપત્રમાં છપાયેલા સમાચાર અનુસાર હરિયાણા ગૌવંશ સંરક્ષણ અને ગૌસંવર્ધન સંબંધી કાયદો જેની હેઠળ રાજ્ય વિધાનસભાએ ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવાને મુખ્યમંત્રી ખટ્ટર પોતાના એક વર્ષના આ કાર્યકાળની ઉપલબ્ધી ગણાવે છે. ગૌહત્યા સંબંધી કાયદાનું ઉલ્લંઘન કરવાની સ્થિતિમાં આરોપીને ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. બીફ ખાવાના આરોપીને પાંચ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.