
હિન્દુ વાહિનીના સભ્યો ગૌરક્ષા મુદ્દે નવી દિલ્હીમાં પાર્લામેન્ટ સ્ટ્રીટમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી)ના મુખ્ય મથકને અંતે ભારત માતા નામની એક ઇમારત છે અને આ ઇમારતમાં અનેક ઓફિસો આવેલી છે, આ ઓફિસોમાં એક ઓફિસ ગૌરક્ષણ અને ગૌ સંવર્ધનની પણ ઓફિસ છે. શાબ્દિક રીતે કહીએ તો ગાય રક્ષણ અને પ્રજનન કાઉન્સિલ છે. આ રૂમમાં ગાયના રક્ષણ માટેના અનેક પોસ્ટરો લાગેલા છે. એ ઉપરાંત ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ જાતિઓના ગાયના ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટેના પોસ્ટરો પણ જોવા મળે છે.
આ રૂમના દરવાજા પર એક સ્ટીકરમાં લખ્યું છે કે : “જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ ભારતમાં જે ધર્મ સ્થાપિત કરવા માટે થયો હતો તો કેવી રીતે આ દેશને આ ધર્મ વગર ચલાવી શકાય ?”
આ શબ્દો હૂકુમ ચંદ્ર સાવલાના એક ભાષણના છે જે સંસ્થાના ઉપ પ્રમુખ બનતા પહેલા ઘણા વર્ષોથી વિહીપના ગાય રક્ષણ કાર્યક્રમ સાથે જોડાયેલા હતા. સદનસીબે, આજે તેઓ વિહીપની એક બેઠકમાં હાજરી આપવા માટે અહીંની મુલાકાત લઈ રહ્યા છે. તેમણે કેસરી લુંગી પહેરી છે અને તેમના કપાળ પર એક તિલક છે. તેઓ પોતાના ગાય વિશે અલગ વિચાર ધરાવે છે.
તે કહે છે કે “ગાયનું રક્ષણ એ હિન્દુ સમાજનો મનપસંદ મુદ્દો છે. તે હિન્દુ સન્માનનું કેન્દ્રીય બિંદુ છે. આ મુદ્દો હિન્દુઓમાં એકતાની ભાવના જગાવે છે. તે ઉમેરે છે કે છેલ્લા દસ વર્ષમાં, વૃદ્ધ પુરૂષોની જગ્યાએ યુવાનો ગાયના રક્ષણ માટે આગળ આવી રહ્યા છે.
રામમંદિરની જગ્યાએ નવો મુદ્દો
હિન્દુત્વ પ્રોજેક્ટનો એક મુખ્ય ઉદ્દેશ , જાતિ, વર્ગ અને ભૂગોળથી પર રહીને સમગ્ર હિન્દુઓમાં એકતા સ્થાપવાનું રહ્યું છે. એ સંદર્ભમાં જોઈએ તો ૧૯૯૦ના દાયકામાં, હિન્દુઓમાં એકતા સ્થાપવા માટે અને સહસંબંધના પ્રતીક તરીકે રામમંદિર હતું. આ માટે સમગ્ર ભારતના હિન્દુઓને કારસેવા માટે, મસ્જિદની જગ્યાએ એક મંદિર બનાવવા માટે અયોધ્યા જવાની હાકલ કરવામાં આવી હતી અને આ આંદોલન માટે દરેક હિન્દુઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
શું હવે ગૌરક્ષા એ રામમંદિરની જગ્યા લેવા માટે એક નવો મુદ્દો છે ? આ મુદ્દો ભાગલા પહેલા અને એ પછી ૧૯૬૦માં ફરી શરૂ કરવામાં આવ્યો હતો, અને આ મુદ્દો ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યો હતો. પણ હવે વધુને વધુ ગૌરક્ષા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, અનેક રાજ્ય સરકારો આ માટે મજબૂત કાયદાઓ બનાવીને ગૌહત્યા પર પ્રતિબંધ મૂકી રહી છે. મુસ્લિમો પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને માત્ર ગૌમાંસ ખાવા અથવા ગાયનું વેચાણ કરવાની શંકાને કે અફવાના આધારે મુસ્લિમ લોકોની હત્યાઓ કરવામાં આવી રહી છે. પણ હવે આ મુદ્દે દલિતોને પણ ગાય રક્ષણની સંસ્થાઓ દ્વારા લક્ષિત કરવામાં આવી રહ્યા છે.
૨૫ વર્ષ પહેલાંની વાત કરીએ તો રામ મંદિર એ ધ્રુવીકરણનો મુખ્ય મુદ્દો હતો અને તેના દ્વારા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વિભાજન અને બિનસાંપ્રદાયિક અને કોમવાદી દળો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માટે રામ મંદિરના મુદ્દાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે ૨૫ વર્ષ પછી હિન્દુવાદી તત્વો હવે ફરીથી આવું ધ્રુવીકરણ કરવા માટે ગાયના રક્ષણનો મુદ્દો ઉઠાવી રહ્યા છે અને કેટલાક લોકો આ મુદ્દે હિન્દુઓ સમુદાયને મુસ્લિમો વિરૂદ્ધ સંયુક્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ ગુજરાતના ઉનામાં ૧૧ જુલાઈના રોજ ચાર દલિતો જે મૃત ગાયની ચામડી ઉતારી રહ્યા હતા અને તેઓ આ ચર્મઉદ્યોગ સાથે સંકળાયેલ હતા તેઓને કેટલાક કહેવાતા હિન્દુ ગૌરક્ષકોએ જાહેરમાં માર માર્યો હતો. પણ હિન્દુત્વનો પ્રોજેક્ટ તો દલિતોને બાકાત રાખતો નથી. તો પછી શા માટે આ મુદ્દે દલિતોને માર મારવામાં આવ્યો હતો ?
તેના જવાબમાં સાવલા કહે છે કે “ગુજરાતમાં જે પણ થયું એ ખોટું થયું હતું. જેઓ પોતાની પરંપરાના એક ભાગ તરીકે અને મૃત ઢોરની ત્વચાના ઉદ્યોગ સાથે પોતાની આજીવિકા માટે સંકળાયેલ હોય તેઓને માર મારવો જોઈએ નહીં. આ મુદ્દો દલિત અથવા ઉચ્ચ જાતિનો નથી અને કોઈને પણ પોતાના હાથમાં કાયદો લેવા માટે મંજૂરી આપવામાં આવી નથી. જેઓ આ રીતે ગૌરક્ષાના નામે હિંસાનો સહારો લઈ રહ્યા છે, એવા કોઈ લોકો સાથે વિહીપ કે બજરંગ દળ કોઈપણ રીતે સંકળાયેલ નથી.”
તે કહે છે કે ચામડા ઉદ્યોગ માટે દલિતો દ્વારા મૃત ગાયની ચામડી ઉતારવાનો અમે વિરોધ કરતાં નથી, કારણ કે આ તેમનો પરંપરાગત વ્યવસાય રહ્યો છે અને અમે પરંપરા પર ભાર મૂકીએ છીએ. આ લોકો ગાયનું કુદરતી મૃત્યુ થતાં આદર્શ રીતે તેના શિંગડા દૂર કરીને કરો તેનો “ખાતર” તરીકે પણ ઉપયોગ કરે છે. તેઓ ગાયને એક કબરમાં દફનાવે છે અને છ મહિના પછી આ કબર ફરીથી ખોદીને તેમાંથી તેના અવશેષોનો ખાતર તરીકે ઉપયોગ કરે છે.
તેઓ ઉમેરે છે કે “એક પ્રાણી જે કુદરતી રીતે મૃત્યુ પામે છે તો પરંપરાગત રીતે તેનું ચામડું ઊતરવું એ ઠીક છે. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે વૃદ્ધ ગાયને વેચવામાં આવે છે અને માત્ર ચામડા ઉદ્યોગની માંગને કારણે તેની હત્યા કરવામાં આવે છે.”
ગુજરાતના ઊનામાં જે ચાર દલિતોને માર મારવામાં આવ્યો હતો તે પૈકીના એક બાબુભાઇ સરવૈયા પોતાના ગામ મોટા સમઢિયાળામાં પોતાના કુટુંબ સાથે નજરે પડે છે. (અરૂણ શર્મા /એચટી ફોટો)
તે વાત કરતાં કહે છે કે આ વાતમાં મુસ્લિમો માટે પણ કોઈ અપવાદ નથી. મુસ્લિમો માટે ધાર્મિક રીતે અથવા અન્ય કોઈ મજબૂરીથી ગૌમાંસ ખાવું એ ફરજિયાત નથી.” તેઓ પૂછે છે કે “શું તમે પાકિસ્તાનમાં ડુક્કરનું માંસ ખાય શકો છો ?” અમે જ્યારે તેઓને પૂછ્યું કે દલિતો અથવા આદિવાસીઓ પણ ગૌમાંસ ખાય છે અથવા કેરળમાં તો ઉચ્ચવર્ગના લોકો પણ ગૌમાંસ ખાય છે એ વિશે શું કહેશો ? તો તેઓ કહે છે કે “જો કોઈ મજબૂરી કે લાચારી હોય તો અમને કોઈ વાંધો નથી. પરંતુ ઘણા લોકો માત્ર ગાયનું અપમાન કરવા ગૌમાંસ ખાય છે અને તેઓ હિન્દુઓને ઉતારી પાડવા માંગે છે.”
સ્થાનિક ગુંડાઓ
ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ શૌરી મોદી સરકાર માટે એક યાદગાર વાક્ય કહે છે “કોંગ્રેસ વત્તા ગાય” તેઓ હિન્દુત્વને આમૂલ ઇસ્લામ સાથે સરખાવે છે. “આખરે આવા વિચારો જ તમારી વિરૂદ્ધ જાય છે જ્યારે તમે સતત શુદ્ધતા માટેનો આગ્રહ રાખતા હો તો આવી પરિસ્થિતિ ઊભી થાય છે. ગુજરાતમાં દલિતો સાથે જે મારઝૂડ કરવામાં આવી એ તેનું એક ઉદાહરણ છે.
શૌરી કહે છે કે, પંજાબના ભિંડરાંવાલે અને શાહબાનો કેસમાં શરિયાની હિમાયત કર્યા સામે રામમંદિર એ એક સુધારાત્મક ઝોક હતો. રામમંદિર આંદોલનએ આત્યંતિકની એક હદ હતી. પરંતુ હવે ભાજપ સત્તામાં આવ્યો છે ત્યારે ગૌરક્ષાનો મુદ્દો કટ્ટરવાદની એક નવી સીમાએ પહોંચી રહ્યું છે.”
શૌરી કહે છે ગાય રક્ષણના કાર્યક્રમને ગાયની પૂજા સાથે કોઈ લેવાદેવા નથી. આ માત્ર મતદારોને જોડવાનો એક માર્ગ છે. અને એ ચૂંટણી માટેનો એક હેતુ છે. અને ગૌરક્ષા એ લોકો પર પ્રભુત્વ મેળવવાનો એક માર્ગ છે. આ મુદ્દા દ્વારા તમે સ્થાનિક ગુંડાગીરીને ઉત્તેજન આપી શકો છો અને સ્થાનિક નબળા લોકો પર સ્થાનિક ગુંડાઓ પોતાની હિંસા દ્વારા પ્રભુત્વ મેળવવાની તક આપે છે.”
ઉનામાં દલિતો માર મારવામાં આવ્યો તેમના સંબંધીઓ કહે છે કે આ ઘટના પાછળનો વાસ્તવિક મુદ્દો જમીન પડાવી લેવાનો છે. અમદાવાદ સ્થિત દલિત કાર્યકર માર્ટિન મેકવાન કહે છે કે ઉનાની ઘટના એ કોઈ અપવાદ નથી. “હકીકતમાં ગાય રક્ષણ તકેદારી મંડળો જમીન સંપાદન કરવા માટે ગૌરક્ષાના મુદ્દાનો ઉપયોગ કરે છે અને તેના દ્વારા તે રક્ષણ મેળવે છે.”
ભાજપને બીક છે કે ગુજરાતમાં બનેલી આ ઘટનાને કારણે જે રાજ્યોમાં ચૂંટણી યોજાવવાની છે એવા રાજ્યો ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં પોતાના દલિત મતો ગુમાવશે. બિહારના ચૂંટણી અભિયાન સમયે ભાજપે હિન્દુઓને રીઝવવા માટે ગૌમાંસનો મુદ્દો ખાય ઉઠાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એ મુદ્દો બિહારમાં કામ આવ્યો ન હતો. માટે આ મુદ્દો ખરેખર હિન્દુઓને સંગઠિત કરવા અને મત ભેગા કરવા માટે કામ આવી શકે તેમ છે એ શંકાનો વિષય છે. ભાજપના એક બૌદ્ધિક, નામ જાહેર ન કરવાની શરતે કહે છે કે હવે “કટ્ટરવાદી જૂથો” હવે ભાજપની નિયંત્રણની બહાર થઈ રહ્યા છે કારણ કે હવે હિન્દુત્વ પ્રોજેક્ટ ખૂબ જ વિશાળ થઈ ગયો છે.
તેમણે કહ્યું કે ગાય રક્ષણના મુદ્દાને તમે રામમંદિરના મુદ્દા સાથે સરખામણી કરી શકો નહીં કારણ કે રામમંદિરની જેમ ગૌરક્ષાનો મુદ્દો અમારી રાષ્ટ્રીય કાર્યસૂચિમાં લેવામાં આવ્યો નથી. જો કે મોદીએ ૨૦૧૪ની ચૂંટણી ઝુંબેશ દરમિયાન ‘ગુલાબી ક્રાંતિ’ (ગૌવંશની કતલ) અંગે વાત કરી હતી, પરંતુ તમે જુઓ કે તેઓએ આ વાત માત્ર કેટલાક વિસ્તારોમાં જ કરી હતી. દાખલા તરીકે તેઓએ કેરળ કે ગોવામાં તેઓ ગૌમાંસ પર પ્રતિબંધ માટે કહેતા નથી. આ મુદ્દો મુખ્યત્વે પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને બાંગ્લાદેશ સરહદ નજીક બિહાર અને બંગાળના જિલ્લાઓમાં અને ઉત્તર ભારતમાં મુસ્લિમ એકાગ્રતા વિસ્તારોમાં અસરકારક બની શકે છે.”
આ બધી દલીલોનો સારાંશ એ છે કે, રામમંદિરના મુદ્દાનો મુસ્લિમો વિરૂદ્ધ હિન્દુઓને સંગઠિત કરવા માટે અને હિન્દુઓનું સાંસ્કૃતિક પ્રભુત્વ સ્થાપવા માટે એક રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો એવી જ રીતે ગૌરક્ષાનો મુદ્દો પણ તેનાથી બહુ અલગ નથી.
જીવનનો અધિકાર
ગાય રક્ષણના કાર્યક્રમ દ્વારા કાશ્મીરથી કેરળ, ગોવાથી ઉત્તરપૂર્વ, દલિતો અને આદિવાસીઓ, વિદેશીઓ અને ચામડાના વેપારીઓ અને બીજા પણ ઘણા લોકોને પોતાના જીવનના અધિકારથી બાકાત રાખે છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી કહે છે કે “ભારતમાં ગૌરક્ષા સમિતિઓની નહીં પણ માનવ રક્ષા સમિતિઓની જરૂર છે”, તે કહે છે કે “બંધારણમાં દરેક મનુષ્યને જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ગાય રક્ષણના કાયદા માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ આ કાયદા જીવન જીવવાના સૌથી મહત્ત્વપૂર્ણ અધિકારની જગ્યા લઈ શકતા નથી.’’