આયોજન પંચના પૂર્વ સભ્ય અને પ્રતિષ્ઠિત સામાજિક અગ્રણી અને કાર્યકર સૈયદા હમીદ સામે આસામમાં ૧૬ જેટલી એફઆઇઆર દાખલ કરવામાં આવી હોવાનું આસામ જાતીય પરિષદે જણાવ્યું હતું. ૧૬ જિલ્લાઓમાં એકસાથે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે તેમ જાહેર થયું છે જેના પગલે માનવ અધિકાર અને સામાજિક સંગઠનોમાં સખત રોષની લાગણી પ્રસરી છે. એજેપીના પ્રમુખ જીયા -ઉર-રહેમાને આ અહેવાલને સમર્થન આપતા જણાવ્યું હતું કે આસામના ૧૬ જિલ્લાઓમાં સૈયદા વિરૂદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. અમે એમના આસામ વિરોધી અને કોમવાદી વિધાનો બદલ તેમની ધરપકડ કરવાની માગણી કરી રહ્યા છીએ અને અમારા કાર્યકરો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો દાખલ કરવાનું ચાલુ રાખશે.ગત ૨૪મી ઓગસ્ટે ગુવાહાટીના એક કાર્યક્રમમાં બોલતા સૈયદા હમીદે એવું જણાવ્યું હતું કે જો આસામમાં બાંગ્લાદેશીઓ રહેતા હોય તો તેમાં વાંધો શું છે ? એમના વિધાનોથી સ્થાનિક સંગઠનો ઉકળી ઊઠ્યા છે અને એવું આક્ષેપ કરે છે કે તેમણે આવા વિધાનો કરીને આસામી ઓળખનું અપમાન કર્યું છે અને કોમવાદી તણાવ ઊભો કરવાનો પણ પ્રયાસ કર્યો છે. રહેમાન જણાવે છે કે એમની સામે પગલાં લેવા જ જોઈએ અને પોલીસે જાહેર શાંતિને અસ્થિર કરવા બદલ કલમ ૧૯૫ તેમજ ૩૫૩ અને ૩૫૬ જેવી કલમ મુજબ કેસ દાખલ કરવો જોઈએ.