હોર્મુઝની સામુદ્રધુની અને પ્રાદેશિક સુરક્ષાને લઈને સર્જાયેલા તણાવ વચ્ચે ઈરાને અખાતી દેશો પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કરતા સ્થિતિ વધુ વણસી
(એજન્સી) દુબઈ, તા.૧૨
અમેરિકા અને ઈરાન વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રવિવારે ઈરાને અખાતી ક્ષેત્રમાં પોતાની સૈન્ય કાર્યવાહી વધુ ઉગ્ર બનાવી દીધી છે. અમેરિકા દ્વારા ઈરાનના સૈન્ય લક્ષ્યાંકો પર કરવામાં આવેલા ત્રીજા તબક્કાના હવાઈ હુમલાના ગણતરીના કલાકોમાં જ, ઈરાને કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, જોર્ડન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પર મોટા પાયે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. અમેરિકાએ આ હુમલા હોર્મુઝની સામુદ્રધુનીમાં કોમર્શિયલ જહાજો પર ઈરાનના હુમલાના જવાબમાં કર્યા હતા, જેના વળતા પ્રહાર રૂપે ઈરાને સમગ્ર અખાતી ક્ષેત્રમાં યુદ્ધનું વાતાવરણ ઊભું કરી દીધું છે. હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે રવિવારે સવારે કતારની રાજધાની દોહા સહિત અનેક અખાતી દેશોમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. કતારના સૈન્ય સત્તાવાળાઓએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેમની સંરક્ષણ પ્રણાલીએ ઈરાન તરફથી આવી રહેલા હુમલાઓને હવામાં જ તોડી પાડ્યા હતા. જો કે, કતારના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મિસાઈલોના આકાશમાં થયેલા વિસ્ફોટ બાદ નીચે પડેલા કાટમાળ (shrapne)ના કારણે એક બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન, અમેરિકાના નૌકાદળના પાંચમા કાફલા (5th Fleet)ના મુખ્ય મથક એવા બહેરીનમાં રવિવારે ત્રીજી વખત મિસાઈલ એલર્ટ સાયરન વાગ્યા હતા અને ત્યાંની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી. કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના સંરક્ષણ મંત્રાલયોએ પણ પુષ્ટિ કરી છે કે તેમની સરહદોની બહાર જ ઈરાની મિસાઈલો અને ડ્રોનને અટકાવી દેવામાં આવ્યા હતા. બીજી તરફ, હંમેશા શાંત અને મધ્યસ્થી ભૂમિકા ભજવતા ઓમાનમાં પણ આ હુમલાની આંચ પહોંચી છે. ઓમાનના મુસંદમ ગવર્નરેટમાં ઈરાની ડ્રોન ત્રાટક્યા હોવાના અહેવાલ છે. ઓમાન સરકારે આ હુમલાની આકરી નિંદા કરી છે અને પોતાના દેશની સુરક્ષા માટે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ હુમલો ઈરાનના વિદેશ મંત્રી સાથે હોર્મુઝની સુરક્ષા અંગે યોજાયેલી બેઠકના ગણતરીના કલાકો બાદ જ થયો હતો, જેના વિરોધમાં ઓમાને ઈરાની રાજદૂતને સમન્સ પાઠવીને સખત શબ્દોમાં વિરોધ પત્ર સોંપ્યો છે. તે જ સમયે, જોર્ડનમાં પણ ત્રણ ઈરાની મિસાઈલો ખાબકી હતી, જો કે સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સામાન્ય મિલકતને નુકસાન પહોંચ્યું છે. આ તાજા હુમલાઓ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથેની વચગાળાની યુદ્ધવિરામ (Ceasefire)નો અંત આવી ગયો છે, જો કે તેઓ કાયમી ઉકેલ માટે વાટાઘાટો કરવા હજુ પણ તૈયાર છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલા સાયપ્રસના ધ્વજવાળા એક કન્ટેનર જહાજ પર ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGC)એ હુમલો કર્યો હતો, જેમાં જહાજના એન્જિન રૂમને ભારે નુકસાન થયું હતું અને એક નાગરિક ક્રૂ મેમ્બર ગુમ થયો છે. આ ઘટના બાદ જ ટ્રમ્પના આદેશ પર અમેરિકાએ જવાબી કાર્યવાહી કરી હતી. તેની સામે ઈરાને દાવો કર્યો છે કે હોર્મુઝની સામુદ્રધુની હવે “આગામી સૂચના સુધી” બંધ રહેશે અને જો અમેરિકા વધુ હુમલા કરશે તો પ્રદેશમાં આવેલા યુએસ સૈન્ય મથકો સુરક્ષિત નહીં રહે. આ વૈશ્વિક સંકટ વચ્ચે સઉદી અરેબિયા, ઇજિપ્ત અને અન્ય અખાતી દેશોએ ઈરાનની સાર્વભૌમત્વના ઉલ્લંઘન સમાન આ કાર્યવાહીની સખત નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)માં બહેરીનના રાજદૂતે ઈરાન પર આરોપ લગાવ્યો છે કે તે ડિપ્લોમસી (રાજદ્વારી વાટાઘાટો)નો ઉપયોગ માત્ર સમય પસાર કરવા અને મિસાઈલ હુમલા ચાલુ રાખવા માટે કરી રહ્યું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી દુનિયાનો લગભગ પાંચમો ભાગનો કાચો તેલ અને ગેસ સપ્લાય થાય છે, જેથી ઈરાનની આ નાકાબંધીના કારણે વૈશ્વિક ઉર્જા સંકટ ઊભું થવાનો અને તેલના ભાવ ભડકે બળવાનો ખતરો ફરી મંડરાઈ રહ્યો છે. હાલમાં કતાર, ઓમાન અને પાકિસ્તાન જેવા મધ્યસ્થી દેશો સ્થિતિને કાબૂમાં લેવા અને વાટાઘાટો ફરી શરૂ કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.