નારાજગી વ્યક્ત કરતાં એડવોકેટ ફુલ્કાએ ક્લીનચીટને પડકારવાનો નિર્ણય લીધો
(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
સીબીઆઈએ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો મામલે કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલરને કલીનચીટ આપી દેતાં આ કેસમાં ભોગ બનનારાઓ તરફથી પ્રતિનિધિત્વ કરનારા એડવોકેટ એચએસ ફુલ્કાએ આ બાબતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને ભારે ચિંતા વ્યક્ત કરી હતી. ફુલ્કાએ જણાવ્યું કે, સીબીઆઈએ ગૂપચૂપ રીતે ર૪ ડિસેમ્બર ર૦૧૪ના રોજ કલોઝર રિપોર્ટ દાખલ કરી જગદીશ ટાઈટલરને ક્લીનચીટ આપી દીધી એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ફુલ્કાએ કહ્યું કે, કલોઝર રિપોર્ટ દાખલ કરાયા બાદ પણ આ મામલે કોર્ટમાં સુનાવણી થઈ હતી. પરંતુ આ મામલાને ટોપ સિક્રેટ અને ગુપ્ત રાખવામાં આવ્યા હતા. તો કેમ આવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને ગુપ્ત રખાયા ? લોકો આ બાબતે જાણવા માંગે છેે. કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર પર ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણો ભડકાવવાનો આરોપ છે. નોંધનીય છે કે, ૧૯૮૪માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શીખ લોકો માર્યા ગયા હતા. જેની સામે એડવોકેટ એચ.એસ ફુલ્કાએ ટાઈટલરને અપાયેલ ક્લીનચીટને પડકારવાનો નિર્ણય કરતાં કહ્યું કે, આ મામલે તેઓ વિરોધી અરજી દાખલ કરશે.