૪ર વર્ષ પહેલા થયેલા નરસંહાર સામે શીખ સમુદાયનો ન્યાય-સંઘર્ષ આજપર્યંત ચાલુ જ્યારે ર૪ વર્ષ પહેલા થયેલા નરસંહાર અંગે મુસ્લિમો ???

૧૯૮૪માં દેશમાં ફાટી નીકળેલા શીખ વિરોધી નરસંહારમાં સેંકડો શીખો ભોગ બન્યા અને એમના હજારો સગા-સ્નેહીઓએ ભારે વેઠવાનું આવ્યું પરંતુ લઘુમતીમાં પણ લઘુમતી સંખ્યામાં રહેલા આ શીખ સમુદાયે અન્યાય સામે ઝુકવાને બદલે બબ્બે પેઢીઓ આવી ગઈ હોવા છતાં આ ૪ર વર્ષ જૂના હત્યાકાંડ વિરૂદ્ધ ન્યાય મેળવવા માટેનો સંઘર્ષ જારી રાખ્યો છે અને આજપર્યંત પણ તેઓ એટલા જ જુસ્સા સાથે ઝઝૂમી રહ્યા છે.એ વખતના કોંગ્રેસના દિગ્ગજ નેતા સજ્જન કુમારની એમાં સંડોવણી હોવાનું બહાર આવતા જે તે વખતે કોંગ્રેસની દેશમાં સરકાર હોવા છતાં શીખોએ નિરાશ થવાને બદલે સામૂહિક અને સામુદાયિક લડત ચાલુ રાખી. સજ્જનકુમાર અને જગદીશ ટાઈટલર જેવા દિગ્ગજ નેતાઓની કારકિર્દી પર તો પૂર્ણવિરામ મૂકી જ દીધું પરંતુ તેમની વિરૂદ્ધ કેસો પણ દાખલ કર્યા અને ઘણા નેતાઓને સજા પણ કરાવી. સજ્જનકુમારને દાયકાઓ સુધી અદાલતના પગથિયાં ઘસવા પડ્યા… ઉમરકેદની સજમ પણ કરાવી અને હાલ એ જેલમાં જ છે છતાં હાલમાં એટલે કે ચાર દાયકા બાદ સજ્જનકુમારનો એક કેસમાં નિર્દોષ છૂટકારો થયો તો તે પણ સાંખી લેવા શીખ સમુદાય તૈયાર નથી. સમગ્ર શીખ સમુદાયમાં આ બાબતે હાલ એટલે કે ર૦ર૬માં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને સજ્જનકુમારની સાન હજુ વધુ ઠેકાણે લાવવા માટે સમગ્ર સમુદાય એક અવાજમાં વાત કરી રહ્યો છે. શીખ સમુદાયે આ બાબતે પક્ષાપક્ષી કે બીજા કોઈપણ પ્રકારના ભેદ-અંતરને બાજુએ મૂકીને અન્યાય સામે એક થઈને અવાજ બુલંદ કરવાનું હજુ પણ જારી રાખ્યું છે. ચાર-ચાર દાયકા બાદ પણ તેમની ન્યાય મેળવવાની તળપ ઓછી થઈ નથી જ્યારે અન્યાય સામે આક્રોશની આગ પણ ઠંડી પડવા દીધી નથી જ્યારે આપણે ત્યાં ગુજરાતના મુસ્લિમ સમુદાયે ર૦૦રના રમખાણો બાબતે જે પ્રકારનું વલણ અપનાવ્યું છે ખાસ કરીને અન્યાય સામે અવાજ ઉઠાવવા મામલે જે ઉદાસીનતા અખત્યાર કરી છે તે ખૂબ જ કષ્ટદાયક છે. શીખ સમુદાય ચાર દાયકા બાદ પણ પોતાની વિરૂદ્ધના નરસંહારને ભૂલ્યો નથી અને આજે પણ એટલી જ તીવ્રતાથી લડત આપી રહ્યા છે જ્યારે ર૦૦રના ગુજરાત રમખાણો કે જેને હજુ પૂરા અઢી દાયકા પણ વિત્યા નથી તેને જાણે કે મુસ્લિમો ભૂલી ગયા છે. પોતાની વિરૂદ્ધના નરસંહાર સામે પણ જે સમુદાય આટલો અવગણનાયુક્ત રહી શકતો હોય અને શાહમૃગી વૃત્તિ અપનાવીને જીવી રહ્યો હોય એ સમુદાય પાસે ન્યાયી લડત મેળવવાની તમે કેટલી આશા રાખી શકો ? આ તો સારૂં થયું કે રમખાણ પીડિતોના કેસો નિઃશુલ્ક અને નિઃસ્વાર્થપણે લડીને કેટલાય ગુનેગારોને એડવોકેટ સુહેલ તિરમીઝી અને ન્યાયિક પશ્ચાદભૂ ધરાવતાં નિષ્ઠાવાન કર્મશીલ તીસ્તા સેતલવાડ અને બે-ત્રણ એનજીઓએ આવી રમખાણોની અંધારી આંધી મધ્યે પણ ન્યાયનો દીપક જલાવી રાખ્યો તો ર૦૦રના કેટલાક અપરાધીઓને સજા પણ મળી અને જ્યાં જ્યાં પણ આ સજા થઈ તે વિસ્તારોમાં આજ સુધી કોમી રમખાણો થયા નથી… લટકતી તલવાર નીચે રહીને ડર્યા વગર આવા બે-ચાર વીરલાઓએ જો આટલી લડત પણ ન આપી હોત તો ર૦૦રના રમખાણો બાબતે ન્યાયના નામે મીંડું જ મૂકાઈ જાત. ર૦૦રના હજારો રમખાણપીડિતો પૈકી થોડા ઘણા લોકોને પણ ન્યાય ન મળ્યો હોત…આટઆટલું વીતવા છતાં ગુજરાતનો મુસ્લિમ સમુદાય હજુ કોને ખબર કયા આનંદમાં ગુલતાન થઈ ગયો છે કે તે આ દુન્યવી-ક્ષણભંગુર સુખની લ્હાયમાં પોતાની વાસ્તવિક સ્થિતિને ભૂલી ચૂક્યો છે અથવા જાણે કે દંભી બની ગયો છે. આટલાં જુલ્મ-અન્યાય, ઉપેક્ષા અને અપમાન છતાં હજુ સુધી સમુદાયમાં જાગૃતિની આંખ ખૂલી નથી. આને રાજ્યના મુસ્લિમોની અમર્યાદ સહનશક્તિ કહીશું કે પછી ભયંકર અવગણના ? બે-ચાર જાગૃત સંસ્થાઓ કે વ્યક્તિઓ આ બાબતે ચિંતિત છે અને અંધકારમય વાતાવરણમાં નીડરતા, ન્યાય અને સત્યનો દીપક પ્રજ્જવલિત કરીને બેઠા છે પણ વિશાળ અંધકારને દૂર કરવા માટે આટલા અમથા પ્રકાશનો પન્નો ટૂંકો પડવાનો જ અને આ વાસ્તવિકતા પણ જો આપણે સ્વીકારી ન શકીએ તો પછી ભવિષ્યમાં આનાથી પણ માઠાં દિવસો આવે તો નવાઈ કે આઘાત પામવા જેવું નથી. આજે પણ ગુજરાતના આ બહોળા લઘુમતી સમુદાયને રાજકીય રીતે શૂન્ય કરવાના સઘન પ્રયાસો થઈ રહ્યા છે, સામાજિક તાણાંવાણાં પણ છિન્નભિન્ન કરાઈ રહ્યા છે. સામૂહિક દુઃખ સમગ્ર સમૂહને એક કરી દે છે જ્યારે રાજ્યના મુસ્લિમો રાજકીય-સામાજિક રીતે વધુને વધુ વિભાજિત થઈ રહ્યા હોય એવું નથી લાગતું ? જ્યારે ભેંસોના ટોળા પર સિંહ હુમલો કરે છે ત્યારે આ ભેંસો પણ સામૂહિક રીતે એક થઈને સિંહના હુમલાને ખાળવા મથે છે અને ઘણીવાર એમાં સફળ પણ થાય છે ત્યારે આવા પશુઓ જેવી સમજ પણ કોઈ સમાજમાં વિકસિત ન થઈ રહી હોય તો પછી એવા સમાજ માટે એટલું જ કહી શકાય કે અલ્લાહ પણ એ કોમની સ્થિતિ નથી બદલતો જેને ખુદ પોતાને ખ્યાલ ન હોય પોતાની હાલત-(સ્થિતિ) બદલવાનો….

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts