Sports

ઢોલ-નગારા સાથે ટીમ ઇન્ડિયાનું ભવ્ય સ્વાગત

રોહિત-સૂર્યાએ દિલ્હી એરપોર્ટ બહાર ‘ભાંગડા’ કર્યો

વરસતા વરસાદમાં પ્રશંસકો ભારતીય સ્ટારોની એક ઝલક મેળવવા માટે હાથમાં રાષ્ટ્રીય ધ્વજ લઈ લાઇનમાં ઊભા હતા

નવી દિલ્હી, તા.૪
ટી-૨૦ વિશ્વકપ જીતી ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારે વિશેષ વિમાનથી સ્વદેશ પરત ફરી છે. સતત વરસાદ વચ્ચે એરપોર્ટ પર પ્રશંસકોએ ખેલાડીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને રોહિત શર્મા, સૂર્યકુમારે એરપોર્ટની બહાર નીકળ્યા બાદ વિશ્વકપ જીતની ખુશીમાં ભાંગડા કર્યું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જ્યાં પ્રશંસકો ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે વરસાદની પરવાહ કર્યા વિના વિભિન્ન સૂત્રો લખેલા બેનર અને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી રહ્યા હતા. આ દરમ્યાન રોહિત શર્મા અને તેની ટીમ એરપોર્ટ પર બહાર નીકળી અને બસમાં સવાર થતાં પહેલાં ઢોલની તાલે ઝૂમી ઊઠ્યા હતા. આ દરમ્યાન સૂર્યકુમાર પણ પોતાની ખુશી રોકી શક્યો નહીં અને ભાંગડા કરતો દેખાયો. સૂર્યકુમારે અંતિમ ઓવરમાં ડેવિડ મિલરનો શાનદાર કેચ ઝડપી ટીમને જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એર ઇન્ડિયાનું વિશેષ વિમાન ‘એર ઇન્ડિયા ચેમ્પિયન્સ ૨૪ વિશ્વકપ’ બુધવારે ભારતીય સમય અનુસાર સવારે ૪ઃ૫૦ વાગ્યે બાર્બાડોસથી રવાના થયું અને ૧૬ કલાક રોકાયા વિનાની યાત્રા બાદ ગુરૂવારે સવારે ૬ વાગ્યે દિલ્હી પહોંચ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં સવારના સમયે ખરાબ હવામાન હોવા છતાં પ્રશંસક પોતાના ફેવરિટ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે એરપોર્ટની બહાર હાથમાં છત્રી પકડી અને રાષ્ટ્રધ્વજ લહેરાવતા લાઇનમાં ઊભા હતા. એરપોર્ટ પર હાજર એક પ્રશંસકે કહ્યું કે, ૧૧ વર્ષની આતુરતાનો અંત થઈ ગયો છે. એટલા માટે ઉજવણી પણ શાનદાર હોવી જોઈએ. હું સવારે પાંચ વાગ્યે જ એરપોર્ટ પહોંચી ગયો હતો. જેથી અમારા કપ્તાન ‘ઇન્ડિયા કા રાજા’ રોહિત શર્મા અને ટીમની એક ઝલક જોઈ શકું.