IAS પલ્લવી મિશ્રાએ મ્યુઝિકમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે અને અત્યારે તેઓ તાલીમબદ્ધ શાસ્ત્રીય નૃત્યાંગના છે અને તેમણે સદ્ગત પંડિત સિદ્ધરામ કોરાવરા પાસેથી સંગીત શીખ્યું હતું
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
અહીં આપણે એક બહુમુખી અને તેજસ્વી મહિલા પ્રતિભાની વાત કરવી છે જે અનેક આશાસ્પદ યુવાનો અને યુવતીઓ માટે પ્રેરણારૂપ બની શકે છે. એ બધા જાણે છે કે યુપીએસસીની પરીક્ષામાં પસાર થવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે આ ખૂબ જ અઘરી પરીક્ષા છે પણ સાથે સાથે તે પસાર કરવાથી વ્યક્તિ વહીવટી રીતે ટોચનો હોદ્દો પ્રાપ્ત કરે છે અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. હજારો વિદ્યાર્થીઓને આઈએએસ અને આઇપીએસ બનવાની તમન્ના હોય છે અને એના માટે મહિલાઓ સુધી કોચિંગ મેળવવું પડે છે અને કેટલાક વર્ષો સુધી તૈયારી કરવી પડે છે. પણ પલ્લવી મિશ્રાની વાત અલગ છે. કોઈપણ કોચિંગ ઇન્સ્ટિટયૂટમાં ગયા વિના તેમણે યુપીએસસીની પરીક્ષા પસાર કરી અને ખૂબ જ પ્રભાવશાળી અખિલ ભારતીય ક્રમાંક ૭૩ પ્રાપ્ત કર્યો તેમણે બીજા પ્રયાસે જ કોઈ કોચિંગ વિના યુપીએસસીની પરીક્ષા પસાર કરી દીધી હતી. પલ્લવી મિશ્રાનું શાળાકીય શિક્ષણ ભોપાલમાં પૂરૂં થયું હતું અને નેશનલ લો યુનિવર્સિટી દિલ્હીથી તેમણે કાયદાના વિષયમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. એમના કાયદાના અભ્યાસની સાથે સાથે તેમને સંગીત શીખવાનો પણ બહુ જ શોખ હતો અને કાયદેસર લગની હતી એટલે તેમણે લો ડિગ્રી મેળવ્યા બાદ સંગીતના વિષયમાં માસ્ટર્સની ડિગ્રી પણ મેળવી અને અત્યારે તેઓ ખૂબ જ તાલીમબદ્ધ શાસ્ત્રીય નૃત્યાંગના છે. તેમણે સદ્ગત પંડિત સિદ્ધરામ કોરાવરા પાસેથી પદ્ધતિસર સંગીતની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેઓ પોતે ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. પલ્લવીના પિતા અજય મિશ્રા સિનિયર એડવોકેટ છે અને એમના માતા ડોક્ટર રેણુ મિશ્રા એક સિનિયર વૈજ્ઞાનિક છે. એમના મોટાભાઈ આદિત્ય મિશ્રા આઇપીએસ અધિકારી છે અને અત્યારે તેઓ ઇન્દોરમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. પલ્લવી પોતાના પરિવારને જ પોતાની કારકિર્દીની સફળતાનો પૂરો યશ આપે છે અને કહે છે કે સૌથી વધુ મારા મોટાભાઈએ ખૂબ જ મને સમર્થન આપ્યું અને પ્રોત્સાહન આપ્યું છે. યુપીએસસીની પરીક્ષામાં પહેલા પ્રયાસે પલ્લવી મિશ્રાને સફળતા મળી નહોતી પણ તેઓ સફળ થવા માટે મન મક્કમ કરીને આગળ વધ્યા અને નિશ્ચય સાથે બીજી વખત મુખ્ય પરીક્ષા પસાર કરી હતી. અગાઉ જે ભૂલો થઈ ગઈ હતી એ સુધારી હતી અને ફરી પરીક્ષા પસાર કરી હતી. એમને લાગ્યું હતું કે પહેલા પ્રયાસ સમયે તેમણે યોગ્ય મુખ્ય વિષય પસંદ કર્યો નહોતો એટલે બીજા પ્રયાસમાં તેમણે નિબંધ લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેનાથી એમને સફળતા મળી હતી. પલ્લવી instagram ઉપર પણ સક્રિય રહે છે અને એમના ૬૨,૦૦૦ જેટલા ફોલોઅર્સ છે. તેઓ એમના કાર્યકાળ દરમિયાન પર્યાવરણ પરિવર્તન પર વધુ કામ કરવા માંગે છે અને આરોગ્ય તથા શિક્ષણને લગતી સરકારી યોજનાઓમાં વધુને વધુ મહિલાઓ સામેલ થાય એવી તેમની ઈચ્છા છે અને એ રીતે તેઓ આયોજન કરી રહ્યા છે. વધુમાં પોતાના શહેરમાં દરેક વ્યક્તિ પોતાને સુરક્ષિત અનુભવે એ તેઓ સુનિશ્ચિત કરવા માંગે છે.