મહેનત કરનાર કોઈપણ હોય તેને ફળ તો મળતું જ હોય પરિશ્રમના પારસમણિ થકી જ સાચું સોનું બની શકાય છે. તેમ બે શ્રમજીવી પરિવારની દીકરીઓએ ધોરણ-૧૦માં ઉત્તમ પરિણામ લાવીને સાબિત કરી દીધું છે. એક રીક્ષા ડ્રાયવરની દીકરી અને બીજી અત્તરની લારી ધરાવનારની દીકરી બન્ને દીકરીઓએ મેળવેલ ઊંચા પરિણામથી મુસ્લિમ સમાજમાં માત્ર હાઈ-કલાસ જ નહીં પણ શ્રમજીવી લોકો પણ શિક્ષણ પ્રત્યે જાગૃત થયા છે તે આનંદની વાત ગણાવી શકાય.
શહેરના રાયખડ વિસ્તારમાં રહેતી અને રાહે-ખૈર શાળામાં અભ્યાસ કરતી બાવાણી ફરહાનાબાનું મહમ્મદ ફારૂકે ધોરણ-૧૦ની પરીક્ષામાં ૯૯.૯ર પર્સન્ટાઈલ સાથે એ-૧ ગ્રેડ મેળવ્યો છે. આ અંગે ફરહાનાએ જણાવ્યું કે, બાળપણથી જ ડૉકટર બનવાનું સ્વપ્ન છે અને હું એ દિશામાં જ મહેનત કરું છું. મારા પિતા રીક્ષા ડ્રાયવર હોવા છતાં મને કદી પણ કોઈ તકલીફ પડવા દીધી નથી. મને ડૉકટર બનાવવા માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ છે તેઓ વધુ મહેનત કરીને પણ મારું સ્વપ્ન પૂરું કરવા માંગે છે. વધુમાં તેણે જણાવ્યું કે, શગુફા નામની અમારા વિસ્તારની જ એક રીક્ષા ડ્રાયવરની છોકરી ડૉકટર બની છે તેને જોઈને પણ મારો ઉત્સાહ ખૂબ વધી ગયો છે. ફરહાના રોજના ૭થી ૮ કલાક મહેનત કરતી હતી. તેની શાળા પણ અભ્યાસમાં ખૂબ મદદરૂપ થઈ હતી અને ફરહાના આ સ્થાન પર પહોંચી શકી છે. આ અંગે તેના પિતા મહમ્મદ ફારૂકે જણાવ્યું હતું કે, ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી હું ભણી શક્યો ન હતો. પણ મેં રીક્ષા ચલાવીને મારા છોકરા-છોકરીને ભણાવવાનું નક્કી કર્યું છે. તેમણે દીકરા-દીકરીને સમાન ગણાવતા વ્યક્તિની બે આંખ સ્વરૂપ ગણાવ્યા હતા. મેમણ સમાજ પણ તેમને મદદરૂપ થાય છે. તેમ જણાવી ફરહાનાની મમ્મીએ ફરહાનાને ડૉકટર બનાવવા માટે અલ્લાહ જરૂર કોઈને કોઈ સારો રસ્તો બનાવી દેશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જ્યારે શાહેઆલમ વિસ્તારમાં અત્તર વેચનાર શેખ મહમ્મદ રફીકની દીકરી સાયમા એ ૯૮.૦૦ પર્સન્ટાઈલ સાથે બી-ર ગ્રેડ મેળવ્યો છે. શ્રમજીવી પરિવારની આ દીકરી સાયમા કદાચ સાયન્સને બદલે કોમર્સ ભણવાનું પસંદ કરવા માંગે છે. તેમાં ઊંડે-ઊંડે પિતાની ખૂબ જ નબળી આર્થિક સ્થિતિ પણ હોઈ શકે પણ સાયમા પણ વધુ ભણીને કંઈક બનવા માંગે છે. માત્ર ૧૦ ધોરણ ભણેલા પિતા અને ર ધોરણ ભણેલી માતાની દીકરી સાયમા આવનાર ભવિષ્યમાં કંઈક સારું પ્લાનિંગ કરીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ જવાનું વિચારે છે. આ માટે પિતા પણ દીકરીને ભણાવવા માંગે છે. આમ અત્તર વેચનારની દીકરીએ પિતાની જેમ સમગ્ર સમાજમાં પોતાની પ્રતિભાની મહેક ફેલાવી છે.