Muslim Freedom Fighters

૧૮પ૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુસલમાનોનો ફાળો

-(મૌલાના) ઈકબાલ હુસૈન બોકડા‘‘ઈતિહાસના વિદ્યાર્થીઓ સારી પેઠે જાણે છે કે હિંદમાં બ્રિટિશ શાસન સામેનો સૌપ્રથમ ઉદ્દામ સંઘર્ષ ૧૯મી સદીના પ્રથમ દાયકામાં શરૂ થયો હતો. રાયબરેલીના મુસ્લિમ ફકીર સૈયદ અહમદની આગેવાની હેઠળ ઉત્તર હિન્દના વહાબી સંપ્રદાયના અનુયાયીઓએ લગભગ અડધી શતાબ્દી સુધી ગામડાઓમાં અને શહેરોમાં, પહાડોમાં અને મેદાનોમાં બ્રિટિશ શાસન સામે અવિરત યુદ્ધો આપ્યા હતા. સંઘર્ષનું આ ઝરણું આગળ જતા સિપાઈઓના બળવા તરીકે જાણીતા મહાન સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભળી ગયું. આ બળવાએ હિન્દમાં બ્રિટિશ શાસનના પાયાને હચમચાવી નાખ્યો હતો.’’

મૌલાના રહમતુલ્લાહ કેરાનવી (૧૮૧૩-૧૮૯૧) એક ઉચ્ચકક્ષાના વિદ્વાન લેખક અને ૧૮પ૭ના આંદોલનના પ્રથમ હરોળના નેતાઓમાંથી હતા. ૧૮પ૭ પહેલા અંગ્રેજો વિરૂદ્ધ લોક જુવાળ પેદા કરવામા તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. અંગ્રેજોએ સત્તાના જોરે ભારતીય ધર્મોને બદનામ કરવાનું અને સમગ્ર દેશમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવો કરવાનું ભયાનક ષડયંત્ર રચ્યું હતું. મૌલાનાએ ધર્મોને તુલનાત્મક અભ્યાસ કરીને અંગ્રેજોના આ ષડયંત્ર વિરૂદ્ધ તાર્કિકે લડત ચલાવી. ભારતીય ધર્મો વિરૂદ્ધ ઝેર ઓકનાર પાદરી ફંડરને મૌલાનાએ પડકાર્યો અને ૧૮પ૪માં તેમણે આગ્રા ખાતે જાહેરમાં તાર્કિક દલીલો દ્વારા પાદરી ફંડરને હાર આપી. મૌલાનાએ ખ્રિસ્તી ધર્મનો ઊંડો અભ્યાસ કરીને ‘ઈઝહારૂલ હકક’ નામે વિશ્વ વિખ્યાત પુસ્તક લખ્યું અને પ્રમાણભૂત સ્ત્રોતો દ્વારા ખ્રિસ્તી ધર્મમાં પેસી ગયેલી ત્રૂટીઓ જાહેર કરી. આ પુસ્તક આજે પણ એટલું જ લોકપ્રિય છે. આમ, મૌલાનાએ ભારતીય ધર્મો વિરૂદ્ધ અપપ્રચારના પૂરને રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.
આમ, ભારતીયો અંગ્રેજોના અત્યાચારી શાસન હેઠળ અનેક આર્થિક અને ધાર્મિક કષ્ટો સહન કરી રહ્યા હતા. સમગ્ર દેશ અંગ્રેજોની આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક નીતિઓના પંજામાં સપડાયેલો હતો. તેમાં પણ ભારતીય ધર્મોનું અપમાન ખૂબ દુઃખદ હતું. દેશના મુસ્લિમો અને હિન્દુઓ ધર્મ પ્રત્યે એટલી મજબૂત આસ્થા ધરાવતા હતા કે તેઓ કદાપિ ધર્મનું અપમાન સહન કરી શકે નહીં.
જો કે દેશમાં કેટલાક સંવેદનશીલ લોકો આ અંગે પ્રારંભથી જ ચિંતા કરી રહ્યા હતા. ખાસ કરીને મુસ્લિમ ઉલમાએ દેશના લોકોમાં અંગ્રેજ શાસન વિરૂદ્ધ જાગૃતિ આણવામાં ખૂબ સક્રિય પ્રયત્નો આદર્યા હતા. દક્ષિણ ભારતમાં હૈદરઅલી અને ટીપુ સુલતાને છેક ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં જ દેશમાંથી વિદેશીઓને હાંકી કાઢવા માટે તેમનો સાહસપૂર્ણ મુકાબલો કર્યો અને લોકોમાં અત્યાચારી અને શોષણખોર અંગ્રેજો પ્રત્યે નફરતના બીજ વાવી દીધા હતા. જ્યારે સૈયદ અહમદ શહીદના ‘વહાબી આંદોલનો’ (૧) ઉત્તર ભારતના મુસ્લિમો અને હિંદુઓમાં અંગ્રેજો વિરૂદ્ધ જાગૃતિ પેદા કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ‘વહાબી આંદોલન’ સાથે સંકળાયેલા ઈસ્લામના જાણકાર ઉલમા (વિદ્વાનો)એ ઉત્તર ભારતમા ખૂણે ખૂણે ફેલાઈ જઈને લોકોને અંગ્રેજો વિરૂદ્ધ લડત ચલાવવાની પ્રેરણા આપી. આમ, ઉલમાએ ચલાવેલા ‘વહાબી આંદોલને’ આઝાદી માટેની સૌપ્રથમ વ્યાપક લડત એટલે કે ૧૮પ૭માં વિપ્લવ માટેની ભૂમિકા તૈયાર કરી. ગુજરાતના પ્રખ્યાત લેખક અને ઈતિહાસકાર યશવન્ત મહેતા તેમના સંશોધનાત્મક લેખમાં લખે છે કે,
‘‘ઈતિહાસના વિદ્યાર્થીઓ સારી પેઠે જાણે છે કે હિંદમાં બ્રિટિશ શાસન સામેનો સૌપ્રથમ ઉદ્દામ સંઘર્ષ ૧૯મી સદીના પ્રથમ દાયકામાં શરૂ થયો હતો. રાયબેરલીના મુસ્લિમ ફકીર સૈયદ અહમદની આગેવાની હેઠળ ઉત્તર હિન્દના વહાબી સંપ્રદાયના અનુયાયીઓએ લગભગ અડધી શતાબ્દી સુધી ગામડાઓમાં અને શહેરોમાં, પહાડોમાં અને મેદાનોમાં બ્રિટિશ શાસન સામે અવિરત યુદ્ધો આપ્યા હતા. સંઘર્ષનું આ ઝરણું આગળ જતા સિપાઈઓના બળવા તરીકે જાણીતા મહાન સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભળી ગયું. આ બળવાએ હિન્દમાં બ્રિટિશ શાસનના પાયાને હચમચાવી નાખ્યો હતો.’’
ભારતીય રાષ્ટ્રીય આંદોલનના પ્રસિદ્ધ ઈતિહાસકાર ડો.તારાચંદ નોંધે છે કે,
‘‘The memory of Ahmed’s movement kept alive the desire for freedom among the Muslims. The Moulvis lent their powerful aid in all subsequent struggles against British rule e.g. the revolt of 1857’’
‘‘સૈયદ અહમદના વહાબી આંદોલનની સ્મૃતિએ મુસલમાનોમાં સ્વતંત્રતા માટેની પ્રબળ ઈચ્છા જીવંત રાખી. મૌલવીઓએ ત્યાર પછીના બ્રિટિશ શાસન વિરૂદ્ધના તમામ આંદોલનોમાં ખૂબ શક્તિશાળી ભાગ ભજવ્યો, જેમકે ૧૮પ૭નું આંદોનલ.’
આમ, ૧૮પ૭ પહેલાં પરિસ્થિતિ ખૂબ નાજૂક હતી. અંગ્રેજોના અત્યાચારી શાસન વિરૂદ્ધ લોકોમાં રોષ હતો. ‘વહાબી આંદોલન’ના કારણે દેશમાં અંગ્રેજો વિરૂદ્ધ વિસ્ફોટક સ્થિતિ પેદા થઈ હતી. આવા સંજોગોમાં એક નાનકડી ચિનગારી પણ અંગ્રેજો વિરૂદ્ધ વિસ્ફોટ સર્જી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું હતું. ત્યારે જ સરકારે સિપાઈઓને નવા કારતૂસો આપ્યા, જેમાં સિપાઈઓના ખ્યાલ મુજબ ખરેખર ગાય અને ડુક્કરની ચરબી લગાડવામાં આવી હતી. આ પૂર્વયોજિત શરારતના લીધે અંગ્રેજો વિરૂદ્ધ નફરતની આગ ભડકી ઊઠી.
૧૮પ૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને મુસ્લિમોની ભૂમિકા :
બળવાનું ગુપ્ત આયોજન
૧૮પ૭નું આંદોલનએ એક વિશાળ પાયાની રાષ્ટ્રવ્યાપી લડત હતી. આ જંગ દેશના અનેક ક્ષેત્રોમાં ફેલાઈ હતી. આટલી વ્યાપક લડત માટે વ્યવસ્થિત અને આયોજનબદ્ધ સંચાલન તથા વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા લડવૈયાઓ વચ્ચે સેતુ સાધવાની જરૂરત હતી. ઉપર જણાવવામાં આવ્યું તે મુજબ ‘વહાબી આંદોલન’ના ઉલમા ૧૯મી સદીના પૂર્વાધથી જ ખૂબ ધીમી ગતિએ પણ મક્કમ રીતે દેશમાં અંગ્રેજો વિરૂદ્ધ એક વ્યાપક જંગ ચલાવવાના વાતાવરણનું નિર્માણ કરી રહ્યા હતા. અંતે વિશાળ પાયે લોકમાનસ કેળવાયા પછી વિપ્લવ માટે ગુપ્ત મીટિંગોના આયોજનનું પણ ઈતિહાસમાં વર્ણન મળે છે. અંગ્રેજ લેફટેનન્ટ જનરલ ટી.એફ.વિલ્સને લશ્કરની વિવિધ રેજિમેન્ટ્રો દ્વારા થતી આવી ગુપ્ત મીટિંગોનું વિસ્તૃત વર્ણન તેમના પુસ્તક Defence of Lucknowમાં કર્યું છે. શ્રી સાવરકર નોંધે છે કે ‘‘જ્યારે સિપાઈઓ ગુપ્ત મીટિંગોમાં મળતા તો માત્ર બે આંખો ખુલ્લી રાખીને બાકી સમગ્ર ચહેરો ઢાંકી દેતા હતા, જેથી તેમની ઓળખ ગુપ્ત રહે. પછી તેઓ અંગ્રેજો દ્વારા સમગ્ર દેશમાં થતા ભયાનક અત્યાચારોની વિસ્તૃત ચર્ચા કરતા હતા.’’
છેલ્લે લડાઈ શરૂ કરવાના પ્રતીકરૂપે તમામ રેજીમેન્ટોમાં તથા ગુપ્ત સમિતિઓના સભ્યોને વિશેષ આકારની રોટલીઓ વહેંચવામાં આવી. ચપાતીઓની આ વહેંચણી એ લડત શરૂ કરવાનો ગુપ્ત સંકેત હતો. અંગ્રેજ ઈતિહાસકાર સી.બી.મેલીસન નોંધે છે કે, ‘‘રોટલીઓની વહેંચણીના આયોજનનું ષડયંત્ર મૌલવી અહમદુલ્લાહે ઘડ્યું હતું.’’
દિલ્હીમાં બળવો
મેરઠના સિપાઈઓનો ઉત્સાહ અને તેમની સફળતાને જોતાં દિલ્હી છાવણીની ૪પમી રેજીમેન્ટના સિપાઈઓ પણ બળવામાં સામેલ થયા. દિલ્હીની સામાન્ય જનતા પણ વિશાળ સંખ્યામાં લડતમાં સામેલ થઈ. આથી વિપ્લવકારીઓની શક્તિ ખૂબ વધી ગઈ. જનતાએ જંગનું નેતૃત્વ સંભાળવા બહાદુરશાહને આગ્રહ કર્યો. લોકોના આગ્રહને જોતા ખૂબ વિચાર-વિમર્શ અને સલાહ મશ્વરા પછી અંતે ૧૩મી મેના રોજ બાદશાહે દરબાર ભર્યો અને જંગનું નેતૃત્વ સંભાળવાની જાહેરાત કરી.
બહાદુરશાહ ખૂબ વૃદ્ધ અને અશક્ત હતા, તેમ વર્ણવીને કેટલાક લેખકો વિપ્લવમાં બહાદુરશાહ ઝફરના મહત્ત્વ અને તેમના યોગદાનને ઘટાડવાનો પ્રયત્ન કરે છે; પરંતુ ઐતિહાસિક તથ્યો દર્શાવે છે કે આ જંગમાં બહાદુરશાહે ખૂબ સમજદારીપૂર્વક એક મહાન દેશના શાસકને છાજે તેવી મહત્ત્વપૂર્ણ ભૂમિકા બજાવી છે.
૧૮પ૭ની ઘટનાઓનું ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરનાર વિશ્વ વિખ્યાત ચિંતક કાર્લ માર્કસના મત મુજબ જંગનું નેતૃત્વ બહાદુરશાહને સોંપવાની પહેલ હિન્દુ સિપાઈઓએ કરી. તેનાથી બે લાભ થયા. પ્રથમ એ કે હિન્દુ-મુસ્લિમ એકતા ખૂબ મજબૂત બની. બીજું એ કે દિલ્હી દેશનું કેન્દ્રીય સ્થાન હોવાથી આંદોલન સમગ્ર દેશમાં વ્યાપક રીતે ફેલાયું.
વિપ્લવકારી સૈનિકોએ જ્યારે એકમતે બહાદુરશાહ ઝફરને સમગ્ર ભારતના શાસક જાહેર કર્યા ત્યારે જંગનું નેતૃત્વ સંભાળ્યા પછી બહાદુરશાહની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો અંદાજો લગાવી શકાય છે. તેમણે જાહેર કર્યું કે,
‘‘એ વાત બધા લોકો બહુ સારી રીતે જાણે છે કે હાલમાં ભારતના લોકો, હિન્દુ અને મુસલમાન બંને, અધર્મી અને વિશ્વાસઘાતી અંગ્રેજોના અત્યાચારી શાસન હેઠળ કચડાઈ રહ્યા છે. આથી ભારતના તમામ ધનિકોની અને ખાસ કરીને તે લોકોની જેઓ કોઈ પણ મુસ્લિમ ઉમરાવો સાથે કોઈપણ પ્રકારના સંબંધો ધરાવે છે, તેમની ફરજ છે કે તેમના પ્રાણ અને ધન પ્રજાની ભલાઈ માટે ન્યોછાવર કરે…..હું ભારતનો શાસક, દેશના પૂર્વ ભાગમાં રહેતા એ વિશ્વાસઘાતીઓને દેશમાંથી હાંકી કાઢવા અને ગરીબ નિઃસહાય લોકોનું રક્ષણ કરવા તથા તેમને સ્વતંત્ર કરાવવા કે જેઓ અત્યારે તેમના લોખંડી જુલમી શાસન હેઠળ નિસાસા નાખી રહ્યા છે, જેહાદીઓની મદદથી પ્રયત્ન કરી રહ્યો છું. કેટલાક હિન્દુ અને મુસ્લિમ આગેવાનો કે જેમણે પોતાના ધર્મના રક્ષણ માટે પોતાનું ઘર છોડ્યું છે ત્યારથી ભારતમાંથી અંગ્રેજ શાસનને નિર્મૂળ કરવા યથાશક્તિ ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે, તેમણે તેમની જાતોને મારા ચરણે ધરી દીધી છે અને ભારતને મુક્ત કરાવવાના ધર્મયુદ્ધના સહભાગી બન્યા છે….આથી, પ્રજાની જાણકારી માટે આ વિવિધ ભાગોમાં વિભાજિત જાહેરનામુ બહાર પાડીને પ્રચાર માટે મૂક્યું છે. તમામની એ જવાબદારી છે કે તેના ઉપર કાળજીપૂર્વક વિચાર કરીને સંપૂર્ણ અમલ કરે. જે લોકો આ જનહિતના કાર્યમાં સામેલ થવા ઈચ્છુક છે, પરંતુ તેમની પાસે ભરણપોષણનો ખર્ચ નથી, તેમને રાજ્ય તરફથી રોજિંદા ગુજરાનનો ખર્ચ આપવામાં આવશે…તમામ જ્યોતિષો અને પંડિતોની ગણતરીઓ એ વાતમાં સંમત છે કે ખૂબ ટૂંકા સમયમાં આ દેશમાંથી અને અન્ય સ્થળોએથી અંગ્રેજોનું અસ્તિત્વ ભૂંસાઈ જશે. આથી તમામ માટે જરૂરી છે કે મારા પડખે રહીને, બ્રિટિશ શાસન જારી રહેવાની આશા ત્યજી દઈને, રાજાશાહી કે સાર્વભૌમ સત્તા સ્થાપવા માટેના સમાજહિતના કાર્યમાં પોતાના વ્યક્તિગત પ્રયત્નો કરે અને એ રીતે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે. નહીંતર જો આ સોનેરી તક હાથમાંથી સરકી જશે તો તમારી મૂર્ખતા પર પસ્તાવવું પડશે.’’
બહાદુરશાહનું બીજું સૌથી મહત્ત્વનું પગલું એ હતું કે તેમણે જંગનું અને સરકારનું સમગ્ર સંચાલન જનરલ બખ્તખાન જેવા બાહોશ, બહાદુર, નિષ્ઠાવાન, યુદ્ધના દાવપેચમાં નિષ્ણાંત અને પ્રજાના હિતેચ્છુ મહાપુરૂષને સોંપ્યું હતું. બહાદુરશાહે જંગનું નેતૃત્વ સંભાળ્યા પછી દસ સભ્યોની એક કમિટી બનાવી, જેમાં પાંચ સભ્યો હિન્દુ હતા. સંચાલન માટે બાદશાહે રાજ્યનો તમામ વહીવટ આ સંચાલન સમિતિને સોંપી દીધો. સંચાલન સમિતિના કાર્યો રાજ્યનો વહીવટ કરવો, જમીનનો મહેસૂલ વસૂલ કરવો વગેરે હતા, આથી દિલ્હીમાં બખ્તખાનનું આગમન થતાં જ બાદશાહે બખ્તખાનને આ સમિતિના પ્રમુખ બનાવીને સમગ્ર વહીવટ તેને સોંપી દીધો અને જાહેર કર્યું કે, ‘સંચાલન સમિતિ જે પણ આદેશ જાહેર કરશે તેમાં રાજ્યનો કોઈપણ અધિકારી કે કોઈપણ રાજકુમાર કોઈ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરે. ૧૮પ૭ના જાણીતા ઈતિહાસકાર ખ્વાજા હસન નિઝામીએ જનરલ બખ્તખાનને ભારતીય ઈતિહાસના બીજા શેરશાહ કહ્યા છે. (ક્રમશઃ)