(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૨૭
તાજેતરમાં એટીએસ દ્વારા કેટલાક આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલ તત્ત્વોની ધરપકડ કરવામાં આવી છે. જે સંદર્ભે અંકલેશ્વર ખાતે આવેલ સરદાર પટેલ હોસ્પિટલમાં પહેલાં કાર્ય કરતા સ્ટીમરવાલા મોહંમદ કાસીમ અંગેની તપાસ કરવામાં આવી હતી. સરદાર પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી જયેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, એટીએસએ પકડેલો આરોપી ઈકો ટેકનિશિયન તરીકે નિયમોનુસાર પ્રક્રિયા કરીને પસંદગી પામેલો અને નિમણૂક આપવામાં આવી હતી. આ વ્યક્તિએ આરોપી તા.૪/૧૦/૨૦૧૭ના રોજ સત્તાવાર રીતે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું. જેને મેનેજમેન્ટ દ્વારા સ્વીકારી હતી. તા.૨૪/૧૦/૧૭ના રોજ ફરજ ઉપરથી મુક્ત કર્યો હતો. આ વ્યક્તિની વ્યક્તિગત પ્રવૃત્તિ અંગે ટ્રસ્ટને કોઈ જાણકારી હતી નહીં કે છે નહીં, હોસ્પિટલ ટ્રસ્ટ માનવ સેવાના કાર્ય માટે કાર્યરત છે. જેથી આવી પ્રવૃત્તિઓને કડક શબ્દોમાં વખોડી કાઢે છે. અંકલેશ્વરમાં અને ભરૂચ જિલ્લાના આરોગ્યની સુખાકારી માટે આ અદ્યતન હોસ્પિટલના નિર્માણમાં સાંસદ અહમદભાઈ પટેલ કે જેઓ પોતે કે તેમના પરિવારના કોઈ સભ્ય પણ આ ટ્રસ્ટમાં જોડાયેલા ન હોવા છતાં આ સંસ્થાના વિકાસ માટેે તેમજ જિલ્લાના પ્રજાજનોને આરોગ્યલક્ષી સુખાકારી માટે શ્રેષ્ઠ યોગદાન આપેલું છે, પરંતુ કેટલાક લોકો દ્વારા ખોટો અપપ્રચાર અને ખોટો પાયાવિહોણો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ સખત શબ્દોમાં આ બાબતને વખોડી કાઢે છે તેમજ લોકો ગેરમાર્ગે ન દોરવાય તે માટે ધ્યાન દોરવું જરૂરી બનેલું છે. એમ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી જયેશ પટેલે એક યાદીમાં જણાવ્યું છે.