(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાં ઘસડીને લઈ ગયાં છે. તમામ નાણાકીય લેવડદેવડ માટે આધાર અનિવાર્ય બનાવતા કેન્દ્ર સરકારના કાયદાને તેમણે કોર્ટમાં પડકાર્યો છે.મમતા બેનરજી વડાપ્રધાન મોદીની નાણાકીય નીતિના સૌથી કટ્ટર આલોચક રહ્યાં છે. તેમની અરજી પર સોમવારે સુનાવણી થવાની છે.
૧. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે તમામ સરકારી સેવાઓ અને મોબાઈલ ફોન સેવાઓ માટે ૧૨ આંકડાનો આધાર નંબર અનિવાર્ય છે.
૨. તમામ મોબાઈલ ધારકોએ તેમના નંબરોને આધાર સાથે જોડવા અનિવાર્ય છે. માર્ચમાં સરકારી નોટીસમાં આવી જાહેરાત કરવામાં આવી. નવા સીમ કાર્ડ લેવા માટે પણ આધારને જરૂરી બનાવી દેવામાં આવ્યું છે.
૩. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા દાખલ કરવામા આવેલી અરજી પર ૩૦ મીએ સુનાવણી થવાની છે.
૪. જસ્ટીસ એકે સિકરી અને અશોક ભૂષણની આગેવાની વાળી ખંડપીઠ આ કેસની સુનાવણી કરશે. વરિષ્ઠ વકીલ અને સાંસદ કલ્યાણ બેનરજીએ કહ્યું કે આ અરજી પહેલા જ દાખલ કરવામાં આવી હતી પરંતુ હવે ૩૦ ઓક્ટોબરે તેની સુનાવણી થશે.
૫. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે એવી જોગવાઈને પડકારી છે જેમાં કહેવામાં આવ્યું કે આધાર વગર સામાજિક ક લ્યાણ યોજનાઓનો લાભ નહી મળે.
૬. ૨૫ ઓક્ટોબરે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં રજૂઆત કરી હતી કે જે લોકોની પાસે ૧૨ આંકડોનો આધાર નંબર નથી તેમને માટે મોબાઈલ સાથે આધાર નંબર જોડવાની મુદત ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી લંબાવી દેવામાં આવી છે.
૭. એટર્ની જનરલ વેણુગોપાલે ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચને કહ્યું કે ડેડલાઈનને વધારીને ૩૧ માર્ચ ૨૦૧૮ કરવામાં આવી છે.
૮. આધારને બેન્ક ખાતાઓ તથા મોબાઈલ ફોન સાથે જોડવાનું ફરજિયાત બનાવનાર કાયદાઓ અને નિયમો સંબંધિત સંખ્યાબંધ કેસોની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે.
૯. ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં બેનરજીએ એવી જાહેરાત કરી હતી કે મારો ફોન બંધ થશે તો પણ હું તેને આધાર સાથે જોડીશ નહીં.
૧૦. બેનરજીએ કહ્યું હતું કે જો તેમને મારો ફોન બંધ કરી નાખવો હોય તો કરી નાખે તો પણ હું તેને આધાર સાથે જોડીશ નહીં. ટીએમસીની કોર કમિટીની બેઠકને સંબોધિત કરતાં તેમણે આવું જણાવ્યું હતું.