(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૯
વડોદરા શહેર વિધાનસભા મતક્ષેત્રની પાંચ બેઠકો, રાવપુરા, સયાજીગંજ, અકોટા, માંજલપુર, શહેર વિસ્તારમાં આ વખતે ખરાખરીનો જંગ જામશે. ભાજપ જુના જુગીઓ એટલે વર્તમાન ધારાસભ્યોની ટીકીટ કાપે તેવી શક્યતાઓ છે. સયાજીગંજમાંથી ભાજપનાં વર્તમાન ધારાસભ્ય જીતુ સુખડિયા માંજલપુરમાંથી યોગેશ પટેલ, અકોટામાંથી સૌરભ પટેલ અને શહેર વિધાનસભામાંથી મનિષાબેન પટેલનો સમાવેશ થાય છે. તેમને નો-રીપીટ થીયરી લાગુ પડી શકે છે. સયાજીગંજ અને રાવપુરા બેઠક ઉપર ત્રિપાંખીયો ચુટંણી જંગ શક્ય છે.
રાવપુરા બેઠક ઉપર અત્યારે ભાજપનાં રાજુભાઈ ત્રિવેદી ધારાસભ્ય છે. એમને પુનઃ ટીકીટ આપવામાં આવે તો સામે ભાજપમાંથી જ શૈલેષ મહેતા (સોટ્ટા) અપક્ષ ચુટણી લડવાની તૈયારી કરી બેઠા છે. બળવો કરીને પણ તેઓ ચુટણીમાં ઝુકાવશે. કેમ કે તેમના માટે આ ચુટણી રાજકીય અસ્તિત્વ સમાન છે. સામે પક્ષે કોંગ્રેસમાંથી ચંદ્રકાંત શ્રીવાસ્તવે ટીકીટ માંગી છે એટલે કોંગ્રેસ જો એમને ટીકીટ આપે તો આ બેઠક ઉપર ત્રિપાંખીયો ચુટણી જંગ થશે.
સયાજીગંજ બેઠક ઉપર હાલ ભાજપના જીતુભાઈ સુખડિયા છે. આ વખતે તેમની ટીકીટ કપાવાની શક્યતા બળવત્તર છે. એમના સ્થાને મેયર ભરત ડાંગરે ટીકીટ માંગી છે. જીતુભાઈને નો-રીપીટ થીયરી લાગુ પડી શકે છે જો કે મેયર ભરત ડાંગર સામે ભ્રષ્ટાચારનાં અનેક આક્ષેપો થયેલા છે. આ ઉપરાંત ભાજપનાં પુર્વ મેયર ભારતીબેન વ્યાસ અને જ્યોતિબેન પંડ્યાએ પણ ટીકીટ માંગી છે.
સયાજીગંજ બેઠક ઉપર કોંગ્રેસમાંથી અમી રાવતે ટીકીટ માંગી છે. મ્યુ. કોર્પોરેટર તરીકે સભાગૃહમાં લડાયક તેના તરીકે શાસકપક્ષ સામે ઉભરી આવ્યા છે. લોક પ્રશ્નોની ધારદાર રજુઆતો તેમનુ જમા પાસુ છે. એમના ઉપરાંત આરએસપીમાંથી રાજેશ આયરેએ તૈયારીઓ કરી દીધી છે. એટલે સયાજીગંજ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ નક્કી છે.
અકોટા બેઠક ઉપર ભાજપનાં વર્તમાન ધારાસભ્ય સૌરભ પટેલ છે તેઓ બહારના ઉમેદવાર હોવાથી લોકપ્રિય થઈ શક્યા નથી. ઉપરાંત તેમને મંત્રી મંડળમાંથી પડતા મુકવામાં આવ્યા હતાં. અકોટા મત ક્ષેત્રમાં ભાજપમાં જ તેમનો વિરોધ છે. એટલે નો-રીપીટ થીયરી લાગુ પડી શકે છે. તેમના સ્થાને પુર્વ મેયર શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને સમરજીતસિંહ ગાયકવાડનું પણ ચર્ચાઈ રહ્યું છે.
માંજલપુર બેઠક ઉપર ભાજપનાં યોગેશ પટેલ છે તેમને આ વખતે ટીકીટ નહિં મળે તેવી પુરી શક્યતાઓ છે. તેમની ઉમર અને બગડેલી તબીયત કારણભુત હોઈ શકે છે. તેમના સ્થળે ભાજપમાંથી કોઈ બહારના ઉમેદવારને ઠોકી બેસાડવામાં આવે તો નવાઈ નથી.માંજલપુર બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાવેશ રમેશભાઈ પટેલનાં નામની ચર્ચા છે. આ બેઠક ઉપર પટેલ મતદારો વધુ હોવાથી કોંગ્રેસ પટેલ ઉમેદવારને પ્રાધાન્ય આપશે.
શહેર વિધાનસભા મતક્ષેત્રમાં ભાજપનાં વર્તમાન ધારાસભ્ય મનિશાબેન વકીલ છે. તેમની સામે વિસ્તારમાં ભારે નારાજગી વ્યાપેલી છે. એટલે ટીકીટ કપાય તેવી શક્યતાઓ છે. તેમના સ્થાને માજી મેયર સુનિલ સોલંકી, જીવરાજ ચૌહાણના નામો ચર્ચામાં છે. જ્યારે કોંગ્રેસમાંથી વર્તમાન કોર્પોરેટર અનિલ પરમારના નામની શક્યતાઓ છે. જો કે આ બેઠક ઉપર ભાજપનું જોર વધારે છે.