(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
પનામા પેપર્સ દ્વારા ૧૮ મહિના પહેલા મચાવેલા સનસનાટીપૂર્ણ ખુલાસા બાદ પેરેડાઇઝ પેપર્સના વધુ એક ખુલાસાથી દુનિયાભરના રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓની ઊંઘ હરામ થઇ ગઇ છે. આ બંને ખુલાસા જર્મનીના અખબાર દ્વારા ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમના મદદથી સાથે મળીને કર્યા છે જેમાં વિશ્વના ૯૬ અખબારોનો પણ સમાવેશ થાય છે. ભારત સરકાર જ્યારે નોટબંધીની વર્ષગાંઠ પર બ્લેકમની વિરોધી દિવસ મનાવવાની તૈયારી કરી રહી છે ત્યારે તેના બે દિવસ પહેલા ધડાકાથી ભારતીય રાજકારણ અને ઉદ્યોગ જગતમાં પણ ભૂકંપ આવી ગયો છે. બર્મુડાની એપલબી અને સિંગાપુરની એશિયાસિટી દ્વારા વિશ્વની ૧૯ ટેક્ષ હેવન્સનો ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં વિદેશમાં ગેરકાયદે રીતે નાણા મોકલનારા ભારતીયો સહિત દુનિયાભરના અમીરો અને શક્તિશાળી લોકોના નામ સામેલ છે. પેરેડાઇઝ પેપર્સ લીકમાં પનામાની જેમ જ ઘણા ભારતીય નેતાઓ, અભિનેતાઓ અને ઉદ્યોગપતિઓના નામ સામેલ છે. આઇસીઆઇજેના ભારતીય સહયોગી મીડિયા સંસ્થાન ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર આ યાદીમાં કુલ ૭૧૪ ભારતીયોના નામ સામેલ છે. બીજી તરફ વિશ્વભરની વાત કરીએ તો યાદીમાં કુલ ૧૮૦ દેશોના નામ સામેલ છે. આ યાદીમાં ભારત ૧૯મા સ્થાને છે. જે દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે તેમાંથી મોટાભાગના બર્મુડાની લો ફર્મના એપલબી છે. ૧૧૯ વર્ષ જૂની આ કંપની વકીલો, એકાઉન્ટન્ટ્સ, બેંકર્સ અને અન્ય લોકોના નેટવર્કની એક સભ્ય છે. આ નેટવર્કમાં એવા લોકો પણ સામેલ છે જે પોતાના ગ્રાહકો માટે વિદેશોમાં કંપનીઓ સેટ અપ કરે છે અને તેમના બેંક એકાઉન્ટનું સંચાલન કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે, એપલબીની બીજી સૌથી મોટી ક્લાઇન્ટ એક ભારતીય કંપની છે જેની દુનિયાભરમાં આશરે ૧૧૮ સહયોગી કંપનીઓ છે. ભારતના નંદલાલ ખેમા દ્વારા સ્થાપિત કંપની સન ગ્રુપ એપલબીની સૌથી મોટી બીજી ક્લાયન્ટ કંપની છે જેમાં વિશ્વની ૧૧૮ અન્ય ફર્મનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે કોઇપણકંપની પોતાને ટેક્ષ ઓછો ભરવો પડે તે માટે ચોખ્ખી આવક અને નફો ઓછો દેખાડે છે. તેથી આ તમામ કંપનીઓનો ઇરાદો મુખ્યત્વે ટેક્ષ બચાવવાનો જ હતો તેમ કહી શકાય છે. એપલબી અને એશિયાસિટી એવી કંપનીઓ છે જે કોઇપણ કંપની અથવા વ્યક્તિને ઉદ્યોગ સ્થાપવામાં મદદરૂપ બને છે જેમાં તે તેમને રોકાણ પણ કરાવે છે અને નાણાકીય સંચાલન પણ કરે છે. સામાન્ય રીતે આવી કંપનીઓ કાયદાકીય, એકાન્ટિંગ અને બેંકિગની રીતે કામ કરે છે. જર્મન અખબાર સડેચ્સ ઝેઇટુંગે એપલબી અને એશિયાસિટી પાસેથી આ વિગતો મેળવી છે જેને તેણે બાદમાં ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટને મોકલી છે. આ ખુલાસાથી ભારતમાં ચાલી રહેલા આર્થિક સુધારાના દાવા અંગે વ્યક્તિગત તથા કંપનીઓની લેવડ-દેવડ અંગે જાણવામાં સરળતા મળી રહેશે.
બ્રિટનનાં મહારાણી, અમિતાભ બચ્ચનના પણ નામ સામેલ
આ ખુલાસામાં હાલ કેન્દ્ર સરકારમાં ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહા અને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. યાદીમાં અમિતાભ બચ્ચનના બર્મુડામાં એક કંપનીમાં શેર હોવાનો ખુલાસો કરાયો છે. કેન્દ્રીય મંત્રી જયંત સિંહાનું નામ રાજનીતિમાં આવ્યા પહેલા ઓમિડયાર નેટવર્કમાં ભાગીદારીને લઇ સામે આવ્યું છે. આ ઉપરાંત ભાજપના રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ આરકે સિંહાની કંપની એસઆઇએસ સિક્યોરિટીઝનું નામ પણ સામે આવ્યું છે. પેરેડાઇઝ પેપર્સ લીકમાં અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્તના જૂના નામ દિલનશીનું પણ નામ સામેલ છે. અહેવાલો અનુસાર આ લોકોએ વિદેશી કંપનીઓ અને બનાવટી કંપનીઓની મદદથી પોતાના નાણાં ઠેકાણે લગાવ્યા હતા. અખબાર અનુસાર આ તો પ્રારંભિક ખુલાસો છે અને એવા ૪૦થી વધુ ખુલાસા વધુ કરવામાં આવશે. પેરેડાઇઝ પેપર્સે ૧૮ મહિના પહેલા આવેલા પનામા પેપર્સની યાદ ફરી એકવાર તાજી કરી દીધી છે જેણે દુનિયાભરમાં હલચલ ઊભી કરી હતી.
કેટલાક મહાકાય આંતરરાષ્ટ્રીય નામોનો સમાવેશ
ખુલાસામાં બ્રિટનના મહારાણી ક્વિન એલિઝાબેથ બીજાની લાખો પાઉન્ડનો પણ ઉલ્લેખ છે જેમાં તેમણે કેમેન આઇલેન્ડ માટે વાપરેલા ફંડ અને કેટલાક એવા લોકો કે જેમના પર ગરીબો તથા નિરાધાર લોકો માટે આપવામાં આવેલા ફંડ નહીં વાપરવાનો આરોપ છે. દસ્તાવેજોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીમંડળના સભ્યો, સલાહકારો અને દાનદાતાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના જમાઇએ અમેરિકાની શિપિંગ કંપનીના આર્થિક સચિવ વિલબર રોસ સાથે ભાગીદારીનો પણ ખુલાસો થયો છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ટેક્ષ બચાવવા માટે રશિયાના નાણાકીય કંપનીના રોકાણનો સોશિયલ મીડિયા જાયન્ટ્સ ટિ્વટર અને ફેસબૂકમાં કરોડો ડોલરના રોકાણનો પણ ઉલ્લેખ છે. આ કંપનીઓમાં નાઇકી અને એપલનો પણ સમાવેશ કરાયો છે. પરેડાઇઝ પેપર્સમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રીડિયુના નામનો પણ ઉલ્લેખ છે.