(એજન્સી) કોલકાતા, તા.૧૦
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે એક ગંભીર આરોપ મુક્તા કહ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેના સહયોગી સંગઠન રાજ્યમાં સાંપ્રદાયિક હુલ્લડ કરાવવાના ઉદ્દેશ્યથી પયગમ્બર હ.મોહમ્મદ(સ.અ.વ.) સાહેબ વિરૂદ્ધ અપમાનજનક સામગ્રીનું વિતરણ કરી રહ્યા છે. ઉત્તર બંગાળના અલીપુર દ્વારમાં એક રેલીને સંબોધતા મમતા બેનરજીએ આરોપ મૂક્યો કે એક એવું પુસ્તક તેમની જાણકારીમાં આવ્યું છે. આ એક ખાનગી પુસ્તક છે જેનું બીજા ધોરણના વિદ્યાર્થીઓ માટે આરએસએસ દ્વારા વિતરણ થઈ રહ્યું છે. મમતાએ જણાવ્યું કે ઉલુબેરિયામાં એક શાળામાંથી આ પુસ્તક પ્રાપ્ત થયું છે અને આ સંબંધે પ્રાથમિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પુસ્તકમાં પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબ વિરૂદ્ધ અપમાનજનક સામગ્રી છે જેને શાળાના બાળકોને વહેંચવામાં આવી રહ્યું છે. જેથી સાંપ્રદાયિક હુલ્લડ થાય. આ પુસ્તકો બાળકોને ઘરે વાંચવાનું કહેવામાં આવે છે. કારણ કે જો તેઓ શાળામાં વાંચે તો તેમની પોલ પકડાઈ જાય.