હિંમતનગર,તા.૯
હિંમતનગર તાલુકાના કેશરપુરા ગામની પડતર જમીનમાં ૬ કિશોરો ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારે અચાનક દડો ગુહાઈ ડેમના ઊંડા ખાબોચિયામાં જઈને પડતા દડો લેવા ગયેલા એક કિશોરનો પગ ચીકણી માટીને કારણે લપસી જતા તે પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જેથી અન્ય બે કિશોરો તેને બચાવવા માટે જાનની બાજી લગાવીને કુદી પડ્યા હતા. જેથી તેઓ પણ પાણીમાં ગરકાવ થઈ જતા પાણી પી જવાને કારણે ત્રણેય કિશોરોનાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ અંગે આધારભૂત સૂત્રોમાથી મળતી માહિતી મુજબ વેકેશન હોવાને કારણે સવારે કેશરપુરા ગામેથી ૬ કિશોરો ગામની સીમમાં આવેલ એક પડતર જમીનમાં ક્રિકેટ રમવા ગયા હતા. દરમ્યાન અચાનક ક્રિકેટનો દડો નજીક આવેલ ગુહાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં ભરાયેલા મોટા પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો હતો. જેથી જયકુમાર શૈલેષભાઈ પટેલ (ઉ.વ.૧૩, રહે. કેશરપુરા) લેવા ગયો હતો. જ્યાં અચાનક ચીકણી માટીને કારણે પગ લપસી જતા તે પાણીમાં ખેંચાઈ ગયો હતો.
તો બીજી તરફ આ અંગે સહજકુમાર પરેશકુમાર પટેલ (ઉ.વ.૧૪, રહે. કેશરપુરા)ને ખબર પડતાવ તે તરત જ જયને બચાવવા માટે પાણીમાં પડ્યો પરંતુ તે જયને બચાવવાને બદલે પોતે ખાબોચિયાની માટીમાં પગ ખુંપી જતા ફસાઈ ગયો હોતો. જેથી મીતકુમાર રમેશભાઈ પટેલ (ઉ.વ.૧૩, રહે. આંતરી કંપા, તા. વિજયનગર) પણ બંને ને બચાવવા જાનની બાજી લગાવીને પાણીમાં પડ્યો હતો. પરંતુ કમનસીબે ત્રણેય કિશોશો બહાર નીકળવાને બદલે ડૂબી ગયા હતા.
આ અંગે ક્રિકેટ રમવા સાથે આવેલા મલયકુમાર ગીરીશભાઈ પટેલને ખબર પડતા તે તરત જ ગામમાં દોડી જઈને જાણ કરી હતી. જો કે ડેમ સાઈટ વિસ્તારમાં કામ કરતા કેટલાક શ્રમજીવીઓ અને ગામના રહીશો બચાવ કાર્ય શરૂ કરીને ત્રણેય કિશોરોને મહામુસીબતે બહાર કાઢ્યા હતા. પરંતુ વધુ પડતુ પાણી પી જવાને કારણે તેઓ નિચેત બની ગયા હતા. જેથી ત્રણેયને તાબડતોડ સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. કેશરપુરા ગામમાં અચાનક બનેલી કરૂણ ઘટનાને કારણે ગામ આખુ શોકમાં ગરકાવ થઈ ગયું હતું
ઘટના અંગે હિંમતનગર સિવિલના મેડિકલ ઓફિસર રીટા સિંહાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આંત્રોલી કંપાનો મીત ફોઈના ઘરે આવ્યો હતો
વિજયનગર તાલુકાના આંતરી કંપામાં રહેતો મીત ઉનાળુ વેકેશન હોવાનો કારણે કેશરપુરા ગામે રહેતા સોનલ ફોઈના ઘરે આવ્યો હતો. જ્યાં અચાનક ક્રિકેટ રમવા ગયો હતો ત્યારે કમનસીબે કાળનો કોળિયો બની ગયો છે. મીતે ચાલુ વર્ષે ધો. ૧૦ની પરીક્ષા આપી હતી.
સહજ અને જય હિંમતનગર ભણતા હતા
મૂળ કેશરપુરા ગામના અને હાલ પરિવાર સાથે હિંમતનગર રહેતા સહજ ધો. ૮માં અને જય ધો. ૯માં ભણતો હતો. જો કે તેઓ તેમના મા-બાપના એકના એક જ કુળદિપક હતા. પણ હવે જ્યારે બંને કિશોરનાં મોત નિપજતા તેમના પરિવારમાં કદી ન પુરાય તેવી ખોટ પડી છે.