(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
કાયદા પંચે ૨૪મી એપ્રિલે પત્ર પાઠવીને ચૂંટણી પંચ પાસે લોકસભાની સાથે બધી વિધાનસભા ચૂંટણીઓ (વન નેશન વન ઇલેક્શન) અંગે મંતવ્યો માગ્યા હતા. કાયદા પંચને આપેલા જવાબમાં ચૂંટણી પંચે એવું સૂચન કર્યું છે કે એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાને બદલે એક વર્ષમાં યોજાનારી બધી વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજી શકાય છે. ખરેખર, કાયદા પંચે સરકાર દેશમાં એકસાથે લોકસભા અને બધી વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ કરે તેે પહેલા પાંચ બંધારણીય મુદ્દાઓ અને ૧૫ સામાજિક-રાજકીય અને આર્થિક મુદ્દાઓ ઉકેલવાની જરૂર હોવાની બાબતે ચૂંટણી પંચની સ્થિતિ વિશે પૂછ્યું હતું. તેના પર જવાબ આપતા ચૂંટણી પંચે આ સૂચન કર્યું છે. જોકે, ચૂંટણી પંચે કાનૂની અને નાણાકીય પડકારોને પહોંચીવળવાની શરતે દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંંટણીઓ યોજવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે ચૂંટણી પંચે એક વર્ષમાં યોજાનારી બધી ચૂંટણીઓ એક સાથે યોજવાનો વિકલ્પ પણ સૂચવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની લાંબા સમયથી હિમાયત કરી રહ્યા છે. વડાપ્રધાને એ બાબતે ભાર આપ્યો છે કે તેના માટે બધા પક્ષો વચ્ચે સર્વસંમતિ થવી જોઇએ. વર્તમાન પરિસ્થિતિમાં ભાજપના આ પ્રસ્તાવ પર વિભિન્ન પક્ષો વચ્ચે સર્વસંમતિ સાધવાનું થોડુંક મુશ્કેલ લાગે છે. ૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ કાયદાની કલમ ૧૫ હેઠળ જો કોઇ વિધાનસભાનો કાર્યકાળ છ મહિનાથી વધુ સમયનો બાકી રહ્યો છે તો ચૂંટણીપંચ ચૂંટણી અંગેનું જાહેરનામું જારી કરી શકે નહીં, છ મહિનાથી ઓછો સમય બાકી બચ્યો હોય તો, તેના માટે ચૂંટણી પંચ જાહેરનામું જારી કરી શકે છે. કાયદાની આ જોગવાઇને કારણે ઘણી વાર એક જ વર્ષમાં ઘણા રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. ૨૦૧૭માં સાત રાજ્યોમાં વિધાનસભાઓની મુદ્દત પુરી થઇ હતી. ચૂંટણી પંચને પાંચ રાજ્યો (પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા)માં એક સાથે ચૂંટણીઓ યોજવી પડી હતી પરંતુ બાકીના બે રાજ્યો (ગુજરાત અને હિમાચલ પ્રદેશ)માં વર્ષના અંતે ચૂંટણીઓ યોજવામાં આવી હતી.
‘એક વર્ષમાં એક ચૂંટણી’ યોજવાનું વધુ સરળ
સૂત્રોએ જણાવ્યું કે લોકસભા અને વિધાનસભાઓની એક સાથે ચૂંટણીઓ યોજવા માટે ઘણા કાનૂની સુધારા કરવા પડશે જ્યારે એક વર્ષમાં એક ચૂંટણી યોજવામાં ઘણા બધા સુધારા કરવાની જરૂર પડશે નહીં. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે કેન્દ્રને બંધારણમાં પાંચ સુધારા કરવા પડશે.