(એજન્સી) તા.૫
રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણી યોજાવાને બસ ગણતરીના મહિના બાકી છે ત્યારે રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાઇલટે ભાજપને હરાવવા માટે ઓવરટાઈમ કરવાનું શરૂ કરી દીધું છે અને તેઓ ભાજપને તેની જ રમત વડે હરાવી દેવાના પ્રયાસો કરી રહ્યાં છે. તેઓ કોંગ્રેસ પાર્ટીને બૂથ લેવલથી મજબૂત બનાવવા પ્રયાસો કરી રહ્યાં છે અને તેઓ કહે છે કે હાલ કોંગ્રેસ પાર્ટીની આજ સૌથી મોટી નબળાઈ રહી છે. છેલ્લા ચાર વર્ષોમાં પાર્ટી અને કેડરના નેતાઓ રેલીઓ, દેખાવો અને જુદા જુદા રાજ્યોની મુલાકાતમાં વ્યસ્ત રહ્યા પરંતુ હવે સચિન પાઈલટ આગામી રાજસ્થાનની વિધાનસભા ચૂંણી તથા ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. તેની તૈયારીઓ માટે હવે તેઓ પોતાની એક ટીમ તૈયાર કરી રહ્યાં છે જે એક ફોર્સ સમાન કામ કરશે. આ ટીમનું એક જ કામ રહેશે કે ટીમના સભ્યો સામાન્ય નાગરિકોને નિયમિત અંતરે મળતા રહેશે અને તેમના સતત સંપર્કમાં રહેશે. તેમની ઈચ્છાઓ અને માગણીઓ તથા મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ કરશે અને ભાજપના પ્રોપોગેન્ડાને પડકારવાનો પ્રયાસ કરશે. સચિન પાઈલટે આ મામલે કહ્યું કે અમે હવે કોંગ્રેસને બૂથ લેવલ સુધી મજબૂત બનાવવા માગીએ છીએ. દરેક બૂથ લેવલ પર અમે ૫થી ૧૫ જેટલા કાર્યકરોને તૈેનાત કરીશું અને તેમને ટાસ્ક આપીશું કે તેઓ તમામ વોટરલિસ્ટ ચેક કરે અને બોગસ વોટરના નામ દૂર કરે તથા નવા વોટરોને ફરીવાર યાદીમાં એનરોલ કરાવે અને તેમના વોટર આઈડીમાં નામમાં સુધારા વધારા કરાવી આપે. તેમણે કહ્યું કે અમે તમામ લોકો પાસેથી પાર્ટી, સરકાર તથા સ્થાનિક મુદ્દાઓ પર બૂથ લેવલથી તેમના ફીડબેક મેળવીશું. અમે લોકોને વોટ આપવા પ્રેરિત કરીશું અને તેમને સહાનુભૂતિ આપનારા બનીશું. તેમણે કહ્યું કે ભાજપે આરએસએસની મદદથી આ પ્રક્રિયા સારી રીતે પૂરી કરી છે અને સફળતા પણ મેળવી છે.
નોંધનીય છે કે જ્યારે કોંગ્રેસે ૨૦૧૩માં ૨૧ સીટ ગુમાવી હતી ત્યારે સચિન પાઈલટે આ કમાન સંભાળી હતી. ત્યારથી તેઓ પાર્ટીનું લોકસભા, વિધાનસભામાં પરફોર્મન્સ સુધારી ચૂક્યા છે અને તાજેતરમાં તે રાજસ્થાનમાં લોકપ્રિય કોંગ્રેસી નેતા પણ છે. તેઓ હવે ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરીને તમામ વોટરો સાથે સીધો સંપર્ક સાધવા માગે છે.