(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમની પત્ની સવિતા કોવિંદ સાથે ઓડિશાના પ્રસિદ્ધ શ્રી જગન્નાથ પૂરી મંદિરમાં કથિત રીતે ‘દુર્વ્યવહાર’ના અહેવાલો સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ અને તેમના પત્ની ૧૮ માર્ચના રોજ મંદિર દર્શન માટે ગયા હતા. પરંતુ આ ઘટના મંદિર પ્રશાસનની બેઠક બાદ સામે આવી છે. અહેવાલો મુજબ મંદિરમાં સેવકોના સમૂહ દ્વારા કથિત રૂપે ગર્ભગૃહની નજીક કોવિંદ દંપતીનો રસ્તો રોકી ધક્કા-મુક્કી કરાઈ હોવાનો આરોપ છે. રાષ્ટ્રપતિ ભવને આ ઘટના અંગે વાંધો ઉઠાવતા ૧૯ માર્ચના રોજ પૂરીના કલેક્ટર અરવિંદ અગ્રવાલને સેવકોના વ્યવહાર અંગે નોટિસ પાઠવી હતી ત્યારબાદ શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનની બેઠક બોલાવવામાં આવી હતી. આ ઘટના અંગે કોંગ્રેસના નેતા સુરેશકુમારે કહ્યું કે, ‘અમે એવું નથી સમજી શકતા કે, જિલ્લા પ્રશાસન કેમ આવી સ્થિતિ ટાળવામાં અસક્ષમ રહ્યું. અત્યાર સુધી માત્ર સામાન્ય શ્રદ્ધાળુઓને સેવકો હેરાન કરતા હતા. હવે એવું લાગી રહ્યું છે કે, રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને પણ બાકાત રાખવામાં નથી આવ્યા.’ મંદિરના મુખ્ય પ્રશાસક આઈ.એ.એસ અધિકારી પ્રદીપકુમાર મહાપાત્રાએ સ્વીકાર્યું કે, રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને મંદિરની અંદર અસુવિધા થઈ હતી. પરંતુ તેમણે વિગતો આપવાનો ઈન્કાર કરતાં જણાવ્યું કે, આ ઘટનાની તપાસ ચાલી રહી છે.