(એજન્સી)
બારામુલ્લા,તા.ર૮
માછીલ નકલી એન્કાઉન્ટર કેસમાં નવી દિલ્હીની આર્મી કોર્ટ દ્વારા રાજપૂતાના રાઇફલ્સના પાંચ સૈનિકોની જન્મટીપની સજા માફ કરી દેવાયાના એક દિવસ બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે મિલિટ્રી કોર્ટના આ નિર્ણય અંગે અમારી પાસે કોઇ માહિતી આવી જ નથી. બારામુલ્લાહ ખાતે બુધવારે જિલ્લા પોલીસ લાઇનમાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એસપી વૈદ્યે કહ્યું કે હું આ ઘટનાથી વાકેફ નથી, હું આ નિર્ણય વિશે તમારા મોઢેથી સાંભળી રહ્યો છું. અમે આ કેસનું નિરીક્ષણ કરશું અને પછી જોઇશું કે અમે શું આગળ કાર્યવાહી કરી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે મિલિટ્રી કોર્ટના આદેશ બાદ માછીલ નકલી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા યુવકોના પીડિત પરિવારો આઘાત પામી ગયા છે. તેમાંથી ઘણા પરિજનો તો જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસે પહોંચી ગયા હતા અને બારામુલ્લા ખાતે તેમણે વિરોધી દેખાવો કર્યા હતા. તેમાંથી મોહમ્મદ શફી નામના યુવકની માતા ઝાહિદાએ કહ્યું કે જો આર્મી તેમને મુક્ત જ કરવા માગતી હોય તો તેના પહેલા તે અમને જ મારી નાખે. તમને જણાવી દઇએ કે મોહમ્મદ શફી પર એ જ યુવકોમાં સામેલ છે જેમને આ નકલી એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યા હતા. તમને જણાવીએ કે દોષી સૈનિકોમાં કમાન્ડિંગ અધિકારી દિનેશ પઠાનિયા, કેપ્ટન ઉપેન્દ્ર, હવાલદાર દેવેન્દ્ર કુમાર, લાન્સ નાયક લક્ષ્મી અને લાન્સ નાયક અરુણ કુમારનો સમાવેશ થાય છે. આ પાંચે સૈનિકોએ ર૦૧૪માં તેમને અપાયેલ જન્મટીપની સજાને આર્મ્ડ ફોર્સ ટ્રિબ્યુનલમાં પડકારી હતી. ઉત્તર આર્મી ઇન્ડિયાના કમાન્ડન્ટ દ્વારા ર૦૧પમાં તેમને આ સજા ફટકારવામાં આવી હતી. ઘટના મુજબ ર૦૧૦માં જમ્મુ કાશ્મીર પોલીસને એલઓસી નજીક આવેલા માછીલ વિસ્તારમાં કબ્રસ્તાન નજીક ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. પરિજનોએ પછી આ શબને ઓળખી કાઢ્યા હતા. જેમાં મૃતકોમાં મોહમ્મદ શફી લોન, રિયાઝ અહેમદ લોન અને શહેજાદ ખાનનો સમાવેશ થાય છે. આ ત્રણેને કાલારુસ આર્મી કેમ્પ લઇ જવાયા હતા. આ કેમ્પ કુપવારા જિલ્લામાં આવેલ છે. ત્યાં ર૯ એપ્રિલ ર૦૧૦ની રાત્રિએ મારી નાખવામાં આવ્યાં હતાં અને તેમને પાકિસ્તાની ઘૂસણખોરો સાબિત કરવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટરને પગલે અધિકારીઓ પ્રમોશન અને વળતરની લાલસા ધરાવતા હતા. આ ઘટનાને પગલે સમગ્ર કાશ્મીરમાં ફરી હિંસા ભડકી હતી. પોલીસે આર્મી વિરુદ્ધ કેસ પણ નોંધ્યો હતો.
જનરલ કોર્ટ માર્શલ દ્વારા દોષીઓને ર૦૧૪માં તપાસ રિપોર્ટ બાદ સજા પણ આપવામાં આવી હતી. જોકે આર્મ્ડ ફોર્સ ટ્રિબ્યુનલે આ સજા હવે રદ કરી નાખી છે. ઝાયદાએ માગણી કરી હતી કે સૌથી પહેલા તો અમે બશીરને સજા ફટકારવા માગીએ છીએ જેણે અમારા છોકરાઓને લઇ જઇ આર્મીને વેચી માર્યા. તેણે ફેક એન્કાઉન્ટરમાં અમારા છોકરાઓને મારી પોતે પ્રમોશન અને વળતર મેળવ્યા છે. જોકે રિયાઝ લોનની માતાએ આરોપ મૂક્યો કે આ ઘટનામાં ઘણા ખરા સ્થાનિક આર્મીના લોકો સંડોવાયેલા છે. જો આર્મી તેમને મુક્ત કરવા માગતી હોય તો અમારા દીકરા અમને પાછા લાવી આપે.