(એજન્સી) શ્રીનગર, તા.ર૬
બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદ ઉપર વાયુ દળના હુમલાના સમાચારો ફેલાતા શ્રીનગરના રહીશોમાં વધુ ગભરાટ ફેલાયો હતો. નાગરિકોએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સંઘરવી શરૂ કરી હતી અને પેટ્રોલ પંપ ઉપર લાઈનો આજે સવારથી જોવા મળતી હતી. જમ્મુ કાશ્મીર બોર્ડ ઓફ સ્કૂલમાં કાર્યરત ઝહૂર અહમદે રૈનાવારી પેટ્રોલ પંપ ઉપર જણાવ્યુું કે ૪૦ મિનિટથી અહીં પેટ્રોલ માટે ઊભો છું. જો કે હું કાર ઓછી વાપરૂં છું પણ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે અગમચેતી રૂપે પેટ્રોલ પૂરાઈ રહ્યો છું કદાચ જરૂર પડે તો.
આજે સવારે જેકેએલએફ નેતા યાસિન મલિકના ઘરે એનઆઈએએ દરોડાઓ પાડતા ગભરાટમાં વધારો થયો હતો. શહેરમાં કર્ફ્યુ અથવા બંધનું એલાન ન હોવા છતાં રસ્તાઓ સૂમસામ હતા. ઘણી બધી દુકાનો અને બજારો બંધ હતા. ત્યાંના દુકાનદારો જણાવતા હતા કે ગત વર્ષના નવેમ્બર મહિનાથી અહીંની પરિસ્થિતિ કટોકટીભરી બની છે. જ્યારથી અનુચ્છેદ ૩પ-એને રદ કરવાની વાતો થઈ રહી છે. ધંધામાં પ૦ ટકા ઘટાડો થયો છે.
જો કે શ્રીનગરના નિવાસીઓ પોતાના કામ ઉપર જઈ રહ્યા છે પણ એમના મનમાં અનિશ્ચિતતા ઘર કરી ગઈ છે. મુનાવારાબાદના નિવાસી ઈમ્તિયાઝ હુસેને કહ્યું કે કોઈ સ્પષ્ટ કંઈ કહેતો નથી. અમને કહેવામાં આવે છે કે ૧૦ દિવસ માટેનું રાશન અને દવાઓનો સ્ટોક કરી લો. કારણ કે સતત કર્ફ્યુ લાગવાનો છે.
શ્રીનગરના નિવાસીઓ મીડિયા ઉપર નારાજ છે. એમની ફરિયાદ છે કે મીડિયા યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ હોવાની વાતો ફેલાવે છે. જે બળતામાં ઘી નાખે છે. અમે સામાન્ય થવા પ્રયાસો કરીએ છીએ પણ મીડિયા વધુ ગભરાટ અને ભય ફેલાવે છે.
કાર એસસરીઝની દુકાન ધરાવતા તાહિર અહમદે જણાવ્યું કે કાશ્મીરને ભડકે બાળવા મીડિયા જવાબદાર છે. એ કાશ્મીરીઓને રાષ્ટ્ર વિરોધી ચીતરીને વાતાવરણ દૂષિત કરે છે.