International

બ્રિટનના વડાપ્રધાનનો ચૂંટણીમાં ઐતિહાસિક વિજય, કહ્યું, ૩૧ જાન્યુઆરીથી બ્રેક્ઝિટ લાગુ કરાશે

(એજન્સી) તા.૧૩
બ્રિટનમાં ૬૫૦ સીટોવાળી સંસદમાં કંઝર્વેટિવ પાર્ટીને બહુમત માટે જરૂરી ૩૨૬ સીટોનો આંકડો પાર કરી લીધો છે. પીએમ બોરિસ જ્હોનસનની પાર્ટીને ૩૬૦ સીટો મળી શકે છે. તો વિપક્ષી લેબર પાર્ટી પોતાની અનેક પારંપરિક સીટો ગુમાવી ચૂકી છે. પીએમ બોરિસ જ્હોનસને કહ્યું કે, તેઓને હવે એક નવો જનાદેશ મળી ગયો છે. જેનાથી તે બ્રિટેનને યુરોપીય યુનિયનથી અલગ કરતી બ્રેક્ઝિટને લાગુ કરી શકે છે. એક્ઝિટ પોલ પ્રમાણે કંઝર્વેટિવ પાર્ટીને ૩૩૮ અને લેબર પાર્ટીને ૧૯૧ સીટો મળી શકે છે. પરિણામોના પગલે લેબર પાર્ટીના જેરેમી કોર્બિને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. સમગ્ર બ્રિટેનમાં ગુરૂવારે મતદાતાઓએ દેશનાં એક ઐતિહાસિક અને નિર્ણાયક ચૂંટણી માટે મતદાન કર્યું હતું. યુરોપીય સંઘથી બહાર નીકળ્યા બાદ દેશનું ભવિષ્ય કેવું હશે ? તે વિષય પર થનાર નિર્ણય આ ચૂંટણી મારફતે જ થવાનો જ છે. જો કે, એક્ઝિટ પોલ અનુસાર બોરિસ જ્હોનસનની કંઝર્વેટિવ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતું જોઈ શકાય છે. પીએમ બોરિસ જ્હોનસને પ્રાથમિક પરિણામો બાદ ટ્‌વીટ કરતાં ખુશી વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું કે, યુકે દુનિયાનું સૌથી મહાન લોકતંત્ર છે. જેમણે પણ અમારા માટે વોટ કર્યો છે, જે અમારા ઉમેદવાર બન્યા છે, તે તમામનો આભાર. તો આ વચ્ચે લેબર પાર્ટીના અધ્યક્ષ ઈયાન લેવેરીએ કહ્યું કે, બ્રેક્ઝિટ માટે બીજી વાર જનમત સંગ્રહનો પ્રસ્તાવ આપીને તેમની પાર્ટીએ ભૂલ કરી છે. લેવેરીએ કહ્યું કે, તેના પાછળ પાર્ટીનાં નેતા જેરેમી કોર્બિનની કોઈ ભૂલ નથી. અમે યુકેના લોકોની ભાવનાઓને સમજી ન શક્યા. તમને જણાવી દઇએ કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સૌથી નાટકીય ચૂંટણીમાં સત્તા પાછી મેળવવામાં સફળ થયા હતા. જો કે, હવે તેનાથી બ્રેક્ઝિટ એકદમ સરળ થઈ જશે તેવો દાવો તેમણે કર્યો હતો. લંડનમાં વિજયી રેલીને સંબોધતાં તેમણે પુષ્ટી કરી હતી કે, પાર્ટીએ ૩૬૩થી વધુ બેઠકો જીતી છે અને ૧૯૮૦માં માર્ગરેટ થ્રેચર પછીની સૌથી મોટી બહુમતી છે. તેમણે કહ્યું કે, બ્રેક્ઝિટ હવે સરળતાથી પૂર્ણ કરી શકાશે અને અમારા પર મતદારોને પણ પૂર્ણ વિશ્વાસ છે. અમે કરી બતાવ્યું. અમે તમામ અવરોધો પાર કર્યા. અમારો રસતો હવે સાફ થઇ ગયો છે. મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને પોતાની હાર સ્વીકારતા એવી જાહેરાત કરી કે, તેઓ આગામી ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ નહીં કરે. લેબર પાર્ટી વર્ષ ૧૯૩૫ બાદ અત્યારસુધીની સૌથી ખરાબ હાર તરફ આગળ વધી રહી છે. બીજી બાજુ, કંઝર્વેટિવ પાર્ટી વર્ષ ૧૯૮૭ બાદ પોતાની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહી છે. વર્ષ ૨૦૧૭ની ગત ચૂંટણીમાં કંઝર્વેટિવ પાર્ટીને ૩૧૮ બેઠકો પર જીત મળી હતી જ્યારે લેબર પાર્ટીને ૨૬૨ બેઠકો મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવા બદલ બોરિસ જોનસનને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું કે, પીએમ બોરિસ જોનસનને પ્રચંડ બહુમત સાથે સત્તામાં પરત આવવા માટે ખૂબ શુભેચ્છાઓ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બોરિસ જોનસનને જીતની શુભેચ્છાઓ પાઠવી છે. ચૂંટણીના પરિણામથી તેવું સાબિત થયું છે કે બોરિસ જોનસન સત્તામાં પરત ફરશે અને યૂરોપિયન યૂનિયનમાંથી બ્રિટનનું અલગ થવું એટલે કે બ્રેક્ઝિટનો રસ્તો સરળ થઈ ગયો છે. લગભગ એક સદી બાદ બ્રિટનમાં વિન્ટરમાં ચૂંટણી યોજાઈ અને તેમાં કડકડતી ઠંડીમાં પણ લોકોએ ઘરમાંથી બહાર નીકળીને મતદાન કર્યું. બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં આ વખતે ભારતીય મૂળના ઘણાં ઉમેદવારોની જીત થઈ છે. કંઝર્વેટિવ અને લેબર એમ બંને પાર્ટીમાંથી ચૂંટણીમાં ઊભા રહેલા કુલ ૧૨ જેટલા ભારતીય મૂળના ઉમેદવારોની જીત થઈ છે.