(એજન્સી) તા.ર૮
લોકડાઉન દરમ્યાન મંદિરમાં ભીડ ભેગી કરવાના આરોપમાં દાંતી મહારાજની દિલ્હી પોલીસે બુધવારે ધરપકડ કરી છે. ધરપકડ પર પોલીસ સ્ટેશન પહોંચેલા દાંતી મહારાજ સાથે પોલીસે લાંબી પૂછપરછ કરી ત્યારબાદ તેમને મોડી સાંજે જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા. દાંતી મહારાજની ધરપકડનું સમર્થન કરતા દક્ષિણી જિલ્લા ડીસીપી અતુલ કુમાર ઠાકુરે જણાવ્યું કે દાતી મહારાજની વિરૂદ્ધ ર૬ મેના દિવસે મેદાન ગઢી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમની વિરૂદ્ધ લોકડાઉન ઉલ્લંઘન અને મહામારી અધિનિયમ સહિત અન્ય કેટલીક કલમોમાં કેસ દાખલ થયો હતો.
પોલીસને દાતી મહારાજના મંદિરની સામે એક પોસ્ટર લાગેલું મળ્યું હતું જેમાં સ્પષ્ટ લખ્યું છે કે શનિ જયંતિના મહોત્સવ પર રર મેએ મંદિરમાં આવે. એટલે કે લોકડાઉન દરમ્યાન આ કાર્યક્રમ દાંતી મહારાજે જ ઓર્ગેનાઈઝ કર્યો હતો. જેની પરવાનગી લીધી ન હતી. તે ઉપરાંત જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીને જોઈ શકાય છે. ઘણા લોકોના મોંઢા પર માસ્ક પણ નહતા. સોશિયલ ડિસ્ટન્સિંગની વાત તો છોડી જ દો. જણાવી દઈએ કે મહારાજ ઉર્ફે દાતી મદન લાલ રાજસ્થાની પર પોતાના સહયોગીઓ સાથે મળીને રપ વર્ષની મહિલા સાથે બળાત્કારનો આરોપ છે.
દાતી મહારાજ અને અશોક અર્જુન તેમજ અનિલની વિરૂદ્ધ સીબીઆઈએ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. તેમના ફતેહપુર બેરી આશ્રમમાં ૯ જાન્યુઆરી ર૦૧૬માં આ કથિત ઘટના થઈ. દિલ્હી પોલીસે જૂન ર૦૧૮માં દિલ્હીની પીડિતાની ફરિયાદ પર કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ દાતી મહારાજ તેમજ અન્ય પર ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.