(એજન્સી) કાબૂલ, તા.૧૬
અફઘાનિસ્તાનમાં તાલિબાને પોતાનો પાયો મજબૂત કરતાં સુરક્ષા બળો પર હુમલાઓ શરૂ કર્યા છે. પશ્ચિમી અફઘાનિસ્તાનના ફરાહ પ્રાંતમાં તાલિબાનોએ ઘાતક હુમલો કરતાં ૩૦ સુરક્ષાબળોના મૃત્યુ થયા છે જ્યારે અનેક ગંભીર રીતે ઘવાયા છે. ઈરાની સરહદ નજીક થયેલ આ હુમલાની પુષ્ટિ ફરાહના સાંસદ મોહંમદ સરવર ઉસ્માનીએ કરી હતી. મળેલ જાણકારી મુજબ તાલિબાની આતંકવાદીઓએ ફરાહ પ્રાંતમાં અનેક સુરક્ષા ચોકીઓ પર જીવલેણ હુમલા કર્યા જેમાં થયેલ જાનહાનિના ચોક્કસ આંકડા હજી સુધી જાણી શકાયા નથી. આ હુમલાઓ ગવર્નરના નિવાસસ્થાનથી માત્ર ૩૦૦ મીટરના અંતરે થયા હોવાથી ગવર્નર સહિત અન્ય અધિકારીઓને સુરક્ષા કારણોસર સૈન્ય શિબિરમાં સ્થળાંતરિત કરાયા છે. નોંધનીય છે કે જો સુરક્ષાદળો ટૂંક સમયમાં જ નક્કર પગલાં નહીં લે તો શહેર સંપૂર્ણપણે તાલિબાનીઓના તાબે થઈ જશે. બીજી તરફ તાલિબાની પ્રવક્તા યુસુફબયાને લોકોને પોતાના ઘરોમાં જ રહેવા સૂચન કરતાં જણાવ્યું કે, મુજાહિદ્દીન સામાન્ય લોકોને નુકસાન પહોંચાડવા માંગતા નથી.