(એજન્સી) વોશિંગટન, તા.ર૦
સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકારની પરિષદ સાથે અમેરિકાએ છેડો ફાડી નાંખ્યો છે. અમેરિકાએ જાતે જ છેડો ફાડવાની જાહેરાત કરી છે, અમેરિકી દૂત નિકી હેલીએ સંયુકત રાષ્ટ્ર પર ઇઝરાયેલ સાથે રાજકીય પક્ષપાત કરવાનો આરોપ લગાવતા સંગઠનમાંથી બહાર થઇ જવાની જાહેરાત કરી હતી. અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને સંયુકત રાષ્ટ્રમાં અમેરિકન દૂત નિક્કી હેલીએ ઇઝરાયેલ પ્રતિ માનવાધિકાર પરિષદના વલણ પર સવાલ ઉઠાવતાની સાથે કહ્યુ હતુ કે વેનેઝુયેલા અને ઇરાનમાં માનવાધિકારનો ભંગ થઇ રહ્યો છે,તે સમયે પરિષદ ચૂપ હતી. તો તેના સભ્ય રહેવાનો કોઇ અર્થ નથી.
અમેરિકાએ પરિષદમાં અમુક સુધારાની અપીલ પણ કરી હતી .પરંતુ તેની માંગ પર સુનાવાણી પણ ના યોજાઈ. ત્યારબાદ અટકળોએ જોર પકડ્યું હતું કે અમેરિકા હવે છેડો ફાડી નાંખશે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકાએ ત્રણ મોટા અંતરાષ્ટ્રીય સંગઠન સાથે છેડો ફાડયો છે. અમેરિકાએ પહેલા પેરિસ કલાઇમેટ ચેન્જ અને ઇરાન પરમાણુ સમજૂતીમાંથી પોતે અલગ થઇ ગયું હોવાની જાહેરાત કરી ચૂક્યું છે. ટ્રમ્પના વહીવટી તંત્રના આ નિર્ણયના પક્ષમાં નિક્કી હેલીએ તર્ક આપ્યો હતો કે હાલના સમયે યૂએનએચઆરસી પોતાના ઉદ્દેશથી ભટકી ગયું છે. સંગઠનની શરૂઆત એક સારા ઇરાદાથી થઇ હતી પરંતુ હવે તે તેમાં સફળ થઇ રહ્યુ નથી.હેલીએ પરિષદ પર રાજકીય પક્ષપાત કરવાનો આરોપ લગાવતા કહ્યુ હતુ કે અમારા આ નિર્ણયનો એ મતલબ નથી કે અમે માનવાધિકારો પ્રત્યે બેદરકાર છીએ. અમે પરિષદની બહાર રહીને પણ માનવાધિકારોના મૂલ્યોની રક્ષા કરતા રહીશુ. દરમિયાન સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના વડા જેદ બિન રાદ અલ હુસૈને અમેરિકાના આ નિર્ણય પર આશ્ચર્ય વ્યકત કરતા કહ્યુ હતુ કે તેમણે માનવાધિકારોની રક્ષા કરવી જોઇએ. સંયુકત રાષ્ટ્રમાનવાધિકાર આયોગને વર્ષ ૨૦૦૬માં ભંગ કરીને એક નવા સંગઠન તરીકે યૂએનએચઆરસીની સ્થાપના કરી હતી.વર્ષ ૨૦૦૯માં અમેરિકા પ્રથમ વખત આ સંગઠનનો સભ્ય બન્યો હતો. અમેરિકા સહિત વિશ્વના મુખ્ય ૪૭ દેશ આ સંગઠનના સભ્યો હતા. પરંતુ એ અમેરિકાએ તેમાંથી બહાર જવાની જાહેરાત કરી દીધી છે. તેનુ કામ વિશ્વભરમાં માનવાધિકાર સંબંધિત જોડાયેલા કેસો પર નજર રાખવાની તેમજ સમય સમયે તે કિસ્સાઓ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરી સંબંધિત સરકારોને ચેતવવાની હોય છે. પરંતુ વર્ષ ૨૦૧૩માં ચીન, રશિયા, સાઉદીઅરબ, અલ્જેરિયા, વિએતનામને સામેલ કરવા અંગે અન્ય માનવાધિકાર જૂથોએ તેની આકરી ટીકા કરી હતી.