અમેરિકાના પ્રતિબંધોને સહન નહીં કરીએ યોગ્ય જવાબ આપીશું : ઈરાની રાષ્ટ્રપતિ

(એજન્સી) તા.ર૭
ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકા સામે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું કે અમેરિકા દ્વારા ર૦૧પના પરમાણુ કરારમાં જો કોઇપણ પ્રકારના પરિવર્તન કરવામાં આવશે તો ઇરાન તે મુજબ જ તેની પ્રતિક્રિયા આપશે. અમેરિકી પ્રતિનિધિ સભા દ્વારા પ્રતિબંધ સંબંધી એક નવા બિલને પસાર કરાયા બાદ ઇરાનના રાષ્ટ્રપતિએ આ નિવેદન કયુર્ં છે. સરકારી પ્રસારક આઇઆરઆઇબી પર પ્રસારિત કરેલ એક કેબિનેટની બેઠકમાં રુહાનીએ કહ્યું કે જો શત્રુ સમાધાન કરવા માટે પગલાં ભરશે તો અમે પણ તેમને સહકાર આપીશું અને જો તેઓ સંપૂર્ણ કરારને લઇને જ પગલાં ભરશે તો અમે પણ એવું જ કરીશું. ઇરાનની સંસદીય રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ બાબતોની સમિતિએ કહ્યું કે તે શનિવારે આ મુદ્દે ચર્ચા કરવા અને પ્રતિક્રિયા આપવા માટે અસાધારણ સત્રનું આયોજન કરશે. રુહાનીએ કહ્યું કે આપણે નક્કીરુપે આપણી સુરક્ષા ક્ષમતાઓને વિકસિત કરવી જોઇએ અને બીજાનો અભિપ્રાય ભલે ગમે તેવો હોય અમે અમારા રક્ષાત્મક શસ્ત્રોને વધારે મજબૂત બનાવીશું. બીજી બાજુ આ મામલે ઇરાનના સર્વોચ્ચ વાર્તાકારે બુધવારે કહ્યું કે અમેરિકી પ્રતિનિધિ સભા દ્વારા નવા પ્રતિબંધોને મંજૂરી એક શત્રુતાપૂર્ણ ઉપાય છે. જે ર૦૧પના પરમાણુ કરારને લઇને અમેરિકી પ્રતિબદ્ધતાને નુકસાન પહોંચાડે છે. એક જાણીતી સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ઉપ વિદેશમંત્રી અબાસ અરાઘચીએ પણ કહ્યું કે અમેરિકી કોંગ્રેસમાં ચાલી રહેલી તાજેતરની કાર્યવાહી સ્પષ્ટરુપે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન વિરુદ્ધ એક શત્રુતાપૂર્ણ કાર્યવાહી છે. ઇરાનના વડાએ આ મામલે કહ્યું હતું કે, અમે અમારા દેશના હિતમાં દરેક પ્રકારના પગલાં ભરવા તૈયાર છીએ. જો અમેરિકા દ્વારા તેની નીતિઓ કે પ્રતિબંધોમાં કોઇ ફેરબદલ કરવામાં આવશે તો અમે અમારા માર્ગે જ ચાલતા રહીશું. અમે અમેરિકનોને સંપૂર્ણપણે નજરઅંદાજ કરીશું. તેમણે અમેરિકા પર ફેરવી તોળવાનો આરોપ મૂકયો. તેમણે કહ્યું કે ઇરાન છેલ્લા ૪૦ વર્ષોથી અમેરિકાના ખોટા પ્રતિબંધોનું ભારણ સહન કરી રહ્યું છે. ઉપવિદેશમંત્રી અબ્બાસે પણ કહ્યું કે અમેરિકા પરમાણુ કરાર પર ફરી ગયું છે. જો તે કોઇ નવા પ્રતિબંધો લાગુ કરશે તો અમે તેને તરત જ જવાબ આપીશું. તમને જણાવી દઇએ કે યુએસના પ્રતિનિધિ મંડળે મતદાન કરીને ઇરાન, રશિયા અને ઉત્તર કોરિયા સામે નવા પ્રતિબંધો લાગુ કરવાના બિલને મંજૂરી આપી હતી. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે આ બિલ ક્યારથી લાગુ થશે ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks