Site icon Gujarat Today

અનેક વિદ્યાર્થીઓનો સવાલ ખૂબ ભણ્યા,અનેક વિષયોમાં ભણ્યા, હવે કન્ફ્યુઝ થયા કે આગળ કઇ કારકિર્દી લેવી

તમે એક સાથે અનેક અભ્યાસ કરી શકો છો પરંતુ કારકિર્દીનો એક તબક્કો એવો આવે છે કે તમારે બધામાંથી એક વિષય પસંદ કરવાનો રહે છે ત્યારે એટલા બધા મૂંઝાઇ જાવ છો કે કોઇ રસ્તો સૂઝતો નથી. ભૂલ થવાની પણ શક્યતા રહેલી હોય છે. ઝાઝી વસ્તુમાં ફાંફા મારવાના બદલે એક અભ્યાસ પકડીને બેસી રહો તો સફળતાની સીડી ચડી શકાય. જે નિર્ણય તમે મોડેથી લઇ રહ્યા હોવ છો તે તમારે વહેલો લેવાનો થાય છે. આથી મોડું કરવાને બદલે જે પણ કરવું હોય તો વહેલું કરી લેવું યથા યોગ્ય છે. તમે જે ક્ષેત્રમાં જવા માગતા હોવ તેનો નિશ્ચય પહેલેથી જ કરી લો.

હેલ્લો સ્ટુડન્ટ્‌સ – સાહેબ સોની

મિત્રો કોઇ યુવાન કે યુવતી સફળતાની ટોચ ઉપર પહોંચે ત્યારે ઘણા બધા એવા પ્રશ્નો કરતા હોય છે કે ભાઇ આ તો કાંઇ નહોતો. મોઢા પર માખી પણ ના ઉડતી. એવા એવા શબ્દોથી બધા વાતો કરે. બધા અચંબામાં પડી જાય. પરંતુ કોઇપણ સફળતા ધ્યેય, દૃઢ નિશ્ચય અને મહેનત વગર મળતી નથી. આ એવા લોકો છે કે જે કદાચ સોસાયટીની નજરમાં નબળા હોય, કોઇની સાથે ભળતા ના હોય, સ્વભાવમાં શાંત હોય પરંતુ પોતાના ઇરાદા બુલંદ રાખતા હોય છે. તેઓ પોતે ધ્યેય નક્કી કરીને આગળ વધતા હોય છે. બોલવા કરતા કરીને બતાવતા હોય છે. તો બીજા યુવાનો અને યુવતીઓ એવા પણ હોય છે કે ખૂબ જ વાચાળ હોય છે, બધે ભળી જતા હોય છે, અભ્યાસ અને સામાજિક બન્ને રીતે ખૂબ જ આગળ પડતા હોય છે પરંતુ જીવનમાં પાછળ રહી જતા હોય છે. તેમાં તમામ ગુણો હોવા છતાં પણ પાછળ રહી જતા હોય છે. તો આજે આપણે વાત કરીશું કે થોડું કરીને પણ એક ધારું કરીને સફળતા મેળવી લેતા હોય છે.

Exit mobile version