(એજન્સી) તા.૧૭
બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં સુરક્ષાદળો દ્વારા એક હોટલ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન એક ગેરકાયદેસર આતંકી સમૂહ જમિયત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (જેએમબી) નામના સંગઠન સાથે સંકળાયેલા એક શંકાસ્પદ આતંકીએ આત્મઘાતી વિસ્ફોટ કરતા પોતાને બોમ્બથી ઉડાવી લીધો હતો. પોલીસ પ્રમુખ એ. કે.એમ શહીદુલ હકે જણાવ્યું કે, આ શંકાસ્પદ આતંકીની ઓળખ સૈફુલ ઈસ્લામ નામે થઈ છે. તેણે હોટલ ઓલિઓ ઈન્ટરનેશનલ પર દરોડા દરમિયાન પોતાને વિસ્ફોટ કરી ઉડાવી લીધો હતો. જો કે આ દરમિયાન સુરક્ષાદળોએ વારંવાર તેને આત્મસમર્પણ કરવા આગ્રહ કર્યો હતો. આ આતંકવાદી બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર્રરહેમાનના સન્માનમાં દેશના પાટનગરમાં આયોજિત એક રેલી પર હુમલો કરવાના ઈરાદા સાથે કાવતરું ઘડી રહ્યો હતો. જો કે પોલીસે જણાવ્યું કે આ આતંકવાદી સૈફુલ ઈસ્લામ ગેરકાયદેસર આતંકી સંગઠન જમિયત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ સંગઠન સાથે સંકળાયેલો હતો. તે છેલ્લા બે દિવસથી તેના નિરીક્ષણ હેઠળ કાર્ય કરી રહ્યો હતો. પોલીસના વડા શહીદુલ હકે જણાવ્યું કે જ્યારે તે હોટલની બહાર આવી રહ્યો હતો ત્યારે સ્વાતની ટીમે તેને ગોળી મારી દીધી હતી જો કે તેણે ટ્રીગર દબાવી દેતાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જો કે તેણે ફરીવાર બીજા બોમ્બ માટે ટ્રીગર દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ જણાવે છે કે આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન લગભગ કિલોમીટર જેટલો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જો કે એક અન્ય અધિકારીએ જણાવ્યું કે પોલીસને આ મામલે ગુપ્ત સૂચના મળી હતી કે એક આતંકવાદી હોટલમાં છે અને તે રેલી પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. ૧પ ઓગસ્ટના રોજ હજારો બાંગ્લાદેશી નાગરિકો ઢાકા ખાતે બાંગાબંધુની વર્ષગાંઠ નિમિત્તે એકઠાં થાય છે. ૧૯૭પના બળવા દરમિયાન ઘણાં નાગરિકોનાં મોત થયા હતા. આ પીડિતોના પરિજનો અહીં હાજરી આપે છે.