પાટણ, તા.૧૯
પાટણ જિલ્લાના વારાહી ખાતે આજે એસ.ડી. આચાર્ય પ્રાથમિક શાળાનો સુવર્ણ જયંતિ મહોત્સવ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કોંગ્રેસના પ્રવકતા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે શંકરસિંહ વાઘેલાને પિતાતુલ્ય માની જણાવ્યું હતું કે,ર૧-૭-ર૦૧૭ના રોજ બાપુ તેમના જન્મદિવસે અમને કોંગ્રેસ રીટર્નની ગીફ્ટ આપે. તે દિવસે બાપુ કોઈ કકળાટ ન કરે અને અમારા વડીલ બની કાયમ કોંગ્રેસમાં રહે. શક્તિસિંહ ગોહિલની આ માર્મિક ટકોરથી કોંગ્રેસના નેતાઓ અને જનમેદનીમાં સન્નાટો છવાઈ ગયો હતો. પરંતુ શંકરસિંહ વાઘેલાએ કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો. વારાહીનો આ કાર્યક્રમ પતાવી પાટણ આવી પહોંચેલા શંકરસિંહ વાઘેલાને પત્રકારોએ શક્તિસિંહ ગોહિલની ટકોર અંગે પૂછતા તેઓએ અકળ મૌન ધારણ કરી કોઈ જ પ્રશ્નના જવાબ આપ્યા ન હતા. વારાહી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, નિરીક્ષક વર્ષાબેન ગાયકવાડ, રઘુભાઈ દેસાઈ, ભાવસિંહ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભમાં કેળવણી મંડળના પ્રમુખ ફરસુભાઈ ગોકલાણી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.