(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.ર૭
જમીયતે ઉલમાએ હિન્દ ગુજરાત, ભીલીસ્તાન ટાઈગર સેના, ઓબીસી સમર્થન સમિતિ અને મૂળ નિવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રના બંધારણ વિરોધી શાસન સામે વિશાળ મૌન પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલુ વરસાદે પણ સેંકડો લોકો રેલીમાં જોડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં હાલમાં સત્તારૂઢ ભાજપના હિંસક, ભાગલાવાદી, ભ્રષ્ટ, અન્યાયી શાસનને પડકારવા દલિતો, મુસ્લિમો, ખ્રિસ્તીઓ તેમજ ખેડૂતો, વ્યાપારી વર્ગ, પાટીદારો અને ઓબીસી જૂથો ઉપતર થતા અત્યાચારો, અન્યાયોને પડકારવા આયોજીત કરાયેલ મૌન પ્રતિકાર રેલીમાં ભરૂચના સ્ટેશન સર્કલ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહારવિધી કરી સ્ટેશન સર્કલથી પાંચબત્તી થઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. ધાર્મિક લઘુમતીઓ પર થતા અત્યાચારોના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરાઈ હતી. આ પ્રસંગે જમિયતે ઉલ્માએ હિન્દના મો.હનીફ લુહારવી, હનીફભાઈ હાંસલોદ ભીલીસ્તા, ટાઈગર સેના ગુજરાતના રાજભાઈ વસાવા, મિનેષ વસાવા, ઓબીસી સમર્થન સમિતિના જયંંતિભાઈ મનાની, જગદીશ પાટણવાડીયા તેમજ મૂળનિવાસી સંઘના પરેશ મહેતા તથા જૈસીંગભાઈ પરમાર સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.