આમ તો શિયાળાની ઋતુના આગમન સાથે જ ઠેર-ઠેર આકાશી વૈભવ નિસ્તેજ થવા લાગે છે. પણ અમેરિકા સહિતના ઠંડા પ્રદેશોમાં તો શિયાળો નિસ્તેજ અને ધૂંધળો જ હોય છે. જેના કારણે આવા પ્રદેશોમાં શિયાળાના આગમનની સાથે જ સાવ નિસ્તેજ ભૂરા આકાશને કારણે વાંદળી રંગનો મિજાજ આપણા વિચારોમાં પગપેસારો કરી જાય છે તથા ભૂરા રંગના ચંદ્રમાં આપણને સૂર્યનો ચહેરો દેખાઈ જ જાય. બ્લુ થીમની આ તસવીરો તમારા મનમાનસને કદાચ તાજગી બક્ષી જાય એમ છે.
પ્રથમ તસવીર જાપાનના હિટાચીનાકાનાં દરિયાકિનારે આવેલ હિટાચી બાગમાં નેમોફિયા નામના સુંદર ફૂલોની જાણે ચાદર પથરાઈ હોય તેવું લાગે છે અને વાદળી રંગના આ ફૂલોને દૂરથી જોઈએ તો જાણે ફૂલોનો વિશાળ દરિયો છલકાતો હોય તેવું લાગે છે. આ પ્રખ્યાત પાર્કમાં ઘણા રંગબેરંગી ફૂલો અને અમ્યુઝમેન્ટ પાર્ક આવેલું છે.
બીજી તસવીરમાં ઈસ્તંબુલની સુલતાન અહેમદ મસ્જિદનો આંતરિક ભાગ ખૂબ જ કલાત્મક અને સુંદર દેખાઈ રહ્યો છે. આ મસ્જિદ ‘વાદળી મસ્જિદ’ (બ્લુમોસ્ક) તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત છે.