માનવીઓમાં જેમ જેમ જાત જાતના રંગ અને પ્રકાર હોય છે એમ પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ વિવિધ જાતો જોવા મળે છે. ‘‘બાર ગાઉએ બોલી બદલાય’’ એમ દેશ કે પ્રદેશ બદલાય તો પ્રાણીઓમાં પણ વિવિધતા આવી જતી હોય છે. આમાં આબોહવા મહત્ત્વનો ભાગ ભજવે છે. ઠંડા પ્રદેશોના પશુપક્ષીઓ રૂંવાટીદાર અને ભરાવદાર હોય છે કે જેથી તે તીવ્ર ઠંડી કે બરફ સામે ઝીંક ઝીલી શકે. એ જ રીતે ગરમ પ્રદેશના પ્રાણીઓ પ્રમાણમાં પાતળા, આછી રૂંવાટીવાળા અને કાળાશ પડતા હોય છે. વાનરો, રીંછ, શ્વાનો, ઘોડાઓ વગેરેમાં આવા ફેરફાર જોવા મળે છે તેવી જ રીતે ખિસકોલીઓમાં પણ આવું જોવા મળે છે. આપણે ત્યાં જોવા મળતી ખિસકોલીઓ પ્રમાણમાં તપખીરિયા રંગની અને પાતળી હોય છે. જ્યારે ઠંડા પ્રદેશોમાં દેખાતી ખિસકોલીઓ હૃષ્ટપુષ્ટ અને રૂંવાટીદાર હોય છે. જો કે ખિસકોલી અમદાવાદની હોય કે અમેરિકાની પણ દરેકમાં એક સમાન બાબત હોવાની જ અને એ એનું નિર્દોષ રમતિયાળપણું. તેેની મસ્તીખોર માસૂમિયત માણવા જેવી હોય છે.
અત્રે આપવામાં આવેલી ખિસકોલીઓની મંત્રમુગ્ધ કરનારી તસવીરો ફોટોગ્રાફર ગીર્ટ વેગ્ગને ઝડપી છે. આ માટે તેઓ કોઈ હિમપ્રદેશમાં
નથી ગયા પણ પોતાના ઘરની પાછળના ગાર્ડનમાં જ બરફીલો અસબાબ ઊભો કરીને લાલ ખિસકોલીઓની અદભૂત તસવીરો ઝડપી છે. ગીર્ટ વેગ્ગને પોતાના ઘરને કેમેરાના સાધનો, લાઈટિંગ અને શિયાળાના બરફીલા માહોલનો ઉપયોગ કરીને સ્વીડીશ ગામ બિશપ ગાર્ડન જેવો નજારો સર્જ્યો છે. પોતાના ઘરના બગીચાને જ તેણે જીવંત સ્ટુડિયોમાં ફેરવી નાખ્યો પછી તેને સુંદર મજાની અને મસ્તીખોર પણ શરમાળ એવી ખિસકોલીઓની લાજવાબ તસવીરો મળી જે પૈકી કેટલીક અહીં પ્રસિદ્ધ કરી છે.
ગીર્ટ વેગ્ગન ૪૬ વર્ષના મૂળે ડચ અને વ્યવસાયે સુથાર છે પણ પોતાના શોખને તેમણે આ રીતે સાકાર કર્યો છે. ખિસકોલીઓને ભાવતાં ભોજન જેમ કે જાત જાતના બીયાં, સૂકો મેવો, સીંગદાણા, સૂરજમુખીના બીજ, રેડ બેરીઝ વગેરે વગેરેની પૂરેપૂરી વ્યવસ્થા કરી રાખી છે. પછી ખિસકોલીઓની આવી ખુશખુશાલ તસવીરો ન મળે તો જ નવાઈ. જો કે ગીર્ટ કહે છે કે તે લુપ્ત થતી જતી આ લાલ ખિસકોલીઓની પ્રજાતિને બચાવવા માટે તેનાથી શકય તેટલા પ્રયાસો કરી રહ્યા છે.