CM યોગીની ‘સત્તાની ગાદી પર કોણ છે’ એવી ચેતવણીના દિવસો બાદ બરેલીમાં મૌલાના મોહસીન રઝા સામે લેવાયું બુલડોઝર એક્શન

મંગળવારે ઉત્તરપ્રદેશના બરેલી મહાનગર નિગમ દ્વારા મૌલાના મોહસીન રઝાની મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી, ૨૬ સપ્ટેમ્બરના રોજ આલા હઝરત દરગાહ શરીફની બહાર અને IMCના વડા મૌલાના તૌકીર રઝા ખાનના નિવાસની બહાર કેટલા લોકો એકઠા થયા હતા અને એમના હાથમાં ‘આઇ લવ મુહમ્મદ (સ.અ.વ.)’ એવું લખેલા બેનર અને લખાણના પાટિયા હતા ત્યારે એ દેખાવો સંદર્ભમાં મોહસીન રઝાની અટકાયત કરવામાં આવી હતી

(એજન્સી) બરેલી, તા.૩૦
ઉત્તરપ્રદેશ મહાનગર નિગમ દ્વારા મૌલાના મોહસીન રઝાની મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ૨૬ સપ્ટેમ્બરના રોજ કેટલાક લોકોનું એક જૂથ આલા હઝરતની દરગાહની બહાર તેમજ આઈએમસીના વડા મૌલાના તૌકીર રઝા ખાનના ઘરની બહાર એકઠા થયા હતા અને એમના હાથમાં ‘આઇ લવ મુહમ્મદ (સ.અ.વ.)’ એવા લખાણના પાટિયા અને બેનર હતા એ કેસ સંબંધમાં અને દેખાવો બારામાં મોહસીન રઝાની એ દિવસે ધરપકડ કરવામાં આવ્યાના થોડા દિવસો બાદ તરત બુલડોઝર એક્શન લેવાયું છે. આ બેનર સાથેના દેખાવો થયા પછી બરેલી શહેરમાં ભારે તણાવનું વાતાવરણ છે. અત્યાર સુધીમાં પોલીસે દેખાવો બારામાં બરેલીની હિંસાના મુખ્ય ચાવીરૂપ કાવતરાબાજ ગણાવીને નદીમ ખાનની ધરપકડ કરી છે અને એમના સહિત કુલ ૫૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બરેલીના એસએસપી અનુરાગ આર્ય દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમણે કહ્યું હતું કે, હિંસાની ઉશ્કેરણી કરવાના આરોપસર નદીમ ખાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કહે છે કે, દેખાવ કરનારા લોકો આલા હઝરતની દરગાહની બહાર અને તૌકીર રઝા ખાનના ઘરની બહાર એકઠા થયા હતા અને જુમ્માની નમાઝ પછી એમણે દેખાવો શરૂ કર્યા હતા અને એમના હાથમાં ‘આઇ લવ મુહમ્મદ (સ.અ.વ.)’ લખેલા બેનર પણ હતા. એ લોકોએ પથ્થરમારો કર્યો હતો અને પોલીસ સાથે પણ અથડામણો શરૂ કરી હતી જેના કારણે જાહેર મિલકતોને નુકસાન થયું હતું અને ઘણા લોકોની ઈજાઓ થઈ હતી. વ્હોટ્‌સએપ પર મૂકવામાં આવેલા એક ઉશ્કેરણીજનક સંદેશાને પગલે હિંસા થઈ હતી. રવિવારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ બરેલીની હિંસાની ઘટનાઓને વખોડી કાઢી હતી અને પોલીસના કડક પગલાની એમને ચેતવણી આપી હતી. પોલીસ લાઠીચાર્જનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તોફાનીઓ સાથે આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. થોડા ઘણા લોકોને વાતાવરણ બગાડવાની છૂટ આપી શકાય નહીં. આ એ જ લોકો છે જે યુપીમાં ભ્રષ્ટાચારી સરકારોની સાથે રહીને યુપીમાં ઓળખની કટોકટી ઊભી કરી રહ્યા હતા અને ઊભી કરી હતી અને આવા લોકોને કારણે જ યુપીમાં ત્યારે વિકાસ થયો નહોતો અને મૂડી રોકાણ પણ થતું નહોતું. હવે એ લોકો નવી-નવી રીત રસમો અપનાવી રહ્યા છે પણ એ લોકોએ એ સમજવું જોઈએ કે અમે અગાઉ કરતાં ઘણા વધુ તૈયાર બેઠા છીએ અને બરેલીમાં જે રીતે એમને માર મારવામાં આવ્યો એવી રીતે અન્ય સ્થળે પણ એમને માર મારવામાં આવશે. યોગી આદિત્યનાથ સાથે એવી ભાષામાં ચેતવણી આપી હતી કે, સત્તામાં અત્યારે કોણ છે એ મૌલાના ભૂલી ગયા છે. તેમણે આવા લખાણના પોસ્ટરની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, આ મૂર્ખ લોકો બાળકોના જીવન બરબાદ કરી રહ્યા છે. આ મૂર્ખ લોકોને એ ખબર નથી કે આસ્થાના પ્રતિકનું સન્માન કરવામાં આવે છે અને તેને પ્રેમ નથી કરવામાં આવતો પણ તેને સન્માન સાથે જોવામાં આવે છે અને જાહેર રસ્તાઓ ઉપર આસ્થાઓનું પ્રદર્શન કરવાનું હોતું નથી. આ તો આત્માના ચિંતનનો મુદ્દો છે કેટલાક લોકો નાના બાળકોના હાથમાં આવા બેનર આપીને સમાજમાં ભારે મોટા પ્રમાણમાં અરાજકતા ઊભી કરી રહ્યા છે. નાના બાળકોના અને તરૂણોના જીવન બરબાદ કરી રહ્યા છે. જેવી રીતે તેમના પોતાના જીવન બરબાદ થઈ ગયા છે એવી રીતે એ લોકો આ નાના બાળકોના જીવન પણ બરબાદ કરવા માટે તલપાપડ બન્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts