CNG અને PNGમાં ભાવ વધારો એ ગરીબો માટે દાઝ્યા પર ડામ

અમદાવાદ, તા.૫
કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ પણ ગુજરાતને સતત અન્યાય થઈ રહ્યો છે. દિલ્હી કરતા ગુજરાતમાં રૂા.૫.૧૭ વધુ ભાવે સીએનજી ગેસ વેચાય છે. તદ્‌ઉપરાંત તાજેતરમાં ઔદ્યોગિક પીએનજીમાં રૂા.૩.૬૦ અને ડોમેસ્ટિક પીએનજીમાં રૂા.૧.૨૦ અને સીએનજીમાં રૂા.૧.૮૫નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેને ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ સખત શબ્દોમાં વખોડી નાખ્યો છે. આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ (અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક પીએનજીમાં રૂા.૩.૬૦નો ભાવ વધારો, ડોમેસ્ટિક પીએનજીમાં રૂા.૧.૨૦નો ભાવ વધારો અને સીએનજીમાં રૂા.૧.૮૫ ભાવ વધારાને ગ્રાહક સુરક્ષા સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આકરી આલોચના કરે છે. મોંઘવારીના ખપ્પરમાં હોમાયેલા મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર દાઝયાને ડામ અને પડતા ઉપર પાટુ છે. તા.૩૦/૮/૧૮ના રોજ ૧ એસસીએમ યુનિટ ગેસનો વેચાણ ભાવ રૂા.૧૨.૨૧ તથા ૧૫% વેટ હતો. સતત ભાવની વધઘટ થાય છે. મોટભાગે ભાવો વધતા રહે છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ પણ ગુજરાતને સતત અન્યાય થઈ રહ્યો છે. દિલ્હીમાં ૧ કિલો સીએનજીનો વેચાણ ભાવ રૂા.૪૨.૬૩ છે. ગુજરાતમાં રૂા.૪૭.૮૦ છે. દિલ્હીમાં આજની તારીખમાં સીએનજીનો વેચાણભાવ ધ્યાને લેવામાં આવતા ૧ કિલોદીઠ રૂા.૫.૧૭ ઓછો છે. આથી ગુજરાતના ગ્રાહકોને કિલો દીઠ રૂા.૫.૧૭ વધારે ચૂકવવા પડે છે. ગુજરાતના ગ્રાહકો પાસે અસહ્ય અને બેફામ ભાવ વધારો વસૂલ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવી ગુજરાતના ગ્રાહકોના જાહેર હિત માટે સીએનજી અને પીએનજીના ભાવો ઘટાડવા તાકીદ કરી છે. નહીં તો ગુજરાતને થતાં અન્યાય સામે લડત ઉપાડશે. સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની સહિત અદાણી ગેસ લિ. દ્વારા ડોમેસ્ટિક પીએનજી કનેક્શનધારક ગ્રાહકો પર સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ૧ એસસીએમના વેચાણ ભાવમાં રૂા.૧.૨૦નો ભાવ વધારો આજરોજ કરવામાં આવ્યો છે. ગઈકાલ સુધી ૧ યુનિટનો વેચાણ ભાવ રૂા.૨૦.૧૬ હતો. આજથી યુનિટ દીઠ રૂા.૧.૨૦ના ભાવ વધારાના કારણે વેચાણ ભાવ રૂા.૨૧.૩૬ થયો છે. ગુજરાત સરકાર ૧૫ ટકા વેટ અલગથી વસૂલ કરે છે. અર્થાત ૧ યુનિટ દીઠ ગુજરાત સરકાર વધારાના ૦.૧૮ પૈસા વસૂલ કરશે. ગુજરાત સરકાર પીએનજી પર ૧૫ ટકા અલગથી વેટ વસૂલ કરે છે. અર્થાત રૂા.૩.૮૮ના વેટચાર્જ-ટેક્ષ સાથે રૂા.૨૪.૫૬ ગ્રાહકોએ ચૂકવવા પડશે. કેન્દ્ર સરકારના દિલ્હી સ્થિત વૈધાનિક બોર્ડ (પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલરલી બોર્ડ) ગ્રાહકોના હકો અને અધિકારોનુું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયું છે. ગ્રાહક સુરક્ષાની યોગ્ય અને સાચી રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવતી નથી. કેન્દ્ર સરકારે સીએનજી અને પીએનજીના વેચાણ ભાવ અને અન્ય સેવાઓના ધોરણે અને ચાર્જીસ નક્કી કરવા માટે વીજ નિયમન પંચની જેમ તમામ રાજ્યોમાં ભાવ નિર્ધારણ પંચની રચના કરવી જોઈએ. સૂચિત ભાવ નિર્ધારણ પંચના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટીસ ગ્રાહક સુરક્ષા તથા ટેકનિકલ નિષ્ણાંતોના પ્રતિનિધિઓનો સમાવેશ કરી વાંધા, સૂચનો, રજૂઆત અને સુનાવણી બાદ વેચાણ ભાવનું જજમેન્ટ આવવું જોઈએ. અત્યારે રાતોરાત ઈજારાશાહીના કારણે એક તરફી ભાવ વધારાના સમાચારો વાંચવા મળે છે. ભાવ વધારા પર નિયંત્રણ અને અંકુશો જાહેર હિતમાં એમ મુકેશ પરીખે જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks