આશૂરાના દિવસે

ગત સપ્તાહે જ વિશ્વભરના મુસ્લિમોએ આશૂરાનો ગમનાક પર્વ પોતપોતાની પરંપરાઓ મુજબ મનાવ્યો. મુહર્રમ માસના દસમા દિવસને ‘આશૂરા’ કહે છે. આ દિવસે ઈસ્લામ ધર્મના મહાનત્તમ પયગમ્બર સાહેબ હઝરત મુહમ્મદ સાહેબ (સ.અ.વ.)ના ખૂબ જ પ્યારા એવા દૌહિત્ર હઝરત ઈમામ હુસૈન (ર.અ.)ને કરબલાના બળબળતા રણમાં કુટુંબ કબીલા અને સાથીઓ સાથે ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ્યાં અને તરસ્યો રાખી અત્યંત નિર્દયતાપૂર્વક અને તદ્દન અમાનવીય રીતે કત્લ કરવામાં આવ્યા. ઈસ્લામિક મૂલ્યોના જતન માટે હઝરત હુસૈન (ર.અ.)એ આ શહાદત વ્હોરી હતી. તે વખતના જુલ્મી શાસક યઝીદ અને તેના સમર્થકોએ ઈસ્લામનું સાવ અવળું જ અર્થઘટન કરી અરાજકતા સર્જી દીધી હતી. તેની સામે હઝરત હુસૈન (ર.અ.)એ અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે યઝીદ તુ દર્શાવે એ નહીં પણ સાચો ઈસ્લામ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ દર્શાવ્યો તે છે. પોતાની મનમાની ન ચાલતા યઝીદે પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના વંશજ એવા હઝરત હુસૈનને કુટુંબ કબીલા સહિત શહીદ કરી દીધા પણ એમની શહાદત રંગ લાવી. જેના કારણે આજે દુનિયાભરમાં ઈસ્લામ ધર્મ ફેલાઈ ચૂક્યો છે અને પોતાના ઉચ્ચત્તમ માનવીય મૂલ્યોને લહેરાવી રહ્યો છે. જો હઝરત હુસૈને (ર.અ.)આ કુરબાની વ્હોરી ન હોત તો પયગમ્બર સાહેબ (સ.અ.વ.)નો સાચો ઈસ્લામ વિશ્વ સુધી પહોંચ્યો ન હોત. જો કે હઝરત હુસૈન (ર.અ.)ની આ શહાદત એટલી કરૂણ છે કે તેની ગમગીન યાદ મુસ્લિમોના હૃદયમાં આજે પણ એટલી જ સચવાયેલી છે જેટલી સેંકડો વર્ષો પહેલા હતી. ‘આશૂરા’નુું દર્દનાક મંજર દર વર્ષે તાજું થઈ જાય છે. વિવિધ મસ્લકના મુસ્લિમો આ પ્રસંગને જુદી જુદી રીતે મનાવે છે. વિશેષ નમાઝ, રોજા, જેવી ઈબાદત ઉપરાંત વાએઝ-મજલીસો, જુલૂસો-માતમ મનાવાય છે.

પ્રસ્તુત તસવીરો આ શહાદતની યાદમાં ધારદાર છરીઓ સાથે મનાવાતા ઝંઝીરના માતમની છે. હઝરત હુસૈન (ર.અ.) અને તેમના બાળકો, ભાઈઓ, યુવાનો, સાથીઓ વગેરેને કરબલાના મેદાનમાં તીરો, તલવારો વગેરેથી ખૂબ જ ક્રૂર રીતે લોહીલુહાણ કરીને કતલ કરાયા હતા અને તેમના મસ્તકો પણ કાપી લેવાયા હતા. આ કરૂણત્તમ ઘટનાની યાદમાં ખાસ કરીને શિયા મુસ્લિમો ઝંઝીર અને તલવારો જેવા ધારદાર શસ્ત્રોથી પોતાને લોહીલુહાણ કરીને માતમ મનાવે છે. આ પાછળનો તર્ક કરબલાના શહીદોની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવાની સાથોસાથ એમના દર્દને મહેસૂસ કરવાનો છે.

પ્રથમ બે તસવીર આપણા કાશ્મીરના શ્રીનગરમાં આશૂરા નિમિત્તે નીકળેલા જુલૂસમાં ઝંઝીરથી માતમ કરી રહેલા કાશ્મીરી શિયા મુસ્લિમો નજરે પડે છે. જ્યારે ત્રીજી તસવીર લેબેનોનના નબાતિયેહ ખાતે આશૂરાના દિવસે તલવારો પોતાના માથામાં મારી માતમ કરી રહેલા મુસ્લિમો જોઈ શકાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts