બરાક ઓબામા પ્રવાસ પાછળ એક વર્ષમાં જેટલાં નાણાં ખર્ચતા હતા એટલાં નાણાં ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર એક મહિનામાં ખર્ચી નાખ્યા

(એજન્સી)    વોશિંગ્ટન,તા.૧

કરદાતાઓના પૈસા વેડફવા બદલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની વર્ષોથી ટીકા કરતા હતા એવા નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહિનામાં એટલો ખર્ચ કર્યો છે જેટલો ખર્ચ ઓબામાએ પ્રમુખ તરીકે ૮ વર્ષમાં પણ કર્યો ન હતો. નવા પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સીબીએસને આપેલી ૬૦ મિનિટની પોતાની પ્રથમ સત્તાવાર મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના પ્રમુખની ૪ લાખ ડોલરની વાર્ષિક સેલેરીમાંથી માત્ર ૧ ડોલર જ લેશે. પરંતુ ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા જેનો ઉપયોગ કરાયો છે એવા જવાબદારી કાર્યાલયના પ્રોજેક્શન મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે એક કરોડ ડોલરના કુલ ખર્ચે પોતાની પામ બીચ સ્થિત માર્ગ-એ-લાગો ક્લબની મુલાકાત લીધી હતી અને આટલી રકમ ઓબામા એક વર્ષમાં વાપરતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં પ્રથમ મહિલા મેલાનિયા અને તેમનો પુત્ર બેરન રહે છે તે ટ્રમ્પ ટાવરના રક્ષણ કાજે ન્યૂયોર્ક સીટી પાંચ લાખ ડોલર ચૂકવી રહ્યું છે અને એવો અંદાજ છે કે તેના કારણે કરદાતાઓના વર્ષે ૧૮.૩ કરોડ ડોલર વેડફાશે. તાજેતરમાં ઉરુગ્વેની એરિક ટ્રમ્પની મુલાકાત સિક્રેટ સર્વિસ અને યુએસ એમ્બસીને એક લાખ ડોલરમાં પડી હતી. વોશિંગ્ટન પોસ્ટમાં લખ્યું છે કે અમેરિકાના પ્રથમ પરિવારની અસામાન્ય જીવનશૈલી અને સિક્રેટ સર્વિસ અને સિક્યોરિટી ઓફિસર્સ પર દબાણ આવી રહ્યું છે. ગોલ્ફ ખેલવા બદલ ઓબામાની બે ડઝન કરતા વધુ વખત મજાક કરનાર નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તારુઢ થયા છે ત્યારથી છ વખત ગોલ્ફ કોર્સની મુલાકાત લઇ ચૂક્યા છે. ઓબામાએ પ્રવાસ માટે પોતાના ૮ વર્ષના કાર્યકાળ દરમિયાન ૯.૭ કરોડ ડોલર ખર્ચ્યા હતા અથવા તો દર વર્ષે ૧.૨૦ કરોડ ડોલર પ્રવાસ પાછળ ખર્ચ્યા હતા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તારુઢ થયાના પ્રથમ મહિનામાં જ પોતાની ટ્રીપ પાછળ ઓછામાં ઓછા એક કરોડ ડોલર ખર્ચ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts