તમારો વર્ણ, તમારી વંશીયતા અને સંસ્કૃતિ વિશે પ્રબળતાથી ઘણું બધું કહી જાય છે, જે તમને ભેદભાવપૂર્ણ નજરો સમક્ષ એક વ્યક્તિ સાથે સરખામણી કરતાં માપદંડમાં મૂકી દે છે. તમારા વર્ણના આધારે તમને નિરૂપદ્રવી અને ભોટ ગણાવીને ગેરલાયક ઠેરવી દેવામાં આવશે. કેટલાક લોકોની સંકુચિત વિચારસરણી ફક્ત પોતાના ધર્મ, જાતિ, પહેરવેશ અને ખોરાકના કારણે પોતાના જ લોકોના મનમાનસમાં ઉત્પાત મચાવી દે છે અને તેમના મનમાં ભયની લાગણી પેદા કરે છે. આજના વિશ્વમાં અલગ તરી આવવું એ મોટો અપરાધ માનવામાં આવે છે.
મધ્યમાં રહેલા રંગહીન વૃક્ષ અને તેની આસપાસ વૃક્ષોના સમૂહની આ તસવીર નયનરમ્ય લાગી રહી છે. પરંતુ આ તસવીર આપણને એ બાબતનું ભાન ચોક્કસપણે કરાવે છે કે, આપણે આજે પણ વર્ણભેદ ધરાવતા સમાજમાં જ રહીએ છીએ. આધુનિકતા ફક્ત આપણી જીવનશૈલીમાં આવી છે, વિચારસરણીમાં નહીં. આપણા મનમાનસ પર વર્ણનો એટલો તો પ્રભાવ છે કે, સીધી કે આડકતરી રીતે આપણે નિર્દોષ બાળકોને પણ આ વર્ણભેદનો ભોગ બનાવી દઈએ છીએ. પરંતુ આવો ભેદ પ્રસ્તુત તસવીરમાં જોવા નથી મળતો. તસવીરમાં જોઈ શકાય છે કે, બધા જ વૃક્ષો કોઈપણ જાતના ભેદભાવ વિના ખભેથી ખભો મેળવીને ઊભા છે. હા, મધ્યમાં રહેલું વૃક્ષ અન્ય વૃક્ષોની સરખામણીમાં ચોક્કસપણે અલગ લાગી રહ્યું છે, પરંતુ અન્ય વૃક્ષોએ તેનો અસ્વીકાર નથી કર્યો કે, ન તો તેની શાખાઓ કાપી નાંખી. કુદરતના વિશ્વમાં અસમાનતા હોવાથી કોઈ ફરક નથી પડતો પરંતુ આજના ‘અશરફુલ મખ્લુકાત’ના વિશ્વમાં આવું થયું છે જ્યાં પોતાના ફાયદા માટે નિર્દોષ બાળકોના હાથ-પગ કાપી નાંખવામાં આવ્યા હતા.
પ્રથમ તસવીર બ્રાઝિલના રોન્ડોનિયા રાજ્યના પોર્તો વેલ્હોમાં આવેલા રિયો પાર્દો નજીક આવેલા બોમ ફ્યુટુરો રાષ્ટ્રીય વન ખાતેના એમેઝોન વરસાદી જંગલોની એરિયલ વ્યૂથી લેવામાં આવેલી છે. એમેઝોન વરસાદી જંગલોના રિયો પાર્દોમાં આશરે ૪ હજાર લોકોનો વસવાટ છે, જ્યાં એક સદી પહેલાં જંગલનો ચોથા ભાગથી પણ ઓછો વિસ્તાર બચ્યો હતો અને ત્યાં વસવાટ કરનારાઓની સંખ્યા વધી હતી. સૌપ્રથમ લાકડાં કાપનારાઓએ જંગલો સાફ કર્યા, ત્યારબાદ ખેડૂતો, નાના વેપારીઓ અને ધરતીના પેટાળમાંથી ખનીજની શોધખોળ કરનારાઓએ જંગલો સાફ કર્યા. બ્રાઝિલની સરકારે ગેરકાયદેસર રીતે થતી વન નાબૂદી દૂર કરવાનો ધ્યેય નક્કી કર્યો છે પરંતુ રિયો પાર્દો જેવા અંતરિયાળ વિસ્તારમાં કાયદાનું અમલીકરણ ખૂબ જ મુશ્કેલ છે.