જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના દાદા ન્યૂયોર્ક સિટીમાં ઈમિગ્રન્ટ હતા
(એજન્સી) વોશિંગ્ટન, તા.૪
૧૮૮પમાં ૧૬ વર્ષના ફ્રેડરિક ટ્રમ્પે હજુ હમણા જ તેની ‘બાર્બર્સ એપ્રેન્ટીસશીપ પૂરી કરી હતી અને પોતાના વતન કોલ્સ્ટેડટ પેલેટીનેટ પરત ફર્યા હતા, જે હાલ જર્મનીના ભાગરૂપ છે. ફ્રેડરિક ટ્રમ્પને તુરંત સમજાયું કે ત્યાં જીવનનિર્વાહ કરવા માટે કોઈ બિઝનેસ નથી. તેમણે તુરંત અમેરિકા જવાનો નિર્ણય કર્યો ૧૮૮૦ના દાયકામાં ૧પ લાખ જર્મનીઓ અમેરિકા સ્થળાંતર કરી ગયા હતા, તેમના ડોનાલ્ડ ટ્રમ્પના દાદા ફ્રેડરિક ટ્રમ્પનો પણ સમાવેશ થતો હતો.
ધ ન્યૂયોર્ક’માં ટેડ વિમેરના જણાવ્યા પ્રમાણે ફ્રેડરિક ૧૯ ઓક્ટોબર ૧૮૮પના રોજ અમેરિકા પહોંચ્યા હતા. અન્યોની જેમ ફ્રેડરિક પણ મોટા સપના સાથે અમેરિકા આવ્યા હતા, પરંતુ તેમના ખિસ્સા ખાલી હતા. ફ્રેડરિક એલિસ આયલેન્ડ પર પોતાનું નામ ‘ફ્રેડરિક ટ્રમ્પફ’ નોંધાવ્યું હતું. વ્યવસાય તરીકે પોતે ખેડૂત હોવાનું દર્શાવ્યું હતું.
કેસલ ગાર્ડનથી ફ્રેડરિક પોતાની બહેન કેથરીન અને ફ્રેડ અચુસ્ટર સાથે ૭૬ ફોરસિથ સ્ટ્રીટમાં ગયા હતા જે આજે ચાઈના ટાઉન તરીકે ઓળખાય છે. ૭૬ ફોરસિથ સ્ટ્રીટ એ એક મધ્યમ કક્ષાનું ઘર હતું. ફોરસ્થિ સ્ટ્રીમાં એક વર્ષ રહ્યા બાદ ફ્રેડરિક ટ્રમ્પે શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં ચક્કરો કાપ્યા હતા અને સંઘર્ષમય જીવન ગુજારતા હતા. ૧૮૯૧માં ફ્રેડરિક વોશિંગ્ટન સ્ટેટ ગયા હતા અને એક દાયકા બાદ સારી એવી સંપત્તિ સાથે પરત આવ્યા હતા.
ફ્રેડરિકના ઈમિગ્રન્ટસ તરીકે પ્રારંભિક વર્ષો ખરેખર કપરા હતા. ફ્રેડરિકના દિવસો મોટાપાયે જર્મનીઓની અમેરિકામાં હિજરત થઈ હતી અને તેથી તેઓ અમેરિકામાં આવકાર્ય નહોતા. જો કે તેમ છતાં અમેરિકાએ તેમને જાકારો આપ્યો ન હતો. પોતાના દાદા ફ્રેડરિક ટ્રમ્પને આમ ઈમિગ્રન્ટ તરીકે સંઘર્ષમય જીવન ગુજારવું પડતું હતું તે ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભૂલી ગયા લાગે છે.