હેમ્બર્ગ, તા. ૭
જી-૨૦નું શિખર સંમેલન જર્મનીના હેમ્બર્ગમાં શરૂ થઇ ગયું છે. શુક્રવારે પીએમ મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઇ હતી અને બંનેએ એકબીજા સાથે જોશભેર હાથ મિલાવ્યા હતા. જોકે, ગુરૂવારે જ ચીન સરકા તરફથી કહેવામાં આવ્યું હતું કે, અત્યારે બંને દેશોના નેતાઓ વચ્ચે મુલાકાતનો યોગ્ય સમય નથી. ત્યારબાદ એવી અટકળો હતી કે, મોદી અને જિનપિંગ જર્મનીમાં મુલાકાત નહીં થાય. સિક્કીમના ડોકલામ ક્ષેત્ર માટે બંને દેશો વચ્ચે હાલ તંગદિલી ચાલી રહી છે. દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ આતંકવાદી મુદ્દે જી-૨૦માં પાકિસ્તાનને ઘેર્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયામાં એક દેશ આતંકવાદ ફેલાવી રહ્યું છે. હિંસા અને આતંકવાદની વધતી તાકાતે પડકારો ઊભા કર્યા છે. કેટલાક દેશો આને રાષ્ટ્રીય નીતિના નામે ઉપયોગમાં લઇ રહ્યા છે. ખરેખર દક્ષિણ એશિયામાં એક જ દેશ અમારા ક્ષેત્રોના દેશોમાં આતંકવાદ ફેલાવી રહ્યો છે. આતંકવાદી એ આતંકવાદી જ હોય. આતંકવાદનું સમર્થન કરનારાઓને અલગ કરવામાં આવે અને તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવે. આંતરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી રહ્યો છું કે એક થઇ આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં આવે. આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે કેમ કે આનાથી ઓછું અમને કાંઇ ખપે તેમ નથી. આ દરમિયાન મોદી અને જિનપિંગ મળ્યા ત્યારે ભારતે ચીનને તમામ મદદ કરવાનો વાયદો કર્યો હતો. ચીનના રાષ્ટ્રપતિએ પણ ભારતના વિકાસની આશા સેવી હતી. મોદીએ બ્રિક્સમાં જણાવ્યું કે, ભારતે જીએસટી લાગુ કરી ટેક્સના સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જિનપિંગની અધ્યક્ષતામાં બ્રિક્સના આયોજન બદલ તેમણે ચીનના રાષ્ટ્રપતિને અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન શિખર સંમેલનના યજમાન અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સહિત વિશ્વનેતાઓને મળવા માગે છે અને તેમની સાથે ઘણી ચર્ચાઓ કરવા માગે છે.