
યે આઈન-એ-કુદરત હૈ, યેહી અસ્લૂબ-એક ફિતરત હૈ
જો હૈ રાહ-એ-અમલ મેં ગામઝન, મહેબુબ-એ-ફિતરત હૈ
-અલ્લામા ઈકબાલ
પૂર્વીય ઈથોપિયામાં આવેલા પ્રાચીન શહેર હરારમાં દરરોજ રાત્રિના સમયે હાઈના (જરખ) જેવા હિંસક પશુઓ માંસના ટુકડાની શોધમાં શહેરની શેરીઓમાં ફરતા હોય છે. ભોજન મળી જતાં તેઓ ભોજનને ઢસડીને નજીકની ગુફાઓમાં લઈ જાય છે. પરંતુ આ હિંસક પ્રાણીઓથી ત્યાંના રહેવાસીઓ ભયભીત થતાં નથી. આ પશુઓને ભોજન આપવા માટે શહેર દ્વારા પરિવારની પસંદગી કરવામાં આવે છે. જો કે આ કાર્ય એટલું પડકારભર્યું નથી જેટલું આ પશુઓની નજીક જવાનું છે. ‘હાઈના મેન’ તરીકે ઓળખાતા અબ્બાસ યુસુફે પશુઓને ભોજન આપવાનું કાર્ય પોતાના પિતા પાસેથી શીખ્યું છે. તેના પિતા યુસુફ મુમે સલ્લેહે ૧૩ વર્ષ પહેલાં પોતાના પુત્રને આ કાર્ય સોંપતા પહેલાં ૪પ વર્ષ સુધી આ કાર્ય કર્યું હતું. અબ્બાસ યુસુફે કહ્યું કે, મારા પિતાએ તેમને ભોજન આપવાનું શરૂ કર્યું ત્યારથી જરખોએ હરારના લોકો પર કયારેય હુમલો કર્યો નથી સિવાય કે તમે તેના બચ્ચાઓને નુકસાન પહોંચાડો. મારા પિતા હંમેશા કૃતજ્ઞ રહ્યા છે કે તેમણે શરૂ કરેલું આ સારું કાર્ય મેં આગળ વધાર્યું અને હું જ્યારે વૃદ્ધ થઈશ ત્યારે હું મારા બાળકોને આ કાર્ય સોંપીશ.
યુસુફનું આ કાર્ય હવે જાણે કે એક આકર્ષણ બની ગયું છે. શહેરમાં આવેલી પ્રાચીન મસ્જિદોની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અહીં ખેંચાઈ આવે છે. યુસુફ માને છે કે આ અબોલ જીવનો મિત્ર બનવા માટે અલ્લાહે તેમને વિશેષાધિકાર આપ્યો છે. યુસુફના ઘરમાં હાઈનાનું બચ્ચું છે અને તે તેને પોતાના સુવાના ઓરડામાં રાખે છે. યુસુફ કહે છે કે મને તેની ચિંતા નથી કે જ્યારે હું સૂતો હોઈશ ત્યારે તે મારા પર હુમલો કરશે. યુસુફે હાઈનાના બચ્ચાઓની વર્તણૂક અને દેખાવના આધારે તેમને નામ પણ આપ્યા છે. હાઈનાઓ પર વિશ્વાસ મૂકવા માટે પ્રવાસીઓને પ્રોત્સાહિત કરવા માટે અબ્બાસ હાઈનાઓને સીધા પોતાના મોઢાથી જ ભોજન કરાવે છે. હાઈનાઓ શહેરની બહાર આવેલી ગુફાઓમાં રહે છે અને કચરાના ઢગલાઓ વચ્ચે ભોજન શોધે છે. કેટલાક હાઈનાઓ શહેરની વચ્ચે આવેલા નાળામાં બચ્ચાને જન્મ આપે છે. ‘‘દિવસ દરમ્યાન અમે શહેરમાં જે ગંદકી ફેલાવીએ છીએ તેને દૂર કરનાર હાઈનાઓ અમારા માટે અલ્લાહની ભેટ છે તેમના વગર આ શહેર ઘણું ગંદકીથી ભરેલું હોત. ‘‘તેમ બ્રેડ વેચતા ૩ર વર્ષીય અનીસા મોહમ્મદે જણાવ્યું હતું.
પ્રથમ તસવીરમાં શહેરની ગલીઓમાં બેખોફ પણે ખોરાકની શોધમાં ફરતા હાઈના જોવા મળે છે. બીજી તસવીરમાં ‘હાઈના મેન’ તરીકે જાણીતા ર૩ વર્ષીય અબ્બાસ યુસુફ હરારની બહારના વિસ્તારમાં હાઈનાને ભોજન આપી રહ્યા છે. આ તસવીર જોતા ચોક્કસપણે કહી શકાય કે આ બન્ને જીવ વચ્ચે ઘણી અસમાનતાઓ હોવા છતાં તેમને વચ્ચે ગાઢ આત્મીય સંબંધ છે. ત્રીજી તસવીરને જોતા એવું લાગે છે કે, યુસુફ અને હાઈના વચ્ચે આટલા સમયની અંદર ગાઢ મિત્રતા બંધાઈ ગઈ છે. ચોથી તસવીરમાં જોઈ શકાય છે કે યુુસુફ હંમેશાની જેમ હાઈનાઓને ભોજન કરાવવા માટે તેમની તરફ માસનો ટુકડો ફેંકે છે અને હાઈના તેને પોતાના મોઢામાં પકડે છે.