(એજન્સી) મેક્સિકો સિટી, તા.૧૩
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે શુક્રવારે કતારની સ્થિતિ અંગે ભારે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે દરેક ગલ્ફ દેશો સહિત ઈરાન અને તુર્કીએ પણ ક્ષેત્રીય વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઇએ. મેક્સિકોના રાષ્ટ્રપતિ એનરીક પેના નિએટો સાથે મંચ શેર કરતા મેક્સિકો શહેરમાં મર્કેલે આ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી દરેક દેશના પ્રતિનિધિઓ આગળ નહીં આવે અને આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ નહીં કરે ત્યાં સુધી કતારની સમસ્યાનો અંત આવવાનો નથી. આ વિવાદનો અંત આણવા ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના દરેક સભ્ય દેશોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું કે કતાર અને સઉદી અરબ સહિત અન્ય ગલ્ફ દેશો વચ્ચે ચાલી રહેલા વિખવાદની તસવીર સમગ્ર દુનિયા જોઈ રહી છે. આવો જ રાજકીય વિવાદ અને સ્થિતિ સીરિયામાં છે, લીબિયામાં પણ છે અને આવી જ પરિસ્થિતિનો સામનો ઈરાક પણ કરી રહ્યો છે. જો આ દરેક દેશના પ્રતિનિધિઓ એકબીજા સાથે બેસીને ચર્ચા નહીં કરે ત્યાં સુધી આ વિવાદનો અંત દેખાશે જ નહીં. તેમણે કહ્યું કે આ ચર્ચામાં ઈરાન, તુર્કી સહિત કતારને પણ સામેલ કરી લેવા જોઈએ. મર્કેલે કહ્યું કે સમગ્ર ગલ્ફમાં દરેક દેશો પાસે સમાન સત્તા અને સમરસતા હોવી જોઇએ અને જ્યારે આગામી મહિને જી-ર૦ના સભ્ય દેશોની હેમબર્ગમાં બેઠક થવાની છે ત્યારે દરેક દેશો માટે એક જ એજન્ડા હોવો જોઇએ કે આતંકવાદનો ખાત્મો બોલાવો. અરબ દેશો દ્વારા કતારની સામે દરરોજ નવા પડકાર ઊભા કરવામાં આવી રહ્યાં છે. દરરોજ નવા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે જો કે તેના સહયોગી દેશોએ પણ તેમની સેના મોકલવાની શરૂ કરી દીધી છે. જો કે મોટાભાગના મુસ્લિમ દેશો કતારથી તેમના રાજદ્વારીઓને વહેલા તે પહેલાના ધોરણે પાછા ફરવાનો આદેશ આપી રહ્યા છે.