જૂનાગઢ,તા.૧૬
જૂનાગઢ તાલુકાનાં તોરણિયા ગામ નજીક રામાપીર ગૌશાળા આવેલી છે આ ગૌશાળામાં ૧-૪-ર૦૧૭થી તા.૩૧-૩-ર૦૧૮ દરમ્યાન પશુઓના મૃત્યું થવા અંગે છેલ્લાં કેટલાંક દિવસોથી વિવાદ ઉઠવા પામ્યો હતો અને આ દરમ્યાન પશુઓની યોગ્ય જાળવણી ન રાખવાના કારણે તેઓનાં મૃત્યું થયા હોવાનું બહાર આવતાં ગૌશાળા ટ્રસ્ટનાં પ્રમુખ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રાયદેભાઈ સવાભાઈ ડાંગર (ઉ.વ.પ૬, રહે.મીરાનગરવાળા)એ જૂનાગઢ તાલુકા પોલીસમાં ગૌશાળા ટ્રસ્ટનાં પ્રમુખ ધીરૂભાઈ સાવલિયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આરોપીએ તોરણિયા ગામે રામાપીર ગૌશાળા નાનું ટ્રસ્ટ ચલાવે જે ગૌશાળામાં જૂનાગઢ શહેરમાં રખડતા-ભટકતા ન ધણિયાતા ગૌવંશની સારસંભાળ રાખવા માટેનો ૧૪ મુદ્દાનો મહાનગરપાલિકા સાથે એગ્રીમેન્ટ કરેલ અને એગ્રીમેન્ટના મુદ્દા નં.૧ જેમાં ગૌવંશની યોગ્ય સારસંભાળ નહીં રાખે તેનો ભંગ કરેલ હોય તેમજ મુદ્દા નં.૩ અન્વયે એક પશુ દીઠ રૂા.૩૦૦૦ લેખે કુલ પશુ ૭૮૯નાં કુલ રૂપિયા ત્રેવીસ લાખ ૬૭ હજાર મહાનગરપાલિકા દ્વારા ચુકવવામાં આવેલ હોવા છતાં પશુઓની જાતે સંભાળ નહીં રાખી અન્યને આપી દઈ અને મહાનગરપાલિકા સાથેનો એગ્રીમેન્ટનો ભંગ કરેલ તેમજ મહાનગરપાલિકાએ સારસંભાળ માટે આપેલ પશુઓની યોગ્ય સારસંભાળ નહીં રાખી તેમજ ચારો અને પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નહીં કરતાં જે વ્યવસ્થાના અભાવ રૂપે ગૌવંશનાં પપ૦ પશુઓ મૃત્યું પામતાં પશુઓ ઘાતકી વર્તન રાખવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ પી.બી.લક્કડ ચલાવી રહ્યા છે.